રોકડની હેરફેર પર અંકુશથી માર્કેટ યાર્ડમાં વેપારને અસર

ભારે તકલીફોનો સામનો કરી રહેલા કમિશન એજન્ટો : રાજકોટ યાર્ડનું ટર્નઓવર ઘટયું

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 5 એપ્રિલ
ચૂંટણીમાં કાળાં નાણાંના વપરાશના જોખમને લીધે રોકડ નાણાંની હેરફેર ઉપર ચૂંટણી પંચ અને પોલીસે ડોળો તાક્યો છે. હાઇવે અને શહેરોમાં પણ ઠેર ઠેર રોકડ તો નથી જતીને તેની તપાસ ચાલતી રહે છે ત્યારે ખેત જણસના વેપારને અસર પહોંચી છે. માર્કેટિંગ યાર્ડોમાં 80 ટકા સોદામાં રોકડની આપલે થાય છે એટલે કમિશન એજન્ટો ચિંતામાં મુકાઇ ગયા છે. રાજકોટ માર્કેટ યાર્ડના ટર્નઓવરમાં પણ ઘટાડો નોંધાયો છે. 
માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ ઍસોસિયેશનના પ્રમુખ અતુલભાઇ કમાણી કહે છે, રાજકોટમાં 12થી 13 કરોડનું ટર્નઓવર રોજબરોજ થાય છે. પરંતુ હાલમાં 3-4 કરોડનો ઘટાડો થયો હોવાનો અંદાજ છે. જોકે, ટર્નઓવર ઘટવા પાછળ રોકડની હેરફેર ઉપરાંત શિયાળુ પાકોની નબળી આવક પણ કારણરૂપ છે.
કમિશન એજન્ટો ખેડૂતોના માલ કમિશનથી વેચી આપતા હોય છે. ખેડૂતોને રોકડાં નાણાં ચૂકવાતાં હોય છે. બૅન્કનો વહીવટ બહુ ઓછો થાય છે.  ખેડૂત માલની આવક અત્યારે ઓછી છે એટલે સમસ્યા નથી, પરંતુ આસપાસનાં ગામોમાંથી નાના વેપારીઓ ખરીદીને માલ મોકલાવતા હોય છે. ત્યાં રોકડાં ચૂકવવાની મુશ્કેલી પડે છે, પરિણામે માલ મોકલાવવાનું સાવ ઓછું કરી નાખ્યું છે.
આંગડિયા પેઢીઓ બંધ થઇ ગઇ છે. એ કારણે બહારગામ પૈસા મોકલવાની સગવડ થતી નથી. આરટીજીએસ પણ થઇ શકે નહીં કારણકે ગામડેથી મોટે ભાગે એક જ વ્યક્તિ માલ મોકલતી હોય છે એટલે વ્યક્તિના નામે વધુ પડતાં આરટીજીએસ કરાવવામાં પણ સમસ્યા સર્જાઇ રહી છે.
રાજકોટ યાર્ડમાં કુલ મળીને 230 જેટલા કમિશન એજન્ટો છે. તમામને મુશ્કેલી પડવા લાગી છે. ખાસ કરીને બહારગામના વેપારીઓ પાસેથી આવતા માલ માટે સરકારે અલગ વ્યવસ્થા કરવી જોઇએ અથવા આંગડિયાઓને અમુક સંજોગો પૂરતી છૂટ આપવી જોઇએ, તેમ અતુલભાઇ ઉમેરે છે. રાજકોટ સિવાયના માર્કેટ યાર્ડોમાં પણ સમસ્યા વકરવા લાગી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer