કરોડોનાં બોગસ બિલિંગ કૌભાંડમાં સીબીઆઈની એન્ટ્રીની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 એપ્રિલ
ગયા અઠવાડિયે સુરતમાંથી કરોડો રૂપિયાનું બોગસ જીએસટી બિલિંગ કૌભાંડ પ્રકાશમાં આવ્યાં બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. દેશવ્યાપી બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં હવે આગામી દિવસોમાં સીબીઆઈની એન્ટ્રીની સંભાવના વધી છે. જો આમ થશે તો સમગ્ર પ્રકરણને તપાસની એક નવી જ દિશા મળશે. 
ડીઆરઆઈ વિંગનાં સૂત્રોએ દાવો કર્યો છે અમારી તમામ તપાસ માત્ર આયાત-નિકાસ કરતી પેઢી પૂરતી જ સીમિત કરી છે. ઘરઆંગણે વેપાર કરતી પેઢીઓની અમે કોઈ તપાસ કરી નથી. કેટલાંક તત્ત્વો ખોટી વાતો ફેલાવી રહ્યા છે. બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં સુરત કરતાં મુંબઈ અને કોલકાતામાં વધુ પ્રમાણમાં બિલો બન્યાં છે. શા માટે ડીઆરઆઈ વિંગે સુરતને જ નિશાન બનાવ્યું છે તે પ્રશ્ન સ્થાનિક વેપારીઓનાં મનમાં ઊભો થયો છે. આ ઉપરાંત સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડમાં મોટું માથું કોણ છે તેને ડીઆરઆઈની ટીમ શોધી રહી છે. 
જે પ્રકારે મુંબઈ અને કોલકાતાનાં કેટલાંક માથાઓને બક્ષવામાં આવી રહ્યાં છે તે જોતાં તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે તો આગામી દિવસોમાં અનેક મોટાં માથાઓનાં નામ બહાર આવવાની શક્યતા છે. હાલમાં ડીઆરઆઈ દ્વારા ચાલી રહેલી તપાસમાં કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું? નાણાં કોના ખાતામાં જમા થયા? કઈ ચેનલથી બોગસ બિલિંગ અૉપરેશન સક્રિય હતું ? આ તમામ મુખ્ય બાબતોને ટોચ પર રાખવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer