શૅરબજારો વચ્ચે કૉમોડિટી ટ્રેડિંગનો હિસ્સો મેળવવાની જામી છે સ્પર્ધા

બીએસઈ ટૂંક સમયમાં ચાંદીના વાયદા શરૂ કરશે
બીએસઈ ઈથેનોલ, ચા અને કૉફી સહિતની લગભગ 15 કૃષિ કોમોડિટીઝમાં કામકાજ શરૂ કરશે
મુંબઈ, તા. 19 એપ્રિલ
શૅરબજારો હવે કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ બજારનો હિસ્સો મેળવવા માટે આક્રમક બની રહ્યાં છે. બે મુખ્ય શૅરબજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ ગયા અૉક્ટોબરમાં કોમોડિટી ડેરિવેટિવ્ઝ લૉન્ચ કર્યાં હતાં. તે પછીના છ મહિનામાં તેઓ કૃષિ કોમોડિટીઝ ક્ષેત્રે કેટલાંક સર નહીં કરાયેલા સેગ્મેન્ટમાં પ્રવેશવાની યોજના કરી રહ્યાં છે.
આ બંને બજારો કૃષિ સિવાયની જણસોમાં પણ વાયદા શરૂ કરવાનું વિચારી રહ્યાં છે, જેમાં મેટલ મુખ્ય છે. એનએસઈ ઈંડાં, બટાટા, તુવેર અને અડદ સહિત આઠથી 10 જેટલી નવી કૃષિ કોમોડિટીઝમાં ટ્રેડિંગનાં કામકાજ શરૂ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમાં સૌ પહેલાં બટાટાના વાયદા શરૂ કરાશે, કેમકે તેમાં કોલ્ડ સ્ટોરેજ અને અન્ય માળખાકીય વ્યવસ્થા સારી રીતે સ્થપાયેલી છે. 
બીએસઈ ઈથેનોલ, ચા અને કૉફી સહિતની લગભગ 15 કૃષિ કોમોડિટીઝમાં કામકાજ શરૂ કરશે. જે શૅરબજારમાં ઓનલાઈન ટ્રેડિંગ થતું ન હોય, એવી ચીજોમાં વાયદો શરૂ કરવાનો બંને શૅરબજારોનો વ્યૂહ છે.
ખાંડ કારખાનાંએ ઈથેનોલનું ઉત્પાદન વધાર્યાં પછી વાયદામાં ઈથેનોલના લેવાલ મળી રહે તેમ છે, પરંતુ ટ્રેડિંગ શરૂ કરવા માટે તેમને નિયામકની મંજૂરી લેવી પડશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કોમોડિટીઝ ટ્રેડિંગનું પ્લેટફોર્મ પૂરું પાડતાં એક્સચેન્જોને નવીનતા લાવવા અને બિન-કૃષિ પેદાશોમાં વાયદાનાં કામકાજ વધારવાં જણાવ્યાં પછી એક્સચેન્જો નવા વિચારો સાથે પ્રતિસાદ આપી રહ્યાં છે.
એમસીએક્સે ત્રણ મેટલ કોન્ટ્રાક્ટ્સ લૉન્ચ કર્યાં છે અને આગામી દિવસોમાં વધુ બે મેટલ કોન્ટ્રાક્ટ્સ શરૂ કરશે. એનએસઈ મેગા મેટલ્સ કોન્ટ્રાક્ટ્સ તેમજ મેટલ પ્રોડયુસર્સ દ્વારા ઈસ્યુ કરાયેલાં વૉરન્ટ્સમાં ટ્રેડિંગ શરૂ કરવા વિચારી રહ્યું છે. સૌપ્રથમ તાંબામાં 25 ટનના વાયદા શરૂ થશે. એનએસઈ મોટા લોટના વાયદા પસંદ કરતા ટોચના પ્રોડયુસર્સ સાથે વાત કરી રહી છે, જેઓ તેમનું જોખમ હેજ કરવા માગતા હોય.
તાંબાના વાયદા પછી અન્ય બેઝ મેટલ્સમાં આ જ પ્રકારના વાયદા શરૂ કરાશે. વૉરન્ટ્સ વડે ડિલિવરી સુનિશ્ચિત થાય છે અને તેને એક્સચેન્જ મારફતે વેચી શકાય છે. એમસીએક્સ ઉપર પાંચ ટનના તાંબાના વાયદાનાં કામકાજ ચાલે છે અને તેમાં સારી પ્રવાહિતા છે. પ્રવાહિતા લાવવી એ પડકારજનક હોય છે.
એનએસઈ સોના વાયદા માટે પણ ડિલિવરીનાં ધોરણો ઘડી રહી છે, જેથી ઘરઆંગણે રિફાઈન્ડ સોનાની એક્સચેન્જના પ્લેટફોર્મ મારફતે ડિલિવરી સુનિશ્ચિત કરી શકાય. 
વોલ્યુમ્સની દૃષ્ટિએ, એનએસઈ કરતાં બીએસઈના કૃષિ વાયદામાં મોટાં કામકાજ જોવા મળે છે. બીએસઈના પ્રવક્તાએ જણાવ્યું કે શૅરબજારે બેઝ મેટલ્સ જેવી કે એલ્યુમિનિયમ, સીસું, નિકલ, ઝિન્ક અને સિલ્વરના કિલો બારના ડિલિવરેબલ કોન્ટ્રાક્ટ્સ શરૂ કરવા વિચારી રહી છે. સિલ્વર કિલો બાર કોન્ટ્રાક્ટ રિટેલ ઈન્વેસ્ટર્સને પણ આકર્ષશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer