દિલ્હી-હરિયાણાની પાર્ટીઓ ઊઠી જતાં સુરતના વેપારીઓના રૂા.25 કરોડ ફસાયા

દિલ્હી-હરિયાણાની પાર્ટીઓ ઊઠી જતાં સુરતના વેપારીઓના રૂા.25 કરોડ ફસાયા
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 એપ્રિલ 
સુરત કાપડ માર્કેટમાં છાસવારે ઉઠમણાંના બનાવો બનતાં રહે છે. ભૂતકાળમાં કેટલાક સ્થાનિક વેપારીઓ જ ઉધાર માલ લઈને નાણાં ચૂકવ્યાં વિના જ દુકાનને તાળાં મારીને નાસી છૂટયાના બનાવો બન્યા  છે. આ વખતે દિલ્હી-હરિયાણાના વેપારીઓએ સુરતના 17 જેટલા કાપડના વેપારીઓ પાસેથી ઉધાર માલ લઈને ઉઠમણું કરતાં સ્થાનિક કાપડના વેપારીઓના અંદાજે રૂા. 25 કરોડ ફસાયાનું પ્રકાશમાં આવ્યું છે. 
કાપડ માર્કેટનાં વર્તુળો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરતના 17 જેટલા કાપડના વેપારીઓએ દિલ્હી-હરિયાણાના પાંચ જેટલા કાપડના વેપારીઓને સુરત અને અમદાવાદની માર્કેટોમાંથી નિયત સમયમાં ચૂકવણું કરી દેવાના વાયદા પર ઉધાર માલનું વેચાણ કર્યું હતું. સમયમર્યાદા પૂર્ણ થતાં સ્થાનિક કાપડ માર્કેટના 17 જેટલા વેપારીઓએ ઉઘરાણી શરૂ કરવા માટે ફોન કરતાં દિલ્હીના તમામ પાંચે-પાંચ વેપારીઓના ફોન બંધ આવી રહ્યા છે. અંદાજે રૂા. 25 કરોડનું ઉઘરાણું બાકી છે. 
આ મામલે હજુ સુધી કાપડ માર્કેટના વેપારીઓના સંગઠન ફેડરેશન અૉફ સુરત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશન સુધી રજૂઆત પહોંચી નથી. તેમ જ વેપારીઓએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી. આગામી દિવસોમાં ફોસ્ટાનાં માધ્યમથી રજૂઆત અને પોલીસમાં દિલ્હી-હરિયાણાના વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે તેવી સંભાવના છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer