માર્ચ 2019 ત્રિમાસિક પરિણામોની મોસમનો આરંભ

માર્ચ 2019 ત્રિમાસિક પરિણામોની મોસમનો આરંભ
ટીસીએસ દ્વારા રૂા. 18; ઈન્ફોસિસનું ડિવિડન્ડ રૂા. 10.50 
નવી દિલ્હી, તા. 12 એપ્રિલ
 નાણાકીય વર્ષ 2018-19ના છેલ્લા ત્રિમાસિક જાન્યુઆરી-માર્ચના કોર્પોરેટ પરિણામોની શરૂઆત ગઈ કાલે શુક્રવારે થઈ હતી.   ભારતની સૌથી મોટી ઇન્ફર્મેશન કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ અને બીજા ક્રમની મોટી કંપની ઇન્ફોસીસે તેમના પરિણામો જાહેર કર્યા હતા.  
ભારતની અગ્રણી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીસે (ટીસીએસ) 2018-19ના વર્ષ માટે રૂા. 18નું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું હતું.  
જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકના પરિણામો કંપનીએ શુક્રવારે જાહેર કર્યા હતા. તેનો નફો એક વર્ષમાં 17.70 ટકા વધીને રૂા. 8,126 કરોડ થયો હતો. એક વર્ષ પહેલા આ જ ત્રિમાસિકમાં કંપનીએ રૂા. 6,904 કરોડનો નફો નોંધાવ્યો હતો. 
ચોખ્ખું વેચાણ 18.5 ટકા વધીને રૂા. 38,010 કરોડ રહ્યું હતું. ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં કંપનીનું વેચાણ રૂા. 32,075 કરોડ હતું.  
ઈન્ફોટેક ક્ષેત્રની ટોચની કંપની ઈન્ફોસીસે આજે અપેક્ષા કરતાં ઘણાં સારાં પરિણામો જાહેર કરીને શૅરબજારને ખુશ કરી દીધું હતું. માર્ચ, 2019માં પૂરા થતા ત્રિમાસિકમાં કંપનીનો નફો પાછલા સમાન ગાળામાં રૂા. 3690 કરોડથી 10.51 ટકા વધીને રૂા. 4078 કરોડ નોંધાયો છે. ત્રિમાસિક ધોરણે કંપનીની નફાકારકતા 12.96 ટકા વધી છે.
બજારના ખેલાડીઓએ કંપનીનો ચોથો ત્રિમાસિક નફો રૂા. 3957 કરોડ હોવાનું અંદાજ્યું હતું.
નાણાં વર્ષ 2020 માટે 9.5 ટકાના દરે વૃદ્ધિનો અંદાજ
ઈન્ફોસીસે નાણાં વર્ષ 2019-2020 માટે કોન્સ્ટન્ટ કરન્સીની ટર્મ્સ ઉપર 7.5-9.5 ટકાના દરે કમાણીમાં વૃદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. 2020ના નાણાં વર્ષે કંપની 21-23 ટકા ઓપરેટિંગ માર્જિન નોંધાવવા ધારે છે.
10 કરોડ ડોલર્સથી વધુના 25 ક્લાયન્ટ્સ
કંપનીના ટોપ 10 ક્લાયન્ટ્સ કંપનીની નફાકારકતામાં 19.70 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ટોચના 25 ક્લાયન્ટ્સ માર્ચ, 2018માં પૂરા થયેલા ત્રિમાસિકમાં 35.40 ટકાની સરખામણીએ માર્ચ, 2019ના ત્રિમાસિકમાં 35 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના મોટા ક્લાયન્ટ્સની સંખ્યા પણ વધી છે. 10 લાખ ડોલર્સના ક્લાયન્ટ્સ 651થી વધીને 662, 100 કરોડ ડોલર્સના 214થી વધીને 222 અને 500 કરોડ ડોલર્સના ક્લાયન્ટ્સ 59થી વધીને 60 થયા છે. 10 અબજ ડોલર્સથી વધુ રકમના ક્લાયન્ટ્સની સંખ્યા ત્રિમાસિક ધોરણે 23થી વધીને 25 થઈ છે.
માર્ચ, 2019માં પૂરા થયેલા વર્ષે કંપનીનો ચોખ્ખો નફો પાછલા વર્ષના રૂા. 16,029 કરોડથી 3.86 ટકા ઘટીને રૂા. 15,410 કરોડ થયો છે. કમાણી 17.23 ટકા વધીને રૂા. 82,675 કરોડ થઈ છે.
કંપનીએ પહેલી માર્ચ, 2019થી નિલાંજન રોયની ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે નિયુક્તિ કરી છે. કંપની દ્વારા કુલ રૂા. 8260 કરોડની બાયબેકની જાહેરાતમાંથી અત્યાર સુધીમાં રૂા. 1546 કરોડના શૅર્સ બાયબેક કર્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer