નાફેડ તત્કાળ મગફળી નહીં વેંચે તો ચીનમાં નિકાસની તક સરી પડશે

નાફેડે અકારણ ચૂંટણી સુધી વેચાણ ટાળતાં સર્જાઇ મુશ્કેલી : નવી તારીખ જાહેર કરવામાં વિલંબ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.19 એપ્રિલ
મગફળીનો જંગી સ્ટોક કવર કરી ચૂકેલી નાફેડ હવે વેંચવામાં મગનું નામ મરી નહીં પાડી રહી હોવાથી સીંગદાણાના નિકાસકારો અને વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂત માલની અપૂરતી આવકમાં નાફેડ વેંચે તો જ બજારમાં મગફળી પ્રાપ્ત થાય એમ છે એવા સંજોગ વચ્ચે સૌરાષ્ટ્રના નિકાસકારોને ચીનમાં નિકાસ કરવા માટે આશરે 10 હજાર ટનની અૉફરો મળી છે પણ માલ મોકલવો કેવી રીતે તે અંગે ચિંતા થવા લાગી છે.
નાફેડ પાસે સાડા ચાર લાખ ટન જેટલી ચાલુ સિઝનની અર્થાત નવી મગફળી પડી છે. ગુજરાતના વિવિધ ગોદામોમાં માલ સંગ્રહ કરવામાં આવ્યો છે. અગાઉ જાહેરાત કરીને પહેલી એપ્રિલથી મગફળી વેંચીશું એવું કહેવાયું હતું પણ બીજા જ દિવસે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી મગફળી નહીં વેંચીએ એવી જાહેરાત થઇ. હવે ક્યારે વેંચશે એની તારીખ બહાર આવતી નથી.
સીંગદાણાની નિકાસ લાંબા સમયથી ઠપ હતી. હવે ચીનની ખરીદી નીકળી છે પણ નાફેડ માલ વેંચવા માટેની તારીખ જાહેર કરતી નથી એવી ફરિયાદ વેપારીઓ અને નિકાસકારો કરી રહ્યા છે.
સીંગદાણાની નિકાસમાં કટ્ટર હરીફ ગણાતા આફ્રિકન દેશ સુદાનમાં કટોકટી લાગુ થઈ છે, નિકાસ સોદા ઠપ થઈ ગયા છે. એ કારણથી ચીનની માગ સૌરાષ્ટ્રમાં આવી છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાંથી લગભગ 500 કન્ટેઇનર (આશરે 9-10 હજાર ટન)ના સોદા થયા છે. ખુલ્લા બજારમાં આવક નથી ત્યારે નાફેડ ઉપર જ આશરો છે. સોદા પછી ન વેંચે કે વિલંબ કરે તો શીપમેન્ટમાં મુશ્કેલી થાય એમ છે.
ગુજરાતમાં 23મીએ ચૂંટણી પૂરી થઈ રહી છે ત્યારે નાફેડ જેવી સહકારી સંસ્થા ઈચ્છે તો 24મીથી મગફળી વેંચી શકે પણ અકારણ 30મી સુધી વેંચવાની નથી. જોકે, એ પછી પણ ક્યારે વેંચશે એ ય નક્કી નથી, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે નાફેડ દ્વારા રાજસ્થાનમાં પણ મગફળી વેંચવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં શા માટે વેચાણમાં વિલંબ કરાઈ રહ્યો છે ?
એક નિકાસકાર કહે છે, ચીનમાં માલ મોકલવો હોય તો 15 મે પહેલા શિપમેન્ટ કરવા પડે. એ પછી ત્યાં માગ રહેતી હોતી નથી. સુદાન કટોકટીનો લાભ વહેલાસર લેવામાં આવે તો નાફેડના માલના સ્ટોક હળવા કરવામાં પણ સહાયતા મળશે અને મગફળી નિકાસ સાવ અટકેલી છે તે પણ સજીવન થશે. સીંગદાણાના કારખાનાઓ પણ મંદીને લીધે બંધ પડયા છે તેને પણ કામકાજ મળી રહેશે.
ચીનમાં જાડા 40-50 કાઉન્ટમાં 1050 ડૉલર અને 50-60 કાઉન્ટમાં 1000 ડૉલરના ભાવથી સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુદાન ભારતની તુલનાએ 100-150 ડૉલર સસ્તાં દાણા વેંચતો હતો પણ અત્યારે સોદા થતા નથી.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં પીપાવાવ - મુંદ્રા પહોંચની શરતે જાડા દાણાનો ભાવ 50 - 60 કાઉન્ટમાં રૂા.66,000 પ્રતિ ટન હતો. 40-50માં રૂા. 67,000 હતો. બે દિવસમાં રૂા. 1000નો સુધારો થયો છે. ઝીણામાં ટીજે 80-90ના રૂા. 69,000 અને 50-60ના રૂા. 71,000 હતા. જાવા 80-90ના રૂા.70,000 અને 50-60ના રૂા. 72,000 હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer