કેરી, કેળાં, પપૈયાં, લીંબુના ઉત્પાદનમાં ભારત મોખરે

કેરી, કેળાં, પપૈયાં, લીંબુના ઉત્પાદનમાં ભારત મોખરે
સૌથી વધુ કેળાં પકવતાં રાજ્યો - તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્ર

મુંબઈ, તા. 22 માર્ચ
કેરીની મોસમ લગભગ શરૂ થઈ ગઈ છે. નવાઈની વાત છે કે ભારત કેરી ઉપરાંત કેળાં, પપૈયું અને લીંબુના સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકે ઊભરી આવ્યો છે. સ્પેક્ટેટર ઈન્ડેક્સે જાહેર કરેલી માહિતી મુજબ કેરી, કેળાં, પપૈયું અને લીંબુ ઉપરાંત ભેંસનું દૂધ, બકરીનું દૂધ, લાલ મરચાં, આદું, કાબુલી ચણા, બાજરી, શણ અને બળતણનાં લાકડાં જેવાં કૃષિ ઉત્પાદનો પણ સૌથી વધુ ભારતમાં પાકે છે.
આ ઉત્પાદનોની રાજ્યવાર માહિતી અને કોણ ટોચના નિકાસકાર છે, તેની વિગતો જોઈએ.
કેરી
વર્ષ 2007માં ભારતીય કેરી આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની હતી. અમેરિકામાં કેરી ઉપરનો 18 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવાયો, તેના બદલામાં ભારતે હાર્લી ડેવિડસનને રોકાણોની મંજૂરી આપી હતી. ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કેરીનાં ટોચનાં ઉત્પાદન રાજ્યો છે. વિશ્વભરમાં કેરીના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 40 ટકા છે. આ ફળની યુએઈ, બાંગ્લાદેશ, યુકે, સાઉદી અરેબિયા અને નેપાળ નિકાસ થાય છે.
કેળાં
તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્ર કેળાંનો સૌથી વધુ પાક લેતાં રાજ્યો છે. અનાજ, ખાંડ, કોફી અને કોકો પછી વિશ્વમાં સૌથી વધુ ટ્રેડ થતી પાંચમી કૃષિ કોમોડિટી કેળાં છે. વિશ્વના અન્ય દેશો કરતાં ભારતમાં કેળાંની હેક્ટર દીઠ ઉત્પાદકતા બમણાથી પણ વધુ છે. ભારત યુએઈ, સાઉદી અરેબિયા અને ગલ્ફના દેશોને કેળાંની નિકાસ કરે છે.
દૂધ
ભેંસ અને બકરીનાં દૂધનાં ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વભરમાં મોખરે છે. ડૉ. વર્ગીસ કુરિયને હાથ ધરેલા ઓપરેશન ફ્લડને પગલે ભારતે વર્ષ 1998માં અમેરિકા કરતાં વધુ દૂધ ઉત્પાદન નોંધાવ્યું હતું. દૂધ ઉત્પાદનમાં મોખરાનાં રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને પંજાબ છે. એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ વર્ષ 2017-18માં ભારતે રૂા. 1196 કરોડના 48,03.94 લાખ ટન ડેરી પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી.
શણ
ગોલ્ડન ફાઇબર / જ્યુટ તરીકે પ્રચલિત શણનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સામેલ છે. ભારત અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા અને ટર્કીને શણની નિકાસ કરે છે.
પપૈયાં
આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ પપૈયાંનું સૌથી વધુ ઉત્પાદન કરતાં રાજ્યો છે. મોટા ભાગનું ઉત્પાદન ઘરઆંગણે વપરાય છે અને એક ટકાથી પણ ઓછી નિકાસ થાય છે. બેહરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, નેધરલેન્ડ્સ વગેરે દેશો ભારતીય પપૈયાંની આયાત કરે છે.
આદું
ભારતમાં ઉગેલાં આદુંની આયાત કરતા મુખ્ય દેશો યુએસએ, યુએઈ અને બાંગ્લાદેશ છે.
લાલ મરચાં
ભારતનાં મોટા ભાગનાં તમામ રાજ્યોમાં લાલ મરચાં પાકે છે. ભારતીય મરચાંની આયાત કરતા દેશોમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને પાકિસ્તાન વગેરે સામેલ છે.
જોકે, વૈશ્વિક આંકડા મુજબ ભારતથી સૌથી વધુ નિકાસ થતી કોમોડિટીઝ જેમ્સ, કીમતી ધાતુ, ખનિજ બળતણ, કોમ્પ્યુટર્સ, વાહનો સહિતની મશીનરી તેમજ ઓર્ગેનિક કેમિકલ્સ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer