સીસીઆઈના રૂા.2544 કરોડના દંડની સામે

સીસીઆઈના રૂા.2544 કરોડના દંડની સામે
કાર ઉત્પાદકો ટ્રિબ્યુનલમાં અપીલ કરશે
નવી દિલ્હી, તા. 12 એપ્રિલ
કૉમ્પિટિશન કમિશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ)એ કાર ઉત્પાદકો પર લાદેલા રૂા. 2544 કરોડના દંડ સામે કાર કંપનીઓ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે, એવો ચુકાદો દિલ્હીની વડી અદાલતે આપ્યો હતો.  
14 કાર ઉત્પાદક કંપનીઓએ કોમ્પોનન્ટ અને સ્પેરપાર્ટ્સ બનાવનારાઓ સામે પોતાની પ્રબળ શક્તિનો દુરુપયોગ કરીને કારમાલિકોનું શોષણ કર્યું હતું અને અઢળક નફો બનાવ્યો હતો એવો આક્ષેપ કરાયો હતો. 
ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માટે કાર કંપનીઓને છ સપ્તાહનો સમય અપાયો છે. 
સ્પેરપાર્ટના બજારમાં ગેરવાજબી રીતરસમ અપનાવવા બદલ સીસીઆઇએ ઓગસ્ટ 2014માં 14 કંપનીઓ પર સંયુક્ત રીતે દંડ લગાવ્યો હતો. ભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં આ શકવર્તી ચુકાદો હતો. 
સીસીઆઇએ જે કંપનીઓને દંડ ફટકાર્યો હતો, તેમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જનરલ મોટર્સ, હોન્ડા કાર ઇન્ડિયા, હોન્ડા સીલ, ફોક્સવગાન, ફિયાટ ઇન્ડિયા, બીએમડબ્લ્યુ ઇન્ડિયા, ફોર્ડ ઇન્ડિયા, હિન્દુસ્તાન મોટર્સ, મર્સિડીઝ બેન્ઝ, નિસ્સાન મોટર્સ, સ્કોડા અને ટોયોટા કિર્લોસ્કર હતી. 
ટાટા મોટર્સને સૌથી વધુ રૂા. 1346 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. મારુતિ સુઝુકીને રૂા. 471 કરોડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને રૂા. 292 કરોડ, જનરલ મોટરને રૂા. 85 કરોડ અને હોન્ડા કારને રૂા. 78 કરોડનો દંડ ફરમાવાયો હતો. 
કાર ઉત્પાદક કંપનીઓને તેમના સરેરાશ ટર્નઓવરના બે ટકા લેખે દંડ કરવામાં આવ્યો હતો.  
સીસીઆઇએ ચુકાદામાં કહ્યું હતું કે આ કંપનીઓએ તેમના અસલી સ્પેરપાર્ટ્સ ખુલ્લા બજારમાં સહેલાઈથી ન મળે એવી, સ્પર્ધાને રૂંધતી રીત અપનાવી હતી.  
કાર બનાવતી કંપનીઓએ એવી રજૂઆત કરી હતી કે સ્પેરપાર્ટ્સને સીમિત રાખવાની તેમની નીતિ ગ્રાહક અસલી પાર્ટ્સ જ વાપરે એ નિશ્ચિત કરવા માટે હતી. નકલી પૂર્જા બજારમાં છૂટથી મળે છે અને સરકાર તેને બંધ કરાવી શકતી નથી એવો દાવો કંપનીઓએ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer