અમારી સરકારમાં માળખાંકીય વિકાસ બમણી ગતિથી થયો

કુન્દન વ્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મભૂમિપત્રો સાથેની એક ખાસ મુલાકાતમાં કહ્યું કે વેપારીઓની આશા-આકાંક્ષા માત્ર ભાજપ જ પૂરી કરશે. વેપાર કરવામાં વધુ સરળતા આવે તે માટે અમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે. અમે વેપારીઓ પરનો કરબોજો ઘટાડયો અને હવે પછી એક નેશનલ વેલ્ફેર બોર્ડની સ્થાપના કરીશું.
વ્યાપારી વર્ગ માટે હવે પછી અનેક પગલાં આવી રહ્યાં છે એવો નિર્દેશ તેમણે આપ્યો. વડા પ્રધાને આ મુલાકાતમાં માળખાકીય વિકાસ, વ્યાજદર, બેરોજગારીની થતી ટીકા જેવા આર્થિક ઉપરાંત રાજકીય અને સામાજિક વિષયો ઉપરના પ્રશ્નોના પણ ઉત્તર આપ્યા હતા.
વ્યાપારી વર્ગની આશા-અપેક્ષા માત્ર ભાજપ પૂરી કરશે
માળખાંકીય નિર્માણ બમણી ગતિએ વધી રહ્યું હોય તો રોજગાર વૃદ્ધિ વિના એ શક્ય છે?
0 આ રીતે મુદ્દા બદલાતા રહ્યા હોવાથી પાંચ વર્ષ દરમિયાન થયેલા વિકાસ અને યોજનાઓ ઉપરથી ધ્યાન હઠી ગયું છે. વાસ્તવમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ભારતે કરેલા વિકાસ અને ઘોષણા પત્રમાં વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના ઉત્કર્ષ માટે અપાયેલાં વચનોની ચર્ચા થવી જોઈએ.
જ. : હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું અને જો તમે મારાં ભાષણો જોશો તો ખાતરી થશે કે મારાં ભાષણોનો મોટો ભાગ વિકાસના મુદ્દાઓ હોય છે પણ આ વાત અખબારોમાં મોટો હેડિંગ બનતી નથી!
આજે ભારત પાયાની જરૂરિયાતોના નિર્માણમાં નીતનવાં સીમાચિહ્ન સ્થાપે છે - સડક હોય, હાઇવે હોય, રેલવે હોય, વિમાન મથકો હોય કે પછી ઘર-મકાન બાંધકામ હોય - અમારી સરકાર યુપીએ સરકારની સરખામણીમાં બેવડી ગતિથી ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરે છે. દેશના દૂરદૂરના વિસ્તારો પણ હવે રોડ અને રેલવેથી જોડાઈ ગયા છે. દેશના સૌથી પછાત ગણાતાં ગામોમાં પણ વીજળી અને શૌચાલયની સગવડ છે અને આ સિદ્ધિઓ બદલ અમને ઘણું ગર્વ છે.
કૉંગ્રેસના શાસનમાં જે ચીજોએ ઉપર જવું જોઇતું હતું તે નીચે ગઈ અને નીચે જવું જોઈએ તે ઉપર પહોંચી ગઈ. અમારા શાસનમાં દરેક ચીજ `બેક ઓન ટ્રેક' અર્થાત પાટા ઉપર આવી ગઈ છે. મોંઘવારી નીચે ઊતરવી- ઘટવી જોઇતી હતી, પણ થયું શું? કૉંગ્રેસના શાસનમાં મોંઘવારી- ભાવવધારો આસમાને ચઢયો- 10 ટકાથી વધુ `ઊર્ધ્વગતિ' થઈ! અને અમે શું કર્યું? મોંઘવારીનો દર ઘટીને બે ટકાની આસપાસ થયો.
જી.ડી.પી. વિકાસદર વધતો રહેવો જોઈએ પણ કૉંગ્રેસ શાસનમાં ધડામ! 2004માં અટલજીની સરકારે યુપીએની સરકારને આઠ ટકા વિકાસદર સાથે અર્થતંત્ર સોંપ્યું હતું પણ 2013-14 સુધીમાં તો વિકાસદર પાંચ ટકાથી પણ નીચે ગયો. અમે આ પડકાર પણ પાર કર્યો- અને વિકાસદર ફરીથી 7-8 ટકા ઉપર પહોંચાડયો.
વિશ્વમાં ભારતનું સન્માન વધવું જોઇતું હતું પણ થયું શું? ઢીલીપોચી વિદેશ નીતિ અને નબળી આંતરિક હાલતના કારણે ભારતની ગણના 2013 સુધીમાં દુનિયાના સૌથી કમજોર પાંચ દેશોમાં થઈ ગઈ. અમે શું કર્યું? અમારા પાંચ વર્ષના શાસનમાં ભારતને વિશ્વમાં સૌથી વધુ-તીવ્ર ગતિએ વિકસતાં મુખ્ય અર્થતંત્રોમાં સ્થાન મળ્યું છે. ભારતની ઓળખ ચમકતા-ઝળકતા અર્થતંત્રની બની છે.
`ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસ- વ્યાપાર કરવાનું સરળ હોવું જોઈએ પણ કૉંગ્રેસ શાસનમાં જે થયું તેની જ અપેક્ષા કૉંગ્રેસ પાસે રાખી શકાય! 2011માં ભારત 132મા નંબરે હતું તે 2014માં છેક 142ના નંબરે ગયું! અમે માત્ર ચાર વર્ષમાં ભારતને 77મા સ્થાને પહોંચાડીને વ્યાપાર કરવાની સરળતા વધારી બતાવી છે.
ઘર લેવા માટેની લોન ઉપર વ્યાજ ઓછું હોવું જોઈએ- ઘટવું જોઈએ પણ યુપીએ શાસનમાં તો વ્યાજદર વધતાના જ હોય! વાજપેયીજીની સરકાર વખતે હોમ-લોન વ્યાજનો દર સાડા સાતથી આઠ ટકાનો હતો તે યુપીએ શાસનમાં વધીને 10.3 ટકા થયો. અમે આ પડકાર પણ સ્વીકાર્યો અને ઘર માટેની લોન ઉપરનો વ્યાજદર આઠથી સાડા આઠ ટકા કર્યો.
0 અર્થતંત્રના સુધારા માટે આપે આકરા નિર્ણય પણ લીધા છે. નોટબંધીના વિવાદ પછી જીએસટી મહત્ત્વનું પગલું છે પણ નાના વ્યાપાર- ધંધાર્થીઓની મુશ્કેલીઓ ક્યારે દૂર થશે? ઘોષણાપત્રમાં આપે કિસાનો- નાના વ્યાપારીઓ માટે પેન્શન યોજનાનું વચન આપ્યું છે. વ્યાપારીઓ માટે આ પ્રથમ વખત વિચાર થયો છે પણ અમલ વિશે હજુ સ્પષ્ટતા નથી.
જ. : વ્યાપાર કરવામાં વધુ સરળતા આવે તે માટેના સુધારા અંગે અમારી સ્પષ્ટ દૃષ્ટિ છે. વ્યાપારી સમાજની આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ તથા આવશ્યકતાઓ એકમાત્ર ભાજપા જ સમજી શકે છે. અમે પહેલાં તો એમનો કર-બોજ ઘટાડયો છે. જેમનાં ટર્નઓવર ચાળીસ લાખ રૂપિયા સુધી છે એમને જીએસટી હેઠળ નોંધણી- રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. જેમનું વાર્ષિક ટર્નઓવર સાઠ લાખ રૂપિયા સુધી છે તેઓ ઝીરો ઇન્કમ ટૅક્સમાં આવી શકે છે.
હવે અમે એક નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડ પણ સ્થાપનાર છીએ. વ્યાપારી વર્ગ માટે અમે ઘણાં પગલાં ભરનાર છીએ. નાના-મધ્યમ વ્યાપારીઓ માટે ખેડૂતોની જેમ પેન્શન યોજના તો આમાંનું એક કદમ છે.
અમે ચૂંટણીના ઘોષણાપત્રમાં અપાયેલાં વચનો તો પૂરાં કરીએ જ પણ આ ઉપરાંત ઘોષણાપત્રમાં હોય નહીં તેવાં વિકાસ કાર્ય પણ થાય છે. વિકાસની મર્યાદા- મેનિફેસ્ટો સુધી નથી!
0 પ્રતિવર્ષ 1.20 કરોડ રોજગારીનાં વચનની ટીકા વારંવાર થઈ. રોજગારી અને નોકરી વચ્ચે ફરક છે. શક્ય છે કે નોકરી કરતાં રોજગારીની તકો ઘણી વધી છે છતાં
અસંતોષનું શું?
જ. : વાજપેયીજીના શાસન સમયને યાદ કરો ત્યારે પણ વિપક્ષ બેકારી-બેકારીની બુમરામણ મચાવતા હતા. કેટલાક પક્ષો- અને એમના મિત્રો બેકારીનો `હાઉ' ઊભો કરવામાં લાગ્યા હતા, પણ એ સમયે સ્થિતિ શું હતી? પછી ખબર પડી કે વાજપેયીજીના સમયે રોજગારીની અભૂતપૂર્વ દિશાઓ ખૂલી હતી. યુપીએની સરકાર કરતાં ઘણી વધુ રોજગારીની તકો ઊભી થઈ હતી. જે લોકો વાજપેયીજી વખતે બેકારીનો `હાઉ' ઊભો કરતા હતા તેઓ આજે ફરીથી તર્કટી વાતોથી લોકોને ભ્રમિત કરે છે એમની મથરાવટી- ટ્રેક રેકોર્ડ યાદ રાખવો જોઈએ. ભૂલશો નહીં કે આ લોકોએ વાજપેયીજીના શાસનમાં પણ દેશને ઊંધા ચશ્માં પહેરાવવાના ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા હતા.
આજે જો કોઈની નોકરીઓ જતી હોય અથવા એમને રોજગાર-કામધંધા બંધ થવાનો ભય હોય તો તેઓ મહામિલાવટી પક્ષોના નેતાઓ જ છે- જનતા જેમને ચૂંટણીઓમાં `બેકાર' બનાવી રહી છે, જનતા જનાર્દને એકવાર ફરીથી એમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લઈ લીધો છે તેથી હવે તેઓ બેંબાકળા બનીને દેશમાં બેકારી વધી હોવાની કાગારોળ મચાવી રહ્યા છે.
પણ તથ્ય-વાસ્તવિકતા શું છે?
જ્યારે નોકરીની વાત આવે તો તેના ત્રણ પ્રકાર છે. એક તો વિધિસરની નોકરી, અવિધિસરનાં કામ-કાજ અને ત્રીજું અન્ય ઇન્ડિકેટર્સ.
પહેલાં આપણે વિધિસરની નોકરીની વાત કરીએ, EPFO કર્મચારી પ્રોવિડન્ટ ફન્ડ અને ESIC કર્મચારી વીમા યોજનાના આંકડાઓ મુજબ પાછલા એક વર્ષ દરમિયાન પ્રતિમાસ 10 લાખ નોકરીઓ નોંધાઈ છે અર્થાત એક વર્ષમાં એક કરોડ વીસ લાખ નોકરીઓ મળી છે.
પાછલાં ચાર વર્ષમાં  NPSમાં નવા 55 લાખ સબક્રાઇબર નોંધાયા છે.
પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાનો લાભ લગભગ એક કરોડ લોકોને મળ્યો છે.
NASSCOMના રિપોર્ટ મુજબ IT સેક્ટરમાં ઘણી મોટી સંખ્યામાં નોકરીઓ મળી છે.
જો કોઈ એક જ સેક્ટરમાં કરોડો નવી નોકરીઓ મળી શકતી હોય- જે કુલ ``કામ-નોકરીઓના 15 ટકા હોય તો આવાં અન્ય સેક્ટરોમાં મળીને કુલ કેટલી રોજગારી નિર્માણ થઈ હોય તેની કલ્પના કરો.
ઇન્ફોર્મલ અવિધિસરના ક્ષેત્રની વાત કરીએ તો મુદ્રા યોજના અને અન્ય સરકારી યોજનાઓથી રોજગારની તકોમાં ઘણો વધારો થયો છે. પાછલાં ચાર વર્ષમાં 17 કરોડ મુદ્રા લોન અપાઈ છે જેમાંના સવા ચાર કરોડ નવા ઉદ્યોગ સાહસિકો છે. અર્થાત આશરે ચાર કરોડ ઉદ્યમીઓએ પોતાના કારોબાર શરૂ કર્યા છે.
CIIના સર્વેમાં જણાવાયું છે કે પાછલાં ચાર વર્ષ દરમિયાન મધ્યમ અને નાના ઉદ્યોગોમાં લગભગ છ કરોડ નવા રોજગાર નિર્માણ થયા છે.
પાછલાં ચાર વર્ષ દરમિયાન પ્રવાસીઓ અને પ્રવાસ ક્ષેત્રમાં થતી આવકમાં પચાસ ટકાનો વધારો થયો છે તો શું આ ક્ષેત્રમાં નવી રોજગારી નહીં મળી હોય? 
દેશભરમાં લાખોની સંખ્યામાં કોમન સર્વિસ સેન્ટરો ચાલી રહ્યાં છે- શું એમાં કોઈને રોજગારી મળતી નથી?
હવે ત્રીજા પ્રકારની રોજગારીની વાત કરીએ :
હવે વિશ્વમાં સૌથી વધુ ગતિશીલ અર્થતંત્ર ભારતનું છે. 1991 પછીની આપણી તમામ સરકારોની કામગીરીની તુલના કરીએ તો અમારી સરકારમાં સરેરાશ વિકાસદર સૌથી સારો રહ્યો છે. નોકરી-રોજગારીના સર્જન વિના શું આ શક્ય છે ખરું?
આંતરરાષ્ટ્રીય એજન્સીઓના રિપોર્ટસ કહે છે કે ભારતમાં ગરીબી ઘણી ઝડપથી ઘટી રહી છે. શું નવી નોકરીઓ વિના આ શક્ય છે?
ભારતમાં વિદેશી ખાનગી મૂડીરોકાણ Dિઈં રેકોર્ડ ગતિથી વધી રહ્યું છે તો નોકરીઓ વધે નહીં?
ભારતમાં સડક, રેલવે, હાઇવે, મકાનો નિર્માણ પહેલાં કરતાં બમણી ગતિએ વધી રહ્યાં છે તો નોકરી-રોજગારી વિના આ શક્ય છે?
ભારત વિશ્વમાં સૌથી મોટા `સ્ટાર્ટઅપ હબ્સ'માં એક છે. `એપ-આધારિત કારોબાર સાથે ગતિશીલ અર્થવ્યવસ્થા છે તે રોજગાર વિના સંભવિત છે?
પશ્ચિમ બંગાળ કહે છે કે અમે મોટી સંખ્યામાં નોકરીઓ નિર્માણ કરીએ છીએ. કર્ણાટક કહે છે કે રોજગાર વધી રહ્યા છે. ઓડિશા પણ કહે છે કે નોકરીઓ વધી રહી છે- તો શું માત્ર રાજ્યોમાં જ નોકરીઓ વધી રહી છે અને કેન્દ્ર સરકાર કાંઈ નથી કરતી- એવું બને ખરું?
0 પુલવામા આતંકી હુમલાનો આપણા ઍરફોર્સે જવાબ આપ્યો ત્યારે વિપક્ષો શંકા અને સવાલ ઉઠાવીને આપને રાષ્ટ્રવાદ જગાવવાની તક આપી. આ પછી ચૂંટણી પંચને ફરિયાદ થઈ. આચારસંહિતાનો હવાલો અપાયો. જવાનોની શહીદી અને જવાંમર્દીનો રાજકીય લાભ ઉઠાવવાના આક્ષેપ થયા. રફાલ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન- લોકોને ગેરસમજ આપવા માટે થયું અને ચૌકીદાર ચોર હૈ-નું સૂત્ર આવ્યું. જવાબમાં આપે સમગ્ર દેશમાં મૈં ચૌકીદાર હૂં ગજાવ્યું.
જ. : અમને આપણાં સશત્રદળોના શૌર્ય ઉપર પૂરો ભરોસો છે જે લોકેને આપણાં સશત્રદળોના શૌર્ય અંગે શંકા-સંદેહ હોય એમને ભારતની જનતા જડબાંતોડ જવાબ આપશે. જે લોકો એમ કહે છે કે સશત્ર દળોનું રાજકારણ થઈ રહ્યું છે એ લોકો કોણ છે- એ હું તમને જણાવું છું.
- આ એ જ લોકો છે જેમણે 1971ની લડાઈમાં વિજયનો યશ લીધો હતો
- આ એ જ લોકો છે જેમણે આર્યભટ્ટ ઉપગ્રહની સફળતાનો યશ લીધો હતો
- આ એ જ લોકો છે જેમણે વાજપેયીજીની સરકાર વખતે બનાવટી ગોટાળા- શહીદોની શબપેટીઓ-કફન કાંડ ઉપજાવી કાઢીને આક્ષેપ કર્યા હતા.
શું આ બધું `રાજનીતિકરણ'- રાજકીય લાભ લેવાનું રાજકારણ ન હતું?
એક ક્ષણ માટે તમે વિચારો કે જો વિંગ કમાંડર સ્વદેશ- સહીસલામત પાછા ફર્યા હોત નહીં તો કૉંગ્રેસ અને તેના સાથીદારોએ મોદીના કેવા હાલ કર્યા હોત? આ લોકો તો કેન્ડલ લાઇટની કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા!
આપણા દેશના કહેવાતા `તટસ્થ' લોકો 26/11ના આતંકી હુમલા પછી ચૂપ રહ્યા પણ ઉરી અને પુલવામાના હુમલા પછી જો કોઈ કાર્યવાહી થઈ નહીં હોત તો આ લોકો મોદીને છોડત ખરા?
સેના દેશની છે અને પરાક્રમ પણ દેશનું છે
ચોકીદાર અભિયાનની વાત છે તો છેક 2014થી મારાં ભાષણોમાં હું આ શબ્દપ્રયોગ કરતો આવ્યો છું, `નામદારો'એ જુઠ્ઠાણાં ફેલાવવાની પૂરી કોશિશ કરી અને શક્ય તેટલી બધી ગાળ-ગલોચ કરવામાં કોઈ કચાશ રાખી નહીં, પણ એમની વાતોની કોઈ અસર લોકો ઉપર પડી નહીં, કારણ કે એમની તમામ વાતો અને દાવા જુઠ્ઠાણાં ઉપર આધારિત હતા. હું સમજી શકું છું કે તેઓ પિતાના નામ ઉપર બોફોર્સના લાગેલા ડાઘ દૂર કરવા માગે છે, પણ શું તમને લાગે છે કે લોકો આવી વ્યક્તિની વાત ઉપર ભરોસો કરે- જે ખુદ જામીન ઉપર છૂટયા છે! લોકોને આઈસક્રીમ અથવા મોબાઇલ કનેકશન માટે `ફેમિલીપેક' લેતા જોયા હશે, પણ નામદારોએ તો જામીન માટે પણ ફેમિલી પેક લીધાં છે!
`અભિયાન' તો કોઈ પણ શરૂ કરી શકે પણ જનતા તમારા અભિયાનને કેવી રીતે જુએ. સ્વીકારે છે તે મહત્ત્વનું છે ભારતની જનતાએ `ચોકીદારનું અભિયાન સ્વીકારી લીધું છે અને `મૈં ભી ચૌકીદાર' સમાજના તમામ વર્ગોના લોકોની ભાવના છે. કોઈ ગામમાં રહેતા હોય કે શહેરમાં, યુવા હોય કે વૃદ્ધ હોય, પુરુષ હોય કે મહિલા, સાક્ષર હોય કે નિરક્ષર, ડૉક્ટર હોય કે એન્જિનિયર, વ્યાપારી હોય કે શિક્ષક - દરેક એકી અવાજે દેશના ચૌકીદાર બનવાનો સંકલ્પ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer