ઈલેક્ટોરલ બોન્ડ : દાન આપનારાઓ ભયભીત થશે

સુપ્રીમ કોર્ટે  અને ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારાનાં નામ એક સીલબંધ કવરમાં તેને 30મી મે સુધીમાં આપવાનો વચગાળાનો આદેશ ગઈ કાલે આપીને સરકારને અને અનામી દાતાઓને મોટો ઝટકો આપ્યો છે. અદાલતે 30મી મે સુધીમાં સીલબંધ કવરમાં તમામ દાતાઓનાં નામ અને તેમણે આપેલા ફાળાની વિગતો આપવાનો આદેશ તમામ રાજકીય પક્ષોને આપ્યો છે. અદાલત એ જોવા માગે છે કે 2018ની બીજી જાન્યુઆરીએ અમલમાં આવેલી ઈલેક્ટોરલ બોન્ડની યોજનાના અમલ પછી આવકવેરા, ચૂંટણીને લગતા અને બૅન્કિંગ કાયદાઓમાં સુસંગત ફેરફારો કરાયા છે કે નહીં. અદાલતનો તર્ક વિચિત્ર છે કે કોઈ એક પક્ષને વધુપડતો ફાળો મળે અને બીજા રહી જાય નહીં. વહીવટી પ્રક્રિયામાં અદાલતની દરમિયાનગીરીનું આથી વરવું બીજું ઉદાહરણ હોઈ શકે નહીં જ્યારે તે કોઈ પક્ષને મળતા વધુ કે ઓછા ફાળાની ચિંતા કરે એટલું જ નહીં, એપ્રિલ અને મે માસ દરમિયાન આ બોન્ડ ખરીદવાના દિવસો પણ દસથી ઘટાડીને પાંચ કરી નાખે. આ અદાલતે આ સપ્તાહે જ રફાલ વિમાનોના કેસના ચોરી કરાયેલા દસ્તાવેજોને પુરાવા તરીકે સ્વીકાર્ય ગણવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો, જેના કારણે કૉંગ્રેસને ચૂંટણી સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કાદવ ઉછાળવાની વધુ એક તક મળી ગઈ. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના આવા વલણથી તેમની પ્રજામાં છાપ મોદીવિરોધી હોવાની મજબૂત બને તો તેમાં કોઈનો વાંક કાઢી શકાય નહીં. ગોગોઇને રામમંદિરના કેસની સુનાવણી કરવાની બિલકુલ ઉતાવળ લાગી નહોતી અને કૉંગ્રેસની ઈચ્છા મુજબ તેનો નિર્ણય શક્ય હતો તો પણ તે લેવામાં આવ્યો નહીં, પણ ઈલેક્ટોરલ બોન્ડના કેસમાં આ ન્યાયમૂર્તિ અને તેમની બેન્ચને આ કેસમાં ચુકાદો આપવાની એટલી ઉતાવળ આવી ગઈ કે ચૂંટણી પતે ત્યાં સુધી આ વિષે કોઈ નિર્ણય નહીં લેવાની સરકારની વિનંતી સાંભળી નથી. અદાલતનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે અને વર્તમાન સરકાર વિદાય લઇ રહી છે. સ્વાભાવિક છે કે ચૂંટણી ભંડોળમાં નાણાં આપનારાઓમાં આ આદેશથી ફફડાટ ફેલાશે, ખાસ કરીને મધ્યમ કદના વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં જેઓ મર્યાદિત ભંડોળમાંથી તેમની વિચારધારાને અનુરૂપ હોય તેવા પક્ષ કે ઉમેદવારને ફાળો આપતા હોય છે. મોટી કંપનીઓ અને ઉદ્યોગપતિઓને આ ચિંતા હોતી નથી, કારણ કે તેઓ તમામ પક્ષ સાથે સંબંધ જાળવતા હોય છે. તો પણ અદાલતના આ આદેશ પછી તમામ દાતાઓની પહેલી ચિંતા એ હશે કે મેના અંતથી સત્તારૂઢ થનારી નવી સરકાર તેમની સામે ક્યા કાયદા હેઠળ કેવાં પગલાં લેશે. 
મોદી સરકારનો આ યોજના એક મહત્ત્વનો ચૂંટણી સુધારો છે. તેણે તેનો ભાવનાત્મક અમલ પણ કર્યો છે. ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ 2017-18માં ભાજપને જે રૂા. 990 કરોડનો ચૂંટણી ફાળો આ બોન્ડ મારફત મળ્યો તેમાંથી માત્ર રૂા. 342 કરોડ વીસ હજાર સુધીની નાની રોકડ રકમના સ્વરૂપે હતો અને બાકીનો ચેકમાં હતો. આનાથી વિપરીત, કૉંગ્રેસને એ વર્ષમાં રૂા. 161 કરોડનો જે ફાળો મળ્યો તેમાંથી મોટા ભાગનો રૂા. 141.50 કરોડનો રોકડમાં હતો. આમ છતાં એ ખરું છે કે ઈલેક્ટોરલ બોન્ડ યોજના અંતર્ગત મોટી ખામી રહી ગઈ હતી, જેથી તેના માધ્યમ વડે કાળાં નાણાંને કાયદેસરના કરવાનું સરળ હતું. કોઈ પણ વ્યક્તિ અનામી રહીને વીસ હજાર રૂપિયા સુધીનો ફાળો રોકડમાં આપી શકે છે. અઢાર હજારથી એક રૂપિયા ઓછા સુધીના ફાળાની અગણિત રસીદો એક જ વ્યક્તિ ફડાવી શકે અને તેમાં ફાળો લેનાર અને આપનાર બન્નેની સગવડ સચવાતી હતી.આનાથી વધુ રકમ ચેકથી આપવાનું ફરજિયાત હોવા છતાં ફાળો આપનારા એકથી વધુ કારણસર તેમનાં નામ જાહેર થાય તેવું તેઓ ઇચ્છતા નહોતા.  
હવે આ નામ જાહેર થશે. આરટીઆઈ કાયદાનો ભરપૂર ઉપયોગ થશે અને તેની માહિતી વડે પરસ્પરના વેરની વસૂલાત થશે. આ બધું ચૂંટણીમાં પારદર્શિતા લાવવાના નામે થશે. 
આ કવાયતમાં ફાયદો - ચૂંટણી ફાળો આપનારનો કે લેનારનો - કોઈનો નથી, સિવાય કે પ્રશાંત ભૂષણ જેવા ચળવળિયાઓનો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer