પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 7.28 ટકા કરી શકાશે : ઇસ્મા

પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 7.28 ટકા કરી શકાશે : ઇસ્મા
નવી દિલ્હી, તા. 12 એપ્રિલ
ડિસેમ્બર 2018થી માર્ચ 2019 સુધીના ચાર મહિનામાં પેટ્રોલમાં ઇથેનોલનું સરેરાશ પ્રમાણ દસ રાજ્યોમાં આઠ ટકાને વટાવી ગયું છે. ઇથેનોલ ઉત્પાદકોએ તેલ કંપનીઓને 75 કરોડ લિટર ઇથેનોલ પૂરું પાડયું છે જેમાંથી 21 કરોડ લિટર `બી' હેવી મોલાસિસ, શેરડીનો રસ અને સડેલા અનાજમાંથી પેદા કરાયું છે.
પૂર્વોત્તરનાં રાજ્યો તેમ જ જમ્મુ-કાશ્મીરમાં 10 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પૂરું પાડવાના નિર્ણયને પગલે નવા વિસ્તારોમાં ઇથેનોલ ઉત્પાદન કરવાની ક્ષમતા સ્થાપવામાં આવશે એમ ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશન (ઇસ્મા)એ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આખા દેશમાં બળતણમાં 10 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવું હોય તો વર્ષે 330 કરોડ લિટર ઇથેનોલની જરૂર પડે. તેની સામે સમગ્ર ઇથેનોલ વર્ષ (ડિસેમ્બર-નવેમ્બર) દરમિયાન 237 કરોડ લિટર પૂરું પાડવાના કૉન્ટ્રાક્ટ થઈ ચૂક્યા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. એમ ઇસ્માએ જણાવ્યું છે. જો આમ થાય તો 7.2 ટકા પેટ્રોલનું સ્થાન ઇથેનોલ લઈ શકે.
2017-18માં 160 કરોડ લિટર ઇથેનોલ પૂરું પાડવાના કૉન્ટ્રાક્ટ થયા હતા અને વાસ્તવમાં 150 કરોડ લિટર ઇથેનોલ તેલ કંપનીઓને પૂરું પાડવામાં આવ્યું હતું. 2017-18માં પેટ્રોલમાં ઇથેનોલનું સરેરાશ મિશ્રણ 4.22 ટકા હતું.
ઇથેનોલ ઉદ્યોગ માટેના ઊજળા સંયોગો, તેની વધતી જતી માગ, પેટ્રોલના વપરાશમાં સતત થઈ રહેલો વધારો અને તેમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાની શક્યતાને ધ્યાનમાં લઈને ઇથેનોલની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણમાં જંગી પાયે રોકાણ થઈ રહ્યું હોવાનું ઇસ્માએ જણાવ્યું છે.
મોટા ભાગનું રોકાણ ખાંડ કંપનીઓ દ્વારા તેમની સંલગ્ન ડિસ્ટીલરીઓમાં કરાઈ રહ્યું છે જ્યારે કેટલુંક રોકાણ માત્ર મોલાસિસ-આધારિત અથવા અનાજ- આધારિત ડિસ્ટીલરીઓમાં કરાઈ રહ્યું છે. રોકાણકારોનો આ ઉદ્યોગમાંનો રસ જોતાં આવતાં બે વર્ષમાં ઇથેનોલનું ઉત્પાદન હાલનાં 355 કરોડ લિટરથી વધીને 600-700 કરોડ લિટર થવાની ધારણા છે. આને કારણે પેટ્રોલમાં 15 ટકા સુધી ઇથેનોલ ભેળવવું શક્ય બનશે.
ઇથેનોલ અૉક્સિજનથી સમૃદ્ધ છે અને તેથી બળતણ માટે વિશ્વમાં અૉક્સિજનનો શ્રેષ્ઠ સ્રોત મનાય છે. તેમાં રહેલો વધારાનો અૉક્સિજન પેટ્રોલને એન્જિન વધુ કાર્યક્ષમતાથી બળવામાં મદદ કરી છે જેને લીધે વાહનમાંથી ધુમાડો ઓછો નીકળે છે અને પ્રદૂષણ ઘટે છે. આમ ઇથેનોલ વાતાવરણને શુદ્ધ કરવામાં પણ સહાયરૂપ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer