આઠ દિવસની સળંગ તેજી પછી પ્રત્યાઘાતી ઘટાડો

આઠ દિવસની સળંગ તેજી પછી પ્રત્યાઘાતી ઘટાડો
તેલ-ગૅસ અને બૅન્કિંગમાં નફાતારવણી વધતાં બજારમાં નબળાઈ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 22 માર્ચ
શૅરબજારમાં આઠ સત્રથી સળંગ ચાલતી તેજીમાં આજે ખાંચરો આવ્યો હતો. એશિયન બજારો સાડા છ મહિનાની ઊંચાઈએ મુકાયાં હોવા છતાં સ્થાનિકમાં વધુ પડતા લેણની સ્થિતિને લીધે સટ્ટાકીય નફાતારવણીથી બજારમાં ઘટાડો આવ્યો છે એમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, 11,300 ઉપરની સપાટી જળવાતાં આજના ઘટાડાને તેજીનો અંત ગણવો ભૂલ ગણાશે એમ અનુભવીઓ માને છે. ક્રૂડતેલમાં તેજીથી સ્થાનિકમાં વાહન અને તેલ-ગૅસ ક્ષેત્રના શૅરો પર દબાણ વધ્યું હતું. અમેરિકામાં ફેડ રિઝર્વ વ્યાજદર વધારો ટાળવા સાથે ટેક ક્ષેત્રે સારા સંકેત સાથે ડૉલર મજબૂત થતાં એશિયામાં બજારમાં સુધારો આવ્યો હતો. જોકે, ક્રૂડતેલમાં બેરલ દીઠ 67 ડૉલર પાર થવાથી થોડી ચિંતા પ્રસરી છે. આજે બૅન્કિંગ ક્ષેત્રે સટ્ટાકીય નફાતારવણીથી અનેક શૅરોમાં ઘટાડો તીવ્ર બન્યો હતો.
સ્થાનિકમાં એનએસઈ નિફ્ટી સુધારા સાથે ખૂલ્યા પછી 11,573ની ઊંચાઈએ વેચવાલી શરૂ થતાં 11,434નું દૈનિક તળિયું બતાવીને સત્રના અંતે 64 પોઇન્ટના ઘટાડે 11,457 બંધ રહ્યો હતો. સેન્સેક્ષ 222 પોઇન્ટ ઘટીને 38,165 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષના 20 શૅર ઘટાડે અને 10 સુધરીને બંધ હતા. જ્યારે મિડકેપ સૂચકાંક 184 પોઇન્ટ ઘટવા સાથે સ્મોલકેપ 66 પોઇન્ટ નીચે બંધ હતો. વાહન ઇન્ડેક્સ રૂા. 28 અને પીએસયુ 2 ટકા ઘટયા હતા.
એનએસઈ ખાતે નિફ્ટીના 50 અગ્રણી શૅરમાંથી 31 ઘટાડે અને માત્ર 19 સુધરીને બંધ રહ્યા હતા. બીએસઈ ખાતે 1697 શૅરના ભાવ ઘટવા સામે 1017 સુધરીને બંધ હતા. જેથી સમગ્ર રીતે માર્કેટ વલણ નકારાત્મક ગણાય. ટેક્નિકલી નિફ્ટી 11,500ની મહત્ત્વપૂર્ણ સપાટી નીચે બંધ આવ્યો હોવાથી ઘટાડો થોડો આગળ વધી શકે છે.
આજે બજારની ઘટાડાની આગેવાની લેનાર શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 34, એચડીએફસી બૅન્ક રૂા. 23, કોટક બૅન્ક રૂા. 32, મારુતિ સુઝુકી રૂા. 121, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 15, ગેઇલ અને બીપીસીએલ અનુક્રમે રૂા. 6 અને રૂા. 10, એચયુએલ રૂા. 9, એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 13, કોલ ઇન્ડિયા રૂા. 5 ઘટયા હતા.
આજે ઘટાડામાં સુધારો દર્શાવતા ચુનંદા શૅરમાં એનટીપીસી રૂા. 5, એલએન્ડટી રૂા. 24, એશિયન પેઇન્ટ રૂા. 15, ટીસ્કો રૂા. 5 અને આયશર મોટર્સમાં રૂા. 109નો પ્રત્યાઘાતી સુધારો મુખ્ય ગણી શકાય. સ્પાઇસ જેટને ઉગારી લેવાના સરકારી આદેશથી શૅરનો ભાવ 7 ટકા વધ્યો હતો. જ્યારે આઈટીસીએ સૌથી મૂલ્યવાન એફએમસીજી કંપનીનો દરજ્જો મેળવ્યો હતો.
વિદેશી-એશિયન બજાર
અમેરિકાનો નાસ્દાક 21 માર્ચે 110 પોઇન્ટ સુધરીને બંધ હતો. જેથી એશિયાનાં બજારોમાં હૉંગકૉંગ ખાતે હેંગસેંગ 42 પોઇન્ટ અને જપાન ખાતે નિક્કી 18 પોઇન્ટ વધ્યો હતો. શાંઘાઈ ઇન્ડેક્સ 3 પોઇન્ટ સુધારે સ્થિર હતો. ફેડ રિઝર્વ દ્વારા મધ્યમગાળા માટે અર્થવ્યવસ્થા અંગે સાવધાનીનું વલણ દાખવી વ્યાજવધારો ટાળ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer