ચૂંટણી પછી સિમેન્ટના ઉપાડ અને ભાવ સુધરવાની આશા

નવી દિલ્હી, તા. 12 એપ્રિલ :
માર્ચ મહિનામાં ઘણી અફરાતરફી જોયા બાદ સિમેન્ટના ભાવમાં ચૂંટણી પૂરી થયા પછી સુધારો થવાની આશા છે. 23મી મેએ ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ જાય ત્યાર પછી જૂન મહિનાથી સરકારી અને ખાનગી ક્ષેત્રની બાંધકામ પ્રવૃત્તિમાં વેગ આવતાં અને મજૂરોની અછત હળવી થતાં સિમેન્ટનો ઉપાડ વધવાની ધારણા છે.
એપ્રિલ, 2018થી જાન્યુઆરી, 2019 સુધી ટકેલા રહ્યા બાદ સિમેન્ટના ભાવ ફેબ્રુઆરી-માર્ચમાં ગૂણીદીઠ પચીસ રૂપિયા વધ્યા હતા, પણ હોળી પછી ફરીથી ઘટી ગયા હતા. માર્ચમાં મજૂરોની અછતથી બાંધકામ પ્રવૃત્તિ પણ ઘટી ગઈ હતી. ``છેલ્લાં કેટલાંક વર્ષમાં બેતરફી વધઘટમાં સિમેન્ટના ભાવ માંડ 1-2 ટકાના દરે વધ્યા છે, જે ફુગાવાના દરથી ક્યાંય ઓછો છે'' એમ શ્રી સિમેન્ટના એમડી એચએમ બાંગુરે જણાવ્યું હતું.
``બાંધકામ અને સિમેન્ટ ઉદ્યોગના મોટા ભાગના મજૂરો બહારથી આવતા હોય છે અને ઉનાળામાં પોતાને વતન પાછા ફરતા હોય છે. તેથી માળખાકીય પ્રોજેકટો તેમ જ ખાનગી ઇમારતોના બાંધકામને અસર થાય છે'' એમ ઇમામી સિમેન્ટના સીઈઓ વિવેક ચાવલાએ કહ્યું હતું. વધુમાં, ચૂંટણીની આચારસંહિતાને લીધે નવાં ટેન્ડરો બહાર પડતાં નથી.
બાંગુર અને ચાવલા બન્નેના મતે ચૂંટણી બાદ મજૂરોની અછત હળવી થશે અને માળખાકીય પ્રોજેક્ટો તેમ જ રહેઠાણોનાં બાંધકામમાં જોર આવશે.
સિમેન્ટ ઉદ્યોગના અન્ય સૂત્રોના કહેવા મુજબ ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં વધારાની ઉત્પાદનક્ષમતાને કારણે ભાવ દબાયા છે. દક્ષિણ ભારતમાં સિમેન્ટના ભાવમાં સૌથી તીવ્ર વધારો જોવાયો હતો, પરંતુ હવે ત્યાં પણ ભાવ ઘટી ગયા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. રેટિંગ એજન્સી ઇક્રાના કહેવા અનુસાર ઉત્પાદનક્ષમતાનો બહેતર ઉપયોગ તથા ગ્રામ વિસ્તારોની તેમ જ સસ્તાં રહેઠાણોની માગને પગલે એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં સિમેન્ટનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 13.6 ટકા વધીને 2757 લાખ ટન પર પહોંચ્યું હતું. આમ છતાં સિમેન્ટ કંપનીઓના નફામાં કે નફાના ગાળામાં 2018-'19માં કોઈ મોટો વધારો થવાની શક્યતા નથી કારણ કે સિમેન્ટ કંપનીઓ ભાવમાં ખાસ વધારો કરી શકી નથી. જ્યારે ઉત્પાદન ખર્ચ સમગ્ર વર્ષ દરમિયાન વધતું રહ્યું હતું.
ઇક્રાના અધિકારી સવ્યવસાયી મજુમદારના કહેવા અનુસાર આવતે વર્ષે સિમેન્ટના ઉત્પાદનમાં આઠ ટકાનો વધારો થશે. ઉત્પાદનક્ષમતામાં 170-180 લાખ ટનનો ઉમેરો થશે. પુરવઠા કરતાં માત્ર વધુ ઝડપે વધવાથી ઉત્પાદનક્ષમતાનો વપરાશ 2018-'19ના 69 ટકાથી સહેજ સુધરીને 71 ટકા થશે એમ તેમણે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer