બનાસકાંઠાના વાવ ગામના ખેડૂત જીરુંની નિકાસ વડે કરે છે કમાણી

બનાસકાંઠાના વાવ ગામના ખેડૂત જીરુંની નિકાસ વડે કરે છે કમાણી
પોતાની જ ફાર્મર પ્રોડ્યૂસ કંપની વડે નિકાસમાં મણે રૂ.150-200 વધારાની આવક થાય છે 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 12 એપ્રિલ  
કહેવાય છે કે `સંઘ શક્તિ કલિયુગે' એટલે કે આજના જમાનામાં જો સંગઠન હોય તો ગમે તેવી વિપત્તિમાં પણ અવસરનું સર્જન થાય છે. આ વાત ખેડૂતોને પણ લાગુ પડે છે. ટેકાના ભાવને મુદ્દે અનેક જિલ્લામાં દેખાવો અને આંદોલનો થાય છે પરંતુ ખેડૂતોને તેમની ઊપજના સારા ભાવ નથી મળતા. જોકે, બનાસકાંઠાના વાવ પંથકના ખેડૂતોએ જીરુંની નિકાસ કરીને મબલક કમાય છે.  
વાવના પ્રગતિશીલ ખેડૂત માવજીભાઈ પટેલને થોડા વર્ષ પહેલા વિચાર આવ્યો કે `કોઈ પણ ખેતીની ઊપજને બહારની બજારમાં નિકાસ કરીએ તો ?' આ વિચારથી ખેડૂતને પ્રેરણા મળી અને કમાણી પણ થઈ. 
માવજીભાઈ કહે છે કે `છેલ્લાં 3 વર્ષથી જીરુંની નિકાસ કરીએ છીએ. આ વર્ષે કુલ 250 ટન જીરું નિકાસ કરીશું, અમે  પહેલા વર્ષે 10 ટન અને બીજા વર્ષે 50 ટન જીરું નિકાસ કર્યું હતું.'  
ખાસ વાત એ છે કે જે ખેડૂતો કંપની મારફત નિકાસ કરે છે તે એક મણે દોઢસોથી બસો રૂપિયા વધુ આપે છે.  માવજીભાઈએ રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુશર કંપની બનાવી છે અને ઇફ્કો તેમને માર્ગદર્શન આપે છે. જે ખેડૂતો આ કંપનીના સભ્ય બને છે તેમને કંપનીના શૅર લેવા પડે છે અને પ્રત્યેક શૅરની કિંમત 100 રૂપિયા છે. જેટલા શૅર વધુ તેટલું ડિવિડંડ વધુ મળે.  
જો કોઈ ખેડૂત સભ્ય ન હોય તો પણ પોતાનો માલ વેંચી શકે છે પરંતુ તેવા ખેડૂતોને ડિવિડંડ નથી મળતું. આ વર્ષે જીરું જપાનમાં નિકાસ થઇ રહ્યું છે અને હવે ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer