નેચરલ ગૅસ વાયદામાં ટેકાને અભાવે ફરી પીછેહઠ

નેચરલ ગૅસ વાયદામાં ટેકાને અભાવે ફરી પીછેહઠ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. 12 એપ્રિલ
ગત સપ્તાહના શોર્ટ કવરિંગ પછી નેચરલ ગેસ વાયદા પ્રમાણમાં સ્થિર થઇ ગયા હતા. ગયા શુક્રવારે મહિનાના અંતે ભાવ ઘટ્યા પછી નવેસરથી ટેકો ન આવતાં યુએસ મે વાયદો ગુરુવારે ફરી ઘટ્યો હતો. ગુરુવારે ભાવ 2.64 ડૉલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ મુકાયાં હતાં. અમેરિકાની આગામી હવામાન સ્થતિમાં કોઈ મોટા ફેરફારની ઓછી શક્યતા, નબળી માગની આગાહી અને વિક્રમ ઉત્પાદન જોતાં ભાવના વલણમાં મોટો ફેરફાર થવાની આગાહી એનાલિસ્ટો કરતા નથી. અમેરિકાની ઇન્જેક્શન (ટાંકામાં ગેસ સ્ટોર કરવાની) સિઝન શરૂ થતી હોઈ સટોડિયાઓ પોતપોતાની રીતે ઓળિયું રાખતા હોય છે, આ દરમિયાન સમયાંતરે વેચાણો કપાય અને તેજીના ઊભરા આવે તો આશ્ચર્ય ન થવું જોઈએ. 
ગુરુવારે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (ઈઆઈએ) તેના સાપ્તાહિક સ્ટોરેજ રિપોર્ટમાં કહ્યું હતું કે 29 માર્ચે પૂરા થયેલા પ્રથમ ઇન્જેક્શન સપ્તાહમાં અનામત જથ્થો 1.13 લાખ ઘનફૂટ વધ્યો હતો.  ઈઆઈએના અહેવાલ અગાઉ બજારમાં એવી માન્યતા હતી કે આ વર્ષનો પ્રથમ યુટિલિટી ઇન્જેક્શન બીલ્ડ (જમા) 11 અબજ ઘનફૂટ સ્ટોરેજ આવશે. ગત અઠવાડિયું વર્ષના સૌથી ઓછા ઠંડા હવામાનનું હતું, તેથી ઘરોમાં હિટિંગ ગેસની માગ ઘટી હતી.  
પોલાર વર્ટેક્સને પગલે અમેરિકાના ઇતિહાસમાં આ વર્ષનો શિયાળો અત્યંત ઠંડો હતો, પરિણામે ગેસની માગ પણ વિક્રમ રહી હતી. આની સીધી અસર 14 નવેમ્બરે નેચરલ ગેસ મે વાયદો 4.93 ડોલરની સાડા ચાર વર્ષની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. વસંત ઋતુના આગમન સાથે હવામાન હુંફાળું બની ગયું છે, એ જોતાં ભાવ સામે હવે નવા પડકારો પણ ઊભા થશે. એશિયામાંથી પ્રવાહિત થતા લિક્વિફાઈડ નેચરલ ગેસના મોટા જથ્થાને કારણે યુરોપભરમાં આવેલી યુટિલિટીમાં અત્યારે માલભરાવો થયો છે અને તેમને નીચા ભાવનો લાભ પણ મળી રહ્યો છે. એશિયામાં શિયાળો હળવો થવા સાથે જપાનમાં અણુમથક ફરી શરૂ થઇ ગયું છે. અમેરિકા અને રશિયાથી એલએનજીનો વ્યાપક પુરવઠો આવતો હોવાથી યુરોપના વિસ્તારના ગ્રાહકોએ નવી ખરીદીમાં કાપ મૂકી દીધો છે.  
આને લીધે ભાવ ત્રણ વર્ષના તળિયે પહોંચી ગયા હોવાથી ગેસવાહક જહાજોને યુરોપને બદલે અન્યત્ર વાળવાં પડ્યાં છે, પરિણામે બ્રિટનમાં પણ ભાવ 31 પેન્સના 2016 પછીના તળિયા કરતાં સહેજ ઊંચા મુકાયા હતા, જોકે પાંચ વર્ષની સરેરાશ 46 પેન્સ હતી. એશિયા અને યુરોપ એલએનજીનાં બે મુખ્ય આયાતકાર ક્ષેત્રો છે, હમણાં સુધી ચીન, દક્ષિણ કોરિયા અને જપાન જેવા દેશો સારી એવી માગ નીકળતાં એશિયન બેન્ચમાર્કના ભાવ યુરોપ કરતાં સહેજ ઊંચા રહે છે.               
ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ)ના આંકડા કહે છે કે યુએસ ડબલ્યુટીઆઈ એકસચેન્જના સ્પોટ હબ (હાજર બજાર) વાહ ખાતે નેચરલ ગેસના ભાવ બુધવારે અત્યાર સુધીના સૌથી નીચા, શૂન્ય નીચે 3.38 ડોલર પ્રતિ એમબીટીયુ બોલાયા હતા, જે 29 માર્ચે શૂન્ય નીચે 1.99 ડોલર હતા. નકારાત્મક અથવા શૂન્યથી નીચા ભાવનો અર્થ એ થાય કે બિનઆવશ્યક ગેસને વધારાની પાઈપ લાઈન મારફત અન્યત્ર વહાવી જવાનો ખર્ચ. ગેસ ડીલરે આપવો પડતો હોય છે, આમ ઉત્પાદકને નાણાં મળવાને બદલે માલભરાવો ઢીલો કરવા તેણે ચૂકવવાં પડતા હોય છે. એનાલિસ્ટો કહે છે કે ન્યૂ-મેક્સિકો ખાતે મુખ્ય પાઇપલાઇનમાં તાજેતરમાં સમસ્યા સર્જાઈ હતી એ સાથે જ બજારમાં નેચરલ ગેસની માગ એકાએક ઘટવા લાગી હતી, તેથી ભાવ નકારાત્મક થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer