નેધરલેન્ડ્સમાં ગૌધન માટે શૌચાલય દ્વારા પર્યાવરણનું જતન

હેગ, તા. 12 એપ્રિલ
ગાયને શૌચાલય જતાં શીખવવાનું કામ સહેલું નથી. પરંતુ નેધરલેન્ડના એક નવપ્રવર્તકે પર્યાવરણને નુકસાન કરતાં ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થાય તેવાં ગૌધન માટેનાં શૌચાલય તૈયાર કર્યાં છે. 
નેધરલેન્ડ્સમાં ખેતરોમાં આ શૌચાલય પ્રાયોગિક ધોરણે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. પ્રયોગ હેઠળ 58માંથી સાત ગાયોએ શૌચાલય જવાનું શીખી લીધું છે. એક ગાય એક દિવસમાં સરેરાશ 15-20 લિટર યુરિન કરે છે, તે તેમાં સંગ્રહ થાય છે. આ યુરિનથી નેધરલેન્ડ્સ જેવા દેશમાં મોટા પાયે એમોનિયાનું ઉત્સર્જન થાય છે. કૃષિ નિકાસ ક્ષેત્રે નેધરલેન્ડ્સ અમેરિકા પછી દ્વિતીય ક્રમ ધરાવે છે.
ગૌધન માટેના શૌચાલયના સંશોધક અને બિઝનેસમૅન હેન્ક હેન્સ્કેમ્પે જણાવ્યું કે એમોનિયાના ઉત્સર્જનની સમસ્યાને અમે મૂળમાંથી જ ઉકેલી નાખવા માટે પ્રયત્નશીલ છીએ. ગાય ક્યારેય સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખી ન શકાય, પરંતુ તમે તેને શૌચાલય જતાં તો શીખવી જ શકો છો.
શૌચાલય એક બોક્સમાં હોય છે, જેને ગાયની પાછળની બાજુએ મૂકવામાં આવે છે. ગાયની આગળ ચારો નીરવાનો ખાડો હોય છે. ગાય એકવાર ચારો ખાવાનું પૂરું કરે એટલે રોબોટ આર્મ (હાથના આકારનો રોબોટ) ગાયનાં આંચળ પાસેની જગ્યાની નસને ઉત્તેજીત કરીને ગાયને યુરિન જવાની ઈચ્છા પ્રબળ કરાવે છે. યુરિન સાથે છાણ પણ ન આવે તે સુનિશ્ચિત કરીને એમોનિયાનું ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવે છે.
વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતાં તેમ જ માનવીઓની આંખો ઉપર પ્રતિકૂળ અસર કરતાં એમોનિયાના ઉત્સર્જનને અટકાવવા નેધરલેન્ડ્સની સરકાર વધુ કડક નિયમો લાદી રહી છે. તેવા સમયે ગૌધન માટે આ નવી સુવિધા પર્યાવરણના જતન માટે સહાયરૂપ થવાની આશા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer