સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને વધુ એક ઝટકો

સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને વધુ એક ઝટકો
રાજકીય પક્ષોએ બૉન્ડ દ્વારા ફાળો આપનારને વિગતો જાહેર કરવી પડશે
એજેન્સીસ
નવી દિલ્હી, તા. 12 એપ્રિલ
રાજકીય પક્ષોએ ચૂંટણી બૉન્ડ દ્વારા મળેલી રકમની રસીદ અને પૈસા આપનાર દાતાની ઓળખ ચૂંટણી પક્ષને બંધ કવરમાં આપવી પડશે, એમ સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઠરાવ્યું હતું. અંતરિમ ચુકાદામાં અદાલતે કહ્યું હતું કે બોન્ડમાં મળેલી રકમ અને દાતાઓનાં બેન્ક ખાતાની વિગતો પણ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને 30 મે સુધીમાં આપવી પડશે. 
અત્યારના તબક્કે અદાલતે આ વાતમાં માથું ન મારવું જોઈએ અને ચૂંટણી બોન્ડની યોજના બરાબર કામ કરે છે કે નહિ એનું પરીક્ષણ સામાન્ય ચૂંટણી પત્યા પછી કરવું જોઈએ એવું કેન્દ્ર સરકારનું સૂચન સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધું હતું. 
અદાલતે કહ્યું હતું કે આવક વેરો, ચૂંટણીને લગતા કાયદા અને બેન્કિંગ કાયદામાં જે ફેરફાર કરાયા છે તેમનું પરીક્ષણ કરાશે અને ચૂંટણી બોન્ડની યોજના સાથે તે બંધ બેસે એવા હોય એની કાળજી લેવાશે. સમતોલન કોઈ એક રાજકીય પક્ષ તરફ ન ઝૂકે એ પણ નિશ્ચિત કરાશે. 
ચૂંટણી બોન્ડ ખરીદવાના સમયને દસ દિવસથી ઘટાડીને એપ્રિલ-મે માં પાંચ દિવસનો કરવાનો નિર્દેશ પણ સર્વોચ્ચ અદાલતે નાણાં મંત્રાલયને આપ્યો હતો. એક એનજીઓ દ્વારા કરાયેલી અરજીનો આખરી ચુકાદો આપવા માટે હવે પછી તારીખ નક્કી કરાશે એમ પણ અદાલતે કહ્યું હતું. 
ચૂંટણી બોન્ડની યોજનાની કાયદેસરતા સામે એક એનજીઓએ અપીલ કરી હતી. યોજનાને બંધ કરવામાં આવે અથવા દાતાઓનાં નામ જાહેર કરવામાં આવે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં પરડારહિત આવે એવી માગણી એનજીઓએ કરી હતી. 
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. 
ભારત સરકારે 2 જાન્યુઆરી 2018 ના રોજ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ જાહેર કરી હતી. તેની જોગવાઈ પ્રમાણે ભારતની નાગરિક હોય એવી કોઈ પણ વ્યક્તિ કે અહીં સ્થપાઈ હોય એવી કોઈ પણ સંસ્થા આવાં બોન્ડ ખરીદી શકે. એક વ્યક્તિ પોતાના નામે અથવા બીજી કોઈ વ્યક્તિ સાથે સંયુક્ત નામે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે. 
રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 ના સેક્શન 29એ નીચે રજિસ્ટર થયેલા રાજકીય પક્ષો જ આવાં બોન્ડ સ્વીકારી શકે. સાથે એવી પણ જોગવાઈ છે કે લોકસભા કે રાજ્યની વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં પડેલા મતના ઓછામાં ઓછા એક ટકા મત એ રાજકીય પક્ષને મળ્યા હોવા જોઈએ. 
જે રાજકીય પક્ષ ઈલેક્ટોરલ બોન્ડ મેળવવા માટે પાત્ર હોય એ માન્ય બૅન્કમાં બેન્ક ખાતાંમાં જ આ બોન્ડ વટાવી શકે. 
સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચે આ મામલામાં પરસ્પર વિરોધી વલણ લીધું હતું. સરકાર બોન્ડ આપનારનાં નામ ગુપ્ત રાખવાની તરફેણમાં હતી જયારે ચૂંટણી પંચ પારદર્શિતા માટે દાતાઓનાં નામ જાહેર કરવાના પક્ષમાં હતું. 
ગુરુવારે સર્વોચ્ચ અદાલતની બેન્ચે પોતાનો ચુકાદો મોકૂફ રાખ્યો હતો અને કહ્યું હતું કે પારદર્શક રાજકીય ફાંડિંગ માટે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારાઓની ઓળખ જાહેર ન થાય તો ચૂંટણીમાં કાળાં નાણાંની અસર ઓછી કરવા માટેના સરકારના પ્રયત્નો વ્યર્થ જશે. 
સરકાર વતી એટર્ની જેનરલ કે. કે. વેણુગોપાલે ઈલેક્ટોરલ બોન્ડની યોજનાને ટેકો આપતાં કહ્યું હતું કે તેનો ઉદ્દેશ ચૂંટણીમાં કાળાં નાણાંના વપરાશને દૂર કરવાનો છે. આ તબક્કે આ મામલામાં હસ્તક્ષેપ ન કરવા અદાલતને જણાવતાં તેમણે કહ્યું હતું કે યોજના યોગ્ય કામ કરે છે કે નહિ એનું પરીક્ષણ ચૂંટણી પછી થઇ શકે. 
એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ તરફથી ઉપસ્થિત એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે કાળાં નાણાંને દૂર કરવા સાથે આ યોજનાને કોઈ સંબંધ નથી. બેન્કિંગ વ્યવસ્થા મારફત પણ ગુપ્ત રહીને દાન આપી શકાય. 
કેસની અગાઉની સુનાવણીમાં ભૂષણે કહ્યું હતું કે સત્તા પરના પક્ષને આ યોજનાનો સૌથી વધુ ફાયદો થાય છે. 
ચૂંટણી પંચ તરફથી ઉપસ્થિત વકીલ રાકેશ દ્વિવેદીએ સરકારની દલીલનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે યોજનાને કારણે ગુપ્તતાને કાનૂની દરજ્જો મળે છે. 
બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે બોન્ડ ખરીદનારની ઓળખ છતી ન થાય તો આવક વેરાના કાયદાને તેના છાંટા ઊડશે અને કાળાં નાણાંની અસરને ઓછી કરવાના તમારા (સરકારના) બધા પ્રયત્નો વ્યર્થ જશે. 
બોન્ડ દાતાઓની ઓળખ ગુપ્ત રાખવાની જરૂર વિષે વેણુગોપાલે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ કે કંપનીએ એક પક્ષને બોન્ડ આપ્યાં હોય અને બીજો પક્ષ ચૂંટણી જીતે તો તેને કારણે ડર ઉભો થઇ શકે. 
ઐતિહાસિક રીતે જોઈએ તો ચૂંટણીમાં કાળા ધનનો ઉપયોગ થતો આવ્યો છે. આ (યોજના) સુધારારૂપ છે. એનો વિચાર ચૂંટણી પછી થઇ શકે એમ વેણુગોપાલે અદાલતને જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer