કોર્ટનો સેબીને આદેશ

કોર્ટનો સેબીને આદેશ
તપાસ વિના કોઈ પણ કંપનીને `શૅલ'નું ટેગ નહીં આપો

મુંબઈ, તા.22 માર્ચ
બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)ને ગુહાટી હાઈ કોર્ટે આદેશ આપ્યો છે કે તે સંપૂર્ણ તપાસ વિના કોઈ પણ કંપનીને `શૅલ'નું ટેગ આપે નહીં. 
સેબીએ 9 જૂન, 2017ના રોજ શૅરબજારોને આદેશ આપ્યો હતો કે તેઓ 300 શંકાસ્પદ `શૅલ' (બનાવટી) કંપનીઓનું ટ્રેડિંગ સસપેન્ડ કરે. આ યાદીમાંની એક આસામ કં.એ સેબીના આ આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. 
સિરિયસ ફ્રોડ ઈનવેસ્ટિગેશન અૉફિસ (એસએફઆઈઓ)એ શંકાસ્પદ કંપનીઓની યાદી તૈયાર કરી હતી. કોર્ટે સેબીને સવાલ કર્યો છે કે આસામ કં.ને `શૅલ' કંપની તરીકે ગણવા માટે પુરાવા મળ્યા નથી. 
કોર્ટે તેમના 7 માર્ચના આદેશમાં કહ્યું કે, આસામની આ કંપનીને સીધી શૅલ કંપની તરીકે એસઆઈએફઓ અથવા સેબી ગણે એ વાજબી નથી. શૅલ કંપની તરીકે ગણવા માટે પૂરતી તપાસ કર્યા બાદ પૂરાવા મળવા જરૂરી છે. શૅલનું બ્રાન્ડિંગ આપતા પહેલા સંબંધિત કંપનીને નોટિસ મોકલવી જોઈએ અને સુનાવણી થવી જોઈએ. કોઈ પણ કંપનીને સીધી દોષી જાહેર કરી શકાય નહીં. 
આસામ કં. વાર્ષિક 1.1 કરોડ કિલો ચાનું ઉત્પાદન કરે છે. `શૅલ' કંપની સામાન્ય રીતે સક્રિય હોતી નથી. આ પહેલા પણ જે કંપનીઓને `શૅલ' ગણવામાં આવી હતી. તેમને કોર્ટે રાહત આપી છે. કાયદાના હિસાબે સુનાવણી વિના આદેશ આપી શકાય નહીં. થોડા સમય પહેલા સેટે પણ સેબીને આદેશ આપ્યો કે તે `એક્સ પાર્ટી' આદેશ અલગથી આપે અને તે પણ કોઈ જરૂરી કેસ હોય તો જ આપે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer