સોની બજારનો ચળકાટ ઊડી ગયો !

સોની બજારનો ચળકાટ ઊડી ગયો !
રાજકોટ સોની બજારનો ધંધો 95 ટકા ઘટયો : આચારસંહિતાના નામે રોકડ-ઝવેરાતની હેરફેર પર આડકતરો પ્રતિબંધ : આંગડિયા પેઢીઓ બંધ : કારીગરો બેકાર
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.12 એપ્રિલ
ચૂંટણી આચારસંહિતાને લીધે રોકડની સાથે ઝવેરાતની હેરફેર ઉપર પણ આયકર વિભાગની કરડાકીભરી નજર સતત ફરતી રહેતી હોવાથી ઝવેરી બજારના ટર્નઓવરને મોટો ફટકો પડયો છે. એપ્રિલ મહિનાના આરંભથી રાજકોટની ઝવેરી બજારનું ટર્નઓવર 95 ટકા જેટલું ઘટી ગયું છે. આવો જ ઘાટ સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અન્ય શહેરોની સોની બજારમાં પણ જોવા મળી રહ્યો છે. 
રાજકોટમાં જથ્થાબંધ ઉત્પાદનથી લઇને રિટેઇલ વેચાણ સુધીની મોટી બજાર વિકસી છે. ચૂંટણી પંચ તથા આયકર વિભાગ જેવા બન્ને સરકારી ખાતાઓની અતિશય કનડગત થતા હવે અનિવાર્ય હોય તેટલું જ કામકાજ ઝવેરીઓ હાથ પર લઇ રહ્યા છે. આંગડિયા પેઢીઓ બંધ છે. કારીગરો વતન જતા રહ્યા છે. મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી અર્થાત આખો એપ્રિલ મહિનો બજારમાં ચળકાટ આવે એમ નથી.
ઝવેરીઓમાં આયકર વિભાગનો ભારે ફફડાટ ફેલાયેલો છે એટલે ટર્નઓવરને અસર થઇ છે. જૂની સોની બજારમાં જથ્થાબંધ સ્તરે દાગીનાનું ઉત્પાદન કરનારા એક અભ્યાસુ મહાજન કહે છે, સોનું હંમેશા ગેરરીતિ આચરવાનું હાથવગું સાધન બની રહ્યું છે. ઝવેરીઓ ખોટું કામકાજ કરતા હોય એવી દૃષ્ટિએ સરકાર જોઇ રહી છે. પરિણામે કાયમ ઝવેરી બજાર તરફ કરડાકી નજર રહે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની સોની બજારોમાં આયકર વિભાગના અધિકારીઓ સતત ચેકિંગ ચલાવી રહ્યા છે. પરિણામે પારદર્શક વ્યવહારોમાં ય અડચણો આવી રહી છે.
આ ઝવેરી કહે છે, સોની બજાર અને આંગડિયા પેઢીઓ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આંગડિયા પેઢીઓ રોકડ અને દાગીનાની હેરફેર કરે છે.  પેઢીઓએ વહીવટ મોટેભાગે બંધ કરી દીધાં છે પરિણામે ઝવેરી બજારના ટર્નઓવરને ફટકો પડયો છે. કોઇ ઝવેરાત તૈયાર થાય એ પછી હૉલમાર્કિંગ કે અન્ય ચાર-પાંચ પ્રક્રિયા માટે બજારમાં હેરફેર થતો રહે છે. હેરફેર દરમિયાન અતિશય કડકપણે ચેકિંગ થઇ રહ્યું છે. જેતે ઝવેરાતના કાગળો સત્તાવાર રીતે સાથે હોય તો પણ છોડવાને બદલે આયકર વિભાગમાં ખૂલાસા આપવાનો આગ્રહ પરેશાન કરનારો છે.
સોની વેપારીઓ આયકર વિભાગની કઠોર કામગીરીથી થાકી ગયા છે. રાજકોટના એક નામાંકિત શોરૂમ ધારક નામ નહીં લખવાની શરતે કહે છે, બજારમાં સોનાની હેરફેર સાવ બંધ થઇ ગઇ છે. આયકર વિભાગની એટલી બધી સખ્તાઇ છે કે, કોઇ દાગીનાને રિપેરિંગ માટે કારખાનાનો વ્યક્તિ લઇ જતો હોય તો ય જડતી લેવાય છે. એ પછી પૂરાવા આપવાની રકઝક બહુ લાંબી ચાલે છે. આવા સંજોગમાં વાઉચર, બિલ કે જરૂરી પૂરાવા સાથે હોય તો પણ આયકર વિભાગ છોડતો નથી. બધુ બરાબર હોય તો જેતે ઝવેરાત પોતાનું જ છે કે કામકાજ કરવા માટે આવ્યું છે તે સાબિત કરવામાં ય ભારે હેરાનગતિ થાય છે. એના કરતા સોદા જ બંધ કરી દેવાનું અમે પસંદ કર્યું છે.
સોનું ખરીદવા ઇચ્છતો પ્રમાણિક ગ્રાહક પણ કદાચ રોકડ લઇને સોની બજારમાં નાની મોટી ચીજ ખરીદવા આવે તો ફસાઇ જાય એવી હાલત છે. આ મુદ્દે દેશભરમાંથી ઠેર ઠેર પિટિશનો ફાઇલ થઇ છે. ચૂંટણી કમિશનર પણ સોનું કે ઝવેરાતના ધંધાની ખાસિયતો જાણે છે છતાં કનડગત ચાલુ છે એવું ઝવેરીઓનું કહેવું છે.
પહેલી એપ્રિલથી સોની બજારોમાં લગભગ બધે જ આવી સ્થિતિ છે. આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે 11 દિવસથી કામકાજ નથી. હજુ આખો એપ્રિલ વીતિ જશે. સોની બજારમાં કામકાજ કરનારા કારીગરો પણ બેકાર છે. શો રૂમોને કોઇ આવક નથી. મતદાન પૂર્ણ થાય એ પછી જ કદાચ સોની બજારમાં થોડો જીવ આવે એમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer