દુનિયાના આર્થિક સંયોગો સુધરતાં સોનામાં ગાબડું

દુનિયાના આર્થિક સંયોગો સુધરતાં સોનામાં ગાબડું
સિંગાપોર, તા. 19 એપ્રિલ
જાગતિક અર્થતંત્રના સંયોગો અગાઉ ધારવામાં આવતું હતું એટલા ખરાબ નથી એવા સંકેતોના પગલે રોકાણકારો વધુ જોખમ લેવા તૈયાર થતાં સોનાના ભાવમાં ગાબડાં પડયાં છે. હાજર સોનું ગુરુવારે ઔંસ દીઠ 1270.99 ડૉલર થઈને 1272.16 બંધ રહ્યું હતું. ઔંસદીઠ 1270.99 ડૉલર 27 ડિસેમ્બર 2018 પછીનો સૌથી નીચો ભાવ છે. શુક્રવારે મોટા ભાગની બજારો ગુડ ફ્રાઇડે નિમિત્તે બંધ છે.
આ સપ્તાહમાં સોનું 1.4 ટકા ઘટયું છે અને સતત ચોથા અઠવાડિયે ઘટીને બંધ રહે તેવો સંભવ છે. અમેરિકામાં સોના વાયદો 0.2 ટકા ઘટીને 1274.50 ડૉલર થયો છે. `તાજેતરના આંકડાઓથી ચિંતા ઓછી થઈ છે અને સલામતીના સ્વર્ગ જેવી ચીજોના ભાવ દબાયા છે,' એમ સીએમસી માર્કેટ્સના ચીફ સ્ટ્રેટેજિસ્ટ માઇકલ મેકાર્થીએ જણાવ્યું હતું.
ચીન અને અમેરિકાના પ્રોત્સાહક સમાચારોથી જાગતિક વિકાસ અંગેની ચિંતાઓ ઘટી હતી અને સલામત રોકાણ સાધનોનું આકર્ષણ ઝાંખું પડયું હતું. ચીનનું અર્થતંત્ર વધુ ધીમું પડવાની ધારણા હતી, પણ તેણે પ્રથમ ત્રિમાસિકમાં વિકાસદર જાળવી રાખ્યો હતો. અમેરિકામાં ફેબ્રુઆરીની વેપારખાધ સંકડાઈને આઠ મહિનાના તળિયે જતાં માર્ચ ત્રિમાસિકનો વિકાસદર ઊંચો આવવાની શક્યતા જોવાતી હતી.
ચીન અને અમેરિકાએ વેપાર મંત્રણાઓના હવે પછીના રાઉન્ડ માટેનો સમય નક્કી કરી લીધો છે અને જૂન સુધીમાં વાટાઘાટો પૂરી કરવાનો તેમનો ઇરાદો છે એવો વૉલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ છે. `એકંદરે પ્રોત્સાહક આર્થિક સમાચારોના પગલે સોનાના ભાવ ઘટતા જાય છે અને વેપારના મુદ્દે પણ જૂન સુધીમાં સમજૂતી થઈ જવાનો આદર્શવાદ પ્રવર્તે છે,' એમ ઓએએનડીએના વિશ્લેષણકાર એડવર્ડ મોયાએ એક નોંધમાં જણાવ્યું હતું. `ચીનના રાષ્ટ્રીય આવક, છૂટક વેચાણ અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા આશ્ચર્યજનક રીતે સારા આવવાથી પણ સોનાની ચમક ઝાંખી પડી છે.'
વિશ્વના સૌથી મોટા ગોલ્ડ-બેક્ડ એક્ષ્ચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટ પાસેના સોનાનો અનામત ભંડાર બુધવારે ઘટીને 752.86 ટન પર પહોંચ્યો છે, જે 27 ડિસેમ્બર પછી સૌથી ઓછો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer