ખાદ્ય તેલોની વધતી જતી આયાતથી ખેડૂતો અને મિલરોને ફટકો

ખાદ્ય તેલોની વધતી જતી આયાતથી ખેડૂતો અને મિલરોને ફટકો
મુંબઈ, તા. 19 એપ્રિલ
વનસ્પતિ તેલોની આયાત વધતી જતી હોવાથી સ્થાનિક તેલીબિયાં પિલાણ અને રિફાઇનિંગ ઉદ્યોગને અત્યંત ઓછી ક્ષમતાથી કામ કરવાની ફરજ પડી છે.
પિલાણ ઉદ્યોગના સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેકટર્સ ઍસોસિયેશન (સી)ના આંકડા અનુસાર માર્ચ મહિનામાં વનસ્પતિ તેલો (ક્રૂડ તેમ જ આરબીડી પામ અૉઇલ)ની આયાત વાર્ષિક ધોરણે 26 ટકા વધીને 14.5 લાખ ટન પર પહોંચી ગઈ હતી. ફેબ્રુઆરીમાં પણ વનસ્પતિ તેલોની આયાત વાર્ષિક ધોરણે 11.6 લાખ ટનથી 7.4 ટકા વધીને 12.4 લાખ ટન થઈ હતી. ભારત ખાદ્યતેલની પુરવઠા ખાધ ધરાવતો દેશ છે. તે પોતાની જરૂરિયાતના 60 ટકા જેટલાં ખાદ્યતેલો મુખ્યત્વે મલયેશિયા, ઇન્ડોનેશિયા તથા આર્જેન્ટિનાથી આયાત કરે છે.
આયાતમાં થઈ રહેલા સતત વધારાથી સ્થાનિક તેલીબિયાં પિલાણ અને તેલ રિફાઇનિંગ એકમોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. સ્થાનિક બિયાં પીલીને તેમાંથી બનાવાતાં રિફાઇન્ડ તેલ કરતાં આયાત કરેલું રિફાઇન્ડ તેલ સસ્તું પડતું હોવાથી ઘણાં પેકેજિંગ એકમો રિફાઇન્ડ તેલ આયાત કરીને તેને નાના સ્થાનિક પેકેજોમાં પેક કરવાનું વધુ પસંદ કરે છે. આને કારણે સ્થાનિક રિફાઇનિંગ એકમોને તેમની સ્થાપિત ક્ષમતાના માંડ 30 ટકા જેટલી ક્ષમતાએ કામ કરવાની ફરજ પડે છે. એથી વધુ ક્ષમતાનો વપરાશ પોસાણક્ષમ નથી.
`વનસ્પતિ તેલોની વધતી જતી આયાત સ્થાનિક રિફાઇનરીઓ માટે તેમ જ તેલીબિયાંના ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, જેઓ પોતાની પેદાશના યોગ્ય ભાવ મળવાની રાહ જોઈ રહ્યા છે. આ તો જ શક્ય છે જો વિવિધ માર્ગો દ્વારા આવતા પુરવઠા પર અંકુશ મુકાય' એમ સોયાબીન પ્રોસેસર્સ ઍસોસિયેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી એન પાઠકે કહ્યું હતું. ખાદ્યતેલોની જંગી આયાતને કારણે મગફળી અને રાયડા જેવાં તેલીબિયાં તેમના ટેકાના ભાવથી 20 ટકા નીચે વેચાઈ રહ્યાં છે.
દરમિયાન ખાદ્યતેલોની આયાતમાં રિફાઇન્ડ તેલોનો હિસ્સો જાન્યુઆરીના 14 ટકાથી સતત વધીને ફેબ્રુઆરીમાં 20 ટકા અને જાન્યુઆરીમાં 22 ટકા થયો હતો. સ્થાનિક પિલાણ મિલો માટે ક્રૂડ પામ તેલના પ્રોસેસિંગ પરનો નફો સંકડાઈ રહ્યો હોવાથી ઘણા એકમો રિફાઇન્ડ તેલની આયાત પર વધુ ધ્યાન આપે છે.
સ્થાનિક પ્રોસેસિંગ ઉદ્યોગો સામે બે પડકાર છે. યુરોપિયન યુનિયને ક્રૂડ પામ તેલનો બાયોફ્યુએલ તરીકે ઉપયોગ કરવાનું બંધ કર્યું હોવાથી મલયેશિયા અને ઇન્ડોનેશિયા જેવા ઉત્પાદક દેશોએ રિફાઇન્ડ તેલનો પુરવઠો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વળી ક્રૂડ તેમ જ રિફાઇન્ડ તેલોનો પુરવઠો ભારત અને ચીન જેવા વૈકલ્પિક ગ્રાહકો ભણી વાળી દેવાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer