જુલાઈ-અૉગસ્ટમાં અલ નિનોની અસર હળવી થશે

જુલાઈ-અૉગસ્ટમાં અલ નિનોની અસર હળવી થશે
વરસાદ ઉપર કોઈ ખતરો નથી : હવામાન વિભાગ
થિરુવનંથપુરમ, તા. 12 એપ્રિલ
લંડન સ્થિત હાઈવમાઈન્ડ અલ નિનો-સધર્ન ઓસ્કિલેશન (ઈએનએસઓ) પ્રિડિક્શન માર્કેટે આગાહી કરી છે કે જુલાઈમાં અલ નિનોની અસર હળવી બનવા લાગશે અને અૉગસ્ટમાં લગભગ શૂન્ય થઈ જશે. જોકે, તે પછીના બે મહિના, એટલે કે સપ્ટેમ્બર અને અૉક્ટોબરમાં અલ નિનોની અસરમાં ક્રમશ: વધારો જોવા મળશે. આ અનુમાન સીસરફેસ ટેમ્પરેચર્સ (એસએસટી)ની અંદાજિત વેલ્યુને આધારે કરવામાં આવ્યું છે.  
દરમ્યાન ઈન્ડિયા મિટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટે આ વર્ષે દેશમાં ભરપૂર વરસાદની સંભાવના હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અલ નિનોની અસર લાંબા સમય સુધી ચાલુ નહીં રહે અને દેશના ચોમાસા ઉપર કોઈ અસર નહીં વરતાય.
નોંધનીય છે કે તાજેતરમાં જ એક ખાનગી કંપની સ્કાયમેટ દ્વારા નૈઋત્યથી આવતા અને જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેતા ચોમાસા ઉપર અલ નિનોની અસરની આગાહી કરવામાં આવતાં આ વર્ષે વરસાદની સ્થિતિ બાબતે ચિંતા ફેલાઈ હતી.
દર થોડાં વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નિનો જોવા મળે છે. સમુદ્રની સપાટીનું તાપમાન સરેરાશથી વધવાને કારણે અલ નિનોની રચના થાય છે, જેને કારણે ભારત સહિત ઘણા દેશોના હવામાન ઉપર અસર પડે છે. હવામાં ભેજ ઓછો થઈ જતાં વરસાદ ઓછો અને અસમાન થાય છે. કેટલીકવાર આનાથી ઉંધી પરિસ્થિતિ પણ જોવા મળે છે, જેને લા નિનો કહેવાય છે.
હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું કે દેશના મધ્ય અને વાયવ્ય વિસ્તારોમાં અલ નિનોને કારણે ગરમી વધશે. આગામી ત્રણ મહિનામાં આ વિસ્તારોમાં તાપમાન સરેરાશ કરતાં એક ડિગ્રી સેલ્શિયસ ઊંચું રહેવાની ધારણા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસા વિશે સત્તાવાર આગાહી, આવતા સપ્તાહે જાહેર કરાશે. એ માટે ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી છે અને અત્યારે તેને લગતી વિગતોને આખરી સ્વરૂપ અપાઈ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer