સોનાની માગને ફટકો

સોનાની માગને ફટકો
ઊંચા ભાવ અને રોકડની અછત લગ્નગાળો પૂરો થતા વર્તાવા લાગી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.22 માર્ચ
મોંઘું સોનું લોકોની નજરમાંથી ઉતરી ચૂક્યું હોય એમ ગુજરાતભરની ઝવેરી બજારમાં ગ્રાહકોનો સૂનકાર છવાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટાં શહેરોની સોની બજારમાં ઘરાકી સાવ પાતળી થઇ ચૂકી છે. લગ્નગાળાને લીધે ગયા અઠવાડિયા સુધી કરન્ટ હતો પણ હવે ગ્રાહકો બજારમાં આવતા બંધ થઇ ગયા છે. ચૂંટણીની જાહેરાત, સોનાના ઊંચા ભાવ, ખરીદશક્તિનો અભાવ અને રોકડની તરલતા ઘટવાના કારણોએ સોનાની માગ ઉપર અસર પાડી છે.
રાજકોટની જી. ખુશાલદાસના ભરતભાઇ રાણપરા કહે છે, સામાન્ય દિવસોમાં હોવી જોઇએ તેની તુલનાએ 30 ટકા ય માગ નથી. સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂા. 34400 ગયા મહિને થયા પછી આજે ઘટીને રૂા. 33000એ સ્થિર થયો છે પરંતુ હવે માગ નથી. પંદરેક દિવસથી લગ્નગાળાની ઘરાકીનો દોર પૂરો થઇ ચૂક્યો છે. હવે ખપત સાવ નબળી છે.
તેમણે કહ્યું કે, સોનાનો ભાવ જકાત સાથે ઘણો ઊંચો પડે છે. ગ્રાહકોની ખરીદશક્તિ ઓછી છે. રોકડાંની અછત અને હવે ચૂંટણીની જાહેરાત થતા સોનાની ખરીદીમાં કોઇને રસ નથી. રિસાયક્લિંગ માટે સોનું આવતું હતું તે પણ ઘણું ઓછું થઇ ગયું છે.
રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના નાના મોટાં શહેરોમાં ઘરાકીની સ્થિતિ વણસેલી છે. રાજકોટના એક જથ્થાબંધ વેપારી કહે છે, રિટેઇલ શોરુમ ધારકોને દિવસમાં અર્ધો કિલોનું ય ટર્નઓવર ન થતું હોય એવા ઘણા દિવસો જાય છે. કામકાજના અભાવે મજૂરો ય બેકાર બન્યા છે. વતન ભણી ગયેલા બંગાળી કારીગરો બહુ જ અલ્પ સંખ્યામાં પરત આવ્યા છે. આવનારા દિવસોમાં સોનાનો ભાવ વૈશ્વિક સ્તરે તેજ થવાની ધારણા છે. એ જોતા ઘરાકીની સ્થિતિ વધુ વણસે તેમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer