નાફેડે કાંદા ખરીદવાનું શરૂ કર્યું

પુણે, તા. 19 એપ્રિલ
નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)એ દેશની સૌથી મોટી જથ્થાબંધ બજાર લાસલગાંવથી કાંદાની ખરીદી શરૂ કરી છે. નાફેડે મહારાષ્ટ્રના 45,000 ટન અને ગુજરાતના 5000 ટન કાંદા ખરીદ્યા છે. મહારાષ્ટ્રમાંથી નાફેડની આ સૌથી મોટી ખરીદી છે. આ સપ્તાહે 250 ક્વિન્ટલ કાંદા પ્રતિ ક્વિન્ટલ રૂા. 1037ના ભાવે ખરીદવામાં આવ્યા હતા. ભાવને સ્થિર રાખવા અને તે પછી કાંદાની અછતની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારના પ્રાઈસ સ્ટેબિલિટી ફંડ (પીએસએફ) હેઠળ આ ખરીદી કરાઈ છે. સામાન્ય રીતે જુલાઈથી ઓક્ટોબરમાં બજારોમાં કાંદાની અછત વર્તાય છે. 
લાસલગાંવ એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના ચેરમેન જયદત્ત હોલકરે જણાવ્યું કે આગામી સપ્તાહથી ભાવ ઊંચકાશે અને ત્રણ મહિના સુધી ઊંચે ટકેલા રહેશે. કેન્દ્ર સરકારે પીએસએફ માટે રૂા. 900 કરોડ ફાળવ્યા છે.
નાફેડ પિંપળગાંવ અને કાલવાન જેવી અન્ય બજારોમાંથી પણ ખરીદી શરૂ કરશે. નાશિક, અહમદનગર અને પુણે જિલ્લામાંથી નાફેડે 13,500 ટન કાંદા ખરીદ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer