મહારાષ્ટ્રમાં વરસાદથી કેરીના પાકને નુકસાન છતાં ભાવ યથાવત્

મહારાષ્ટ્રમાં વરસાદથી કેરીના પાકને નુકસાન છતાં ભાવ યથાવત્
રાજેશ દ્વિવેદી
મુંબઈ, તા. 19 એપ્રિલ
મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી વિશેષ રૂપે રત્નાગીરી અને એની આસપાસના વિસ્તારોમાં કેરીનો પાક ખરાબ થઈ ગયો છે તથા તૈયાર પાકમાં કીડા પડવા તેમજ કાળી પડી જવાની સંભાવના છે.
આ વર્ષે કેરીમાં વિશેષરૂપે આફૂસનો પાક ગયા વર્ષની સરખામણીએ ઓછો છે અને હવે એમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. જોકે, કેરીના ભાવ વધવાની શક્યતા ઓછી છે.
એચ. કે. મહાસ્કે એન્ડ કંપનીના હરિભાઉ મહાસ્કેએ જણાવ્યું છે કે રત્નાગીરી અને તેની આસપાસનાં ક્ષેત્રોમાં વરસાદ થવાથી આફૂસનો પાક ખરાબ થયો છે. બગડી ગયેલી કેરીઓ ભેંસોને ખવડાવાય છે અથવા જમીનમાં દાટી દેવાય છે. આમ બગડેલી કેરીના વળતર સામે બજારમાં લઈ જવાનો પરિવહન ખર્ચ વધુ રહ્યો હોવાથી તે બચાવાય છે.
એમણે વધુમાં કહ્યું હતું કે આ વર્ષે આફૂસનો પાક ગયા વર્ષ કરતાં ઓછો છે અને હવે કમોસમી વરસાદના લીધે હજી પાક ઘટશે. પહેલાની સરખામણીએ લોકોની ખરીદશક્તિ ઓછી થઈ ગઈ છે. જેથી કેરીના ભાવ વધવાની સંભાવના નથી. આફૂસની ગુણવત્તા મુજબ ભાવ ડઝન દીઠ રૂા. 700/1200 છે. સારા માલની માગ છે જ્યારે નાની કેરીની નબળી ગુણવત્તાને લીધે લેવાલ ઓછા છે.
આકાશ ટ્રેડિંગ કંપનીના પવને જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં થયેલા કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થયું છે. પાક બગડી ગયો હોવા છતાં ભાવ વધ્યા નથી. કેમકે ભાવ વધે તો લેવાલી ઓછી થઈ જશે.
કેરીના એક અન્ય વેપારીએ કહ્યું હતું કે કમોસમી વરસાદથી મહારાષ્ટ્રમાં કેરીના પાકને નુકસાન થયું છે તથા અન્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer