ડેરી ઉત્પાદનો માટે દેશની સૌપ્રથમ લેબોરેટરીને માન્યતા

અમદાવાદ, તા. 19 એપ્રિલ
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)એ ગુજરાતમાં આણંદમાં આવેલી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ની દૂધ અને દૂધ ઉત્પાદનોની પ્રયોગશાળાને નેશનલ રેફરન્સ લેબોરેટરી (એનઆરએલ) તરીકે માન્યતા આપી છે. ફૂડ અૉથોરિટીની આ મંજૂરીને પગલે એનડીડીબીની ગૌચર તેમ જ આહાર વિશ્લેષણ તેમ જ અધ્યયન કેન્દ્ર (કાફ) દૂધ અને દૂધ ઉત્પાદનો માટે ભારતની એકમાત્ર એનઆરએલ બની છે. આ માન્યતાને કારણે કેન્દ્ર ડેરી ઉત્પાદનોનાં પરીક્ષણની પદ્ધતિઓ તેમ જ તેનો વિકાસ કરી શકશે. ઉદ્યોગને લગતા કાયદાઓની સાથે સાથે એનઆરએલનાં ધોરણોનું પણ દેશભરની ડેરી કંપનીઓએ પાલન કરવાનું રહેશે. આ નિયમ અનુપાલનનો ઉદ્દેશ નિકાસની ગુણવત્તા વધારવાનો છે.
નેશનલ રેફરન્સ લેબોરેટરી તરીકે કાફ દૂધ અને દૂધ ઉત્પાદનોના વિશ્લેષણાત્મક વિજ્ઞાનની જાણકારીનું માહિતી તેમ જ સંસાધન કેન્દ્ર રહેશે. એનડીડીબીના એક અધિકારીએ જણાવ્યું કે એનઆરએલ તરીકે માન્યતા પ્રાપ્ત કરવાથી આ લેબોરેટરી હવે આ ક્ષેત્રે અન્ય લેબોરેટરીઝને પ્રોત્સાહન આપવા અને અનુસંધાન કેન્દ્ર તરીકે વિકસિત કરવા માટે સક્ષમ છે.
કાફ વૈશ્વિક ખાદ્ય પરીક્ષણ અને અનુસંધાન પ્રયોગશાળાઓના ક્ષેત્રમાં અન્ય પ્રયોગશાળાઓની મદદ કરશે, જ્યારે ખાનગી તેમ જ સહકારી ડેરી ભાગીદારો નવાં તેમ જ પ્રવર્તમાન ડેરી ઉત્પાદનોનું પરીક્ષણ હાથ ધરી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer