કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે એનડીએની સરકાર : સટ્ટાબજારના નિર્દેશો

કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે એનડીએની સરકાર : સટ્ટાબજારના નિર્દેશો
સટ્ટા બજારમાં ચાલી રહેલા ભાવ પરથી ભાજપને 250 બેઠક મળવાનો વર્તારો
હૃષિકેશ વ્યાસ 
અમદાવાદ, તા.19 એપ્રિલ
લોકસભાની ચૂંટણીના  બે તબક્કા પૂર્ણ થઇ ચૂક્યા છે અને હવે 23 એપ્રિલે ત્રીજો તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે સટ્ટા બજાર ધમધમી રહ્યું છે. સટ્ટા બજાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે જારી કરાયેલા ભાવ સાથે એવો સ્પષ્ટ નિર્દેશ અપાયો છે કે આ વખતે 2019ની ચૂંટણીમાં એનડીએની સરકાર પાકી જણાય છે. એકલા ભાજપને 250 બેઠક મળવાનો વર્તારો સટ્ટા બજારનો છે, એનડીએને 280 બેઠક મળવાની સંભાવના છે. 
ગુજરાતને સંલગ્ન વર્તારા મુજબ ગત ચૂંટણીમાં તમામ 26 બેઠક કબજે કરનાર ભારતીય જનતા પાર્ટી આ વખતે 4-5  બેઠક ગુમાવે તેવી શક્યતા વચ્ચે  ગુજરાતમાં ભાજપને 21 બેઠક મળે તેવું ક્વોટેશન સટ્ટા બજારમાં જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 1 રૂપિયા સામે 1 રૂપિયાનું ભાવ બાંધણું  બુકીઓ દ્વારા કરાયું છે. 
અમદાવાદમાં ચૂંટણી પર રમનારા સટોડિયાઓ જણાવે છે કે, લોકસભાની ચૂંટણી જાહેર થઇ તે પહેલા દેશભરમાં ભાજપને  219 બેઠક મળે તેવી શક્યતા સટ્ટા બજારમાં બુકીઓ દ્વારા જારી કરવામાં આવી હતી પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરના બાલાકોટમાં ઘૂસીને ઍર સ્ટ્રાઇક કર્યા બાદ સટ્ટા બજારમાં ભાજપ તરફી જબ્બર ઉછાળો આવ્યો છે. ઍર સ્ટ્રાઇક બાદ એકલા ભાજપને દેશમાં 250 બેઠક મળવાનો વર્તારા સાથે તેજી આવી છે.
શુક્રવારના ભાવ મુજબ ભાજપને 240-260 બેઠકનો નિર્દેશ સટ્ટા બજારે આપ્યો છે. જ્યારે એનડીએને 270-290 બેઠકનું ક્વોટેશન બુકીઓ દ્વારા જારી કરવામાં આવ્યું છે. ભાજપ અને એનડીએની બેઠક માટે એટલે કે તેની જીત માટે 1 રૂપિયા સામે 1 રૂપિયાનો ભાવ બાંધણું કરાયું છે.  
જ્યારે પીઓકેમાં ઍર સ્ટ્રાઇક પહેલા કૉંગ્રેસને 160 બેઠકો મળવાની વાત હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાતા કૉંગ્રેસને દેશભરમાં 107 બેઠક મળવાની સંભાવના સટ્ટા બજારે દર્શાવી, તે મુજબ ભાવ અપાયો છે. જોકે, કૉંગ્રેસ પ્રેરિત યુપીએને 137 બેઠકો મળે તેવો અંદાજ સટ્ટા બજારમાં પ્રવર્તી રહ્યો છે. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી કૉંગ્રેસને 5 બેઠક મળવાના સંકેતો સટ્ટા બજારે આપ્યા છે. 
લોકસભાની ચૂંટણી પર અબજો રૂપિયાનો સટ્ટો રમવામાં દિલ્હી, ગુજરાત, મુંબઈ અને રાજસ્થાન મુખ્ય રાજ્યો ગણવામાં આવે છે. સટ્ટા બજાર સાથે સંકળાયેલા લોકેના જણાવ્યા પ્રમાણે હાલમાં ચાલી રહેલા ભાવ મુજબ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં ભાજપનો દબદબો કાયમ રહેવાની ધારણા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની યુતિ  33-35 બેઠક  મળવાનો નિર્દેશ આપતા ભાવ વહેતા કરાયા છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ગત ચૂંટણીની તુલનાએ બેઠકોમાં નોંધપાત્ર વધઘટ થઇ શકે છે.
આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ ભાજપ મારફતે એનડીએનો નોંધપાત્ર પગપેસારો થવાનો વર્તારો આ વખતે અપાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer