રિટેલ ફુગાવો વધીને 2.86 ટકા, ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિની રફતાર મંદ પડી

રિટેલ ફુગાવો વધીને 2.86 ટકા, ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિની રફતાર મંદ પડી
બળતણના ભાવમાં વધુ ભાવવધારો 
નવી દિલ્હી, તા. 12 એપ્રિલ
ખાદ્યચીજો અને બળતણના ભાવ વધવાને પગલે માર્ચ, 2019માં રિટેલ ફુગાવો નજીવો વધીને 2.86 ટકા થયો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ફુગાવાને આધારે ગ્રાહક ભાવાંક (સીપીઆઈ) ફેબ્રુઆરી, 2019માં 2.57 ટકા હતો, જ્યારે માર્ચ, 2018માં ફુગાવાનો દર 4.28 ટકા હતો.
સેન્ટ્રલ સેટિસ્ટિક્સ અૉફિસ (સીએસઓ)એ જાહેર કરેલી માહિતી પ્રમાણે માર્ચમાં ખાદ્ય ચીજોના ભાવ 0.3 ટકા વધ્યા હતા. પાછલા મહિને આ ભાવમાં 0.66 ટકાનો ઘટાડો હતો.
જોકે, બળતણના ભાવમાં વધુ ભાવવધારો જોવા મળ્યો છે. આ ક્ષેત્રમાં ફેબ્રુઆરીમાં 1.24 ટકા ભાવ વૃદ્ધિ સામે માર્ચમાં 2.42 ટકા વૃદ્ધિ હતી.
ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનની ગતિ ધીમી પડી છે. જાન્યુઆરીમાં 1.7 ટકા વૃદ્ધિ સામે ફેબ્રુઆરીમાં 0.1 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. કોર સેક્ટરમાં વૃદ્ધિનો દર 2.1 ટકા છે, જે ઔદ્યોગિક ઉત્પાદનમાં સુધારાનો સંકેત આપે છે. કોર સેક્ટરના આઠ ઉદ્યોગો ઔદ્યોગિક ઉત્પાદનના ઈન્ડેક્સમાં 40 ટકા ભારણ ધરાવે છે.
ઈન્ડેક્સ દર્શાવે છે કે લગભગ તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિમાં ઘટાડો જોવા મળ્યો હતો. કૅપિટલ ગુડ્સમાં સૌથી વધુ 8.8 ટકા ઘટાડો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer