દક્ષિણ ગુજરાત ચેમ્બરમાં ઉપપ્રમુખપદ માટે ચૂંટણી થવાની સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 એપ્રિલ
દક્ષિણ ગુજરાત ચેમ્બરમાં ઉપપ્રમુખપદ માટે ઈલેકશનનાં બદલે સિલેકશન થાય તે માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. આજે બપોરે ઉમેદવારો સાથેની બેઠકમાં તમામ ચર્ચાઓ પડી ભાંગતા ઉપપ્રમુખપદ માટે 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાય તેવી સંભાવના વધી છે. 
વર્ષ 2019-20 નાં ઉપપ્રમુખપદ માટે 16 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી હજુ સુધી એકપણ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું નથી. વર્તમાન ઉપપ્રમુખ કેતન દેસાઈ અને ટીમ દ્વારા ઉમેદવારો સાથે ચર્ચા કરીને ઈલેકશનની જગ્યાએ સિલેકશન થાય તે માટેનાં પ્રયાસો કર્યાં હતાં. પરંતુ, તમામ પ્રયાસો પડી ભાંગ્યા હોવાનું નજરે પડી રહ્યું છે. હાલ, હીરાઉદ્યોગનું સમર્થન જેને હાંસલ છે તે દિનેશ નાવડિયા અને કાપડઉદ્યોગનું સમર્થન જેને હાંસલ છે તે આશિષ ગુજરાતી વચ્ચે ચૂંટણી યોજાશે તેવું વાતાવરણ બની રહ્યું છે. 
જોકે, ચેમ્બરના એક ગ્રુપનું એવું માનવું છે કે ચૂંટણી બે વચ્ચે યોજાય કે 16 ઉમેદવારો વચ્ચે યોજાય તેમાં કોઈને શું વાંધો હોઈ શકે? શુક્રવારની બેઠકમાં ઉમેદવારો સાથે યોગ્ય વર્તન ન કરાયું હોવાની ચર્ચા સામે આવી છે. તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછું નહિ ખેંચવાની મક્કમતા દાખવી છે.
બન્ને ઉમેદવારો તરફથી સોશિયલ મીડિયા મારફત પ્રચાર અભિયાન શરૂ કરી દેવાયું છે. સિલેકશન ફોર્મુલ્યાનો સ્વીકાર ન થતાં નિર્ધારિત 21મી એપ્રિલે ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer