સ્ટીલનો માગ વધારો ધીમો પડીને 7.2 ટકા થશે

સ્ટીલનો માગ વધારો ધીમો પડીને 7.2 ટકા થશે
મુંબઈ, તા. 12 એપ્રિલ
સ્ટીલના મુખ્ય વપરાશકાર ઉદ્યોગો અૉટોમોબાઇલ્સ અને કન્ઝયુમર ડયુરેબલ્સનો વિકાસ પ્રમાણમાં ધીમો પડવાથી આગામી બે વર્ષમાં સ્ટીલની માગ 7.2 ટકા વધવાની ધારણા ઇન્ડિયન સ્ટીલ ઍસોસિયેશને (આઈએસએ) વ્યક્ત કરી છે. ગયા વર્ષે તે આઠ ટકા વધી હતી. દેશમાં આ વર્ષે સ્ટીલનો વપરાશ 10 કરોડ ટનને ઓળંગી જવાની અપેક્ષા આઈએસએએ દર્શાવી છે. ભારતમાં આ વર્ષે સ્ટીલની માગ ગયા વર્ષ કરતાં 9.6 કરોડ ટનથી વધીને 10.3 કરોડ ટન થવાની ધારણા વર્લ્ડ સ્ટીલ ઍસોસિયેશને જણાવી છે. તે વધુ વૃદ્ધિ પામીને 2020માં 11.02 કરોડ ટન થશે એમ વધુમાં જણાવ્યું હતું.
અૉક્ટોબર 2018થી અૉટોમોટીવ ક્ષેત્રની માગ નરમ રહી છે. તાજેતરની તરાહ અને ગયા વર્ષની મજબૂત કામગીરીને લીધે આ વર્ષના પૂર્વાધમાં વૃદ્ધિ ધીમી પડવાની સંભાવના છે એમ આઈએસએએ જણાવ્યું હતું. ભારત સ્ટેજ- છ ધોરણોનો ફટકો આવે તે પહેલાં આગોતરી ખરીદીને લીધે જુલાઈમાં અૉટોમોબાઇલ ક્ષેત્રની માગ પુન: સક્રિય થશે તેવી સ્ટીલ ઉદ્યોગની ધારણા છે.
ગયા વર્ષની મજબૂત વૃદ્ધિ બાદ આ વર્ષે કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રની સ્ટીલની માગ સામાન્ય રહેવાની અપેક્ષા છે. કન્ઝયુમર ડયુરેબલ્સમાં એર-કન્ડિશનર, વૉશિંગ મશીન અને રેફ્રિજરેટરનાં વેચાણને જીએસટી દર ઘટવાને લીધે વેગ મળ્યો છે.
અૉટોમોટીવ અને કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રોની વૃદ્ધિ ગયા વર્ષે અનુક્રમે 16 ટકા અને 22 ટકા રહી હતી તે આગામી બે વર્ષમાં ધીમી પડીને સાત ટકા રહેવાની ધારણા છે. અૉટોમોટીવ ક્ષેત્રની નબળી વૃદ્ધિને લીધે રોકાણ અને વપરાશ બંને દ્વારા પ્રેરાઈને ઇન્ટરમીડિયેટ ગુડ્સમાં સાધારણ માગ રહેશે. એમ આઈએસએએ જણાવ્યું હતું.
નબળી ગ્રામીણ માગ, ક્રૂડ તેલના ઊંચા ભાવ અને ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યનથી ગયા વર્ષના ઉત્તરાર્ધમાં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડી હતી. ખેડૂતો, બિનસંગઠિત ક્ષેત્ર અને સરકારી કર્મચારીઓને છૂટછાટો લંબાવાઈ હોવાથી વપરાશ માગ સુધરી રહી હોવાની સાથે ખાનગી રોકાણ પુન:સક્રિય થવાથી આગામી સમયમાં અર્થતંત્રને ટેકો મળવાની સંભાવના છે. આગામી સમયમાં અર્થતંત્રને ટેકો મળવાની સંભાવના છે. આગામી થોડાંક વર્ષોમાં ભારતીય અર્થતંત્ર એકંદરે સાત ટકાનો વૃદ્ધિ દર જાળવી રાખે તેવી શક્યતા હોવાનું આઈએસએએ કહ્યું હતું.
ભારતમાલા, સાગરમાલા, રેલવેના પાટાનું ઇલેક્ટ્રીફિકેશન, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર્સ અને મેટ્રો રેલવે જેવાં માળખાકીય પ્રોગ્રામોને લીધે બાંધકામ, કેપિટલ ગુડ્સ અને રેલવે જેવાં રોકાણલક્ષી ક્ષેત્રો તંદુરસ્ત વૃદ્ધિ ગતિ જાળવી રાખે તેવી શક્યતા છે.
જીએસટી દરના ઘટાડાથી રિયલ એસ્ટેટ માગને ટેકો મળશે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં થઈ રહેલા ક્ષમતા વધારાથી ઇલેક્ટ્રીકલ ઇક્વિપમેન્ટની માગને વેગ મળશે. આગામી બે વર્ષમાં બાંધકામ ક્ષેત્રની વૃદ્ધિ 7.2 ટકાના દરે થવાની ધારણા છે જ્યારે કેપિટલ ગુડ્સ અને રેલવેની અનુક્રમે 6.8 ટકા અને 6.5 ટકા વૃદ્ધિ થવાનો અંદાજ મુકાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer