કાજુના કચરાને કંચનમાં ફેરવીને વિકાસ તરફ અગ્રેસર બનતો આફ્રિકાનો દેશ બેનિન

કાજુના કચરાને કંચનમાં ફેરવીને વિકાસ તરફ અગ્રેસર બનતો આફ્રિકાનો દેશ બેનિન
કેશ્યૂ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અૉફ ઇન્ડિયા : કાજુનાં કોચલાંનું તેલ કેટલાંક  ઔદ્યોગિક રસાયણોનો કુદરતી વિકલ્પ છે
ઝોગ્બોડોમી (બેનિન), તા. 19 એપ્રિલ
પશ્ચિમ આફ્રિકાના દેશ બેનિને કૃષિ ક્ષેત્રના કચરામાંથી કંચન પેદા કરવાનો કિમીયો શોધ્યો છે. કૃષિ કચરામાંથી વપરાશલાયક ઉત્પાદનો બનાવીને આ દેશનું અર્થતંત્ર વિકાસના રાહે અગ્રેસર બની રહ્યું છે. 
માર્ચમાં કાજુની સિઝન શરૂ થતાં જ બેનિનમાં ટનબંધ કાજુ ઠલવાય છે. કાજુના વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ છે. વિશ્વના કુલ ઉત્પાદનમાંથી 25 ટકા એટલે કે 22 લાખ ટન કાજુ ભારતમાં પાકે છે. આમ છતાં, પશ્ચિમ આફ્રિકાનો આ ટચૂકડો દેશ સમગ્ર આફ્રિકા ખંડમાં કાજુનો મુખ્ય ઉત્પાદક બન્યો છે. છેલ્લી બે સિઝનમાં બેનિનમાં એક લાખ ટન કાજુનું ઉત્પાદન થયું હતું.
પરંતુ આફ્રિકામાં કાજુનું ઉત્પાદન કરતા અન્ય દેશો આયવરી કોસ્ટ, નાઈજિરિયા, ગ્યુનિયા બિસ્સાઉ વગેરેની માફક બેનિન પણ મોટા ભાગનો પાક કાચા સ્વરૂપમાં જ ભારતને નિકાસ કરી રહ્યો હતો, જેનાથી તેને ખાસ્સું નુકસાન થતું હતું.
કૃષિવિષયક આંકડાકીય માહિતી રાખતી કંપની પ્લેનેટોસ્કોપે જણાવ્યા મુજબ કાજુને પ્રોસેસ કર્યા પછી નિકાસ કરાય તો તેની કિંમત ટનદીઠ 5,300 ડૉલરથી વધીને 9,000 ડૉલર ઊપજે છે.
વર્ષ 2016માં બેનિનમાં પ્રેસિડેન્ટ પેટ્રિસ ટેલોને સત્તાનાં સૂત્રો સંભાળ્યાં અને કૃષિ ક્ષેત્રને, ખાસ કરીને કાજુ ઉત્પાદનને અર્થવ્યવસ્થાની પ્રાથમિકતા તરીકે વિશેષ મહત્ત્વ આપ્યું. સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવાનું દેશ માટે વધુ નફાકારક સાબિત થયું. બદામના કુલ ઉત્પાદનમાંથી ફક્ત 22 ટકા બદામ ખાવાલાયક રહેતી, બાકીની ફેંકી દેવામાં આવતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે.
બેનિનની ઉત્તર અને મધ્યમના વિસ્તારોમાં 12 જેટલી સ્થાનિક કંપનીઓએ કાજુનાં ફળની દાંડી ઉપર ફળની આસપાસ રહેલો માવાદાર હિસ્સા (કેશ્યૂ એપલ્સ - કાજુની બહારનાં ફળ)માંથી જ્યુસ બનાવવાનું શરૂ કર્યું છે. અમેરિકાની સ્વૈચ્છિક સંસ્થા ટેકનોસર્વ દ્વારા છેલ્લાં બે વર્ષથી બનાવવામાં આવતો આ જ્યુસ અગાઉ સ્થાનિક કક્ષાએ બિનસંગઠિત વેપાર હતો,તે હવે સંગઠિત, પદ્ધતિસરનો વેપાર બન્યો છે. આ જ્યુસનું ઉત્પાદન વર્ષ 2017માં 30,000 બોટલ્સથી વધીને ગયા વર્ષે બે લાખ બોટલ્સ થયું છે.
નાઈજિરિયાની ફૂડ ક્ષેત્રે કાર્યરત જાયન્ટ ગ્રુપ ટીજીઆઈ (ટ્રોપિકલ જનરલ ઈન્વેસ્ટમેન્ટ)ની સબસિડીયરી કંપની ફ્લુડોર તો હજુ એક ડગલું આગળ વધીને કાજુનાં ફળની બહારના કડક હિસ્સાની ઉપપેદાશમાંથી કેશ્યૂ નટ શૅલ લિક્વિડ (સીએનએસએલ)નું ઉત્પાદન કરે છે. 
કંપનીના બેનિનના વડા રોલેન્ડ રિબોક્સે જણાવ્યું કે કાજુનાં આ શૅલ ઍસિડિક લિક્વિડ ધરાવે છે અને તે કેવી રીતે દૂર કરવું તે હજુ ખબર નથી. તેને જમીનમાં દાટો, પાણીમાં વહાવો કે બાળી નાંખો, તે નુકસાનકારક છે. હવે તેની કોમર્શિયલ વેલ્યુ ઊભી થઈ છે.
કેશ્યૂ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અૉફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, કાજુનાં આ કોચલાંનાં પિલાણ દ્વારા મળતું તેલ લાઈનિંગ્સના અવરોધક, રંગ અને રોગાન સહિત ઔદ્યોગિક ઉપયોગમાં લઈ શકાય છે. આ રીતે તે રસાયણોનો કુદરતી વિકલ્પ પૂરો પાડે છે.
સીએનએસએલના મેન્યુફેક્ચરિંગ માટેનાં મશીનો ભારતથી આયાત કરાયાં છે અને સ્ટાફનું સુપરવિઝન પણ ભારતીય એન્જિનિયર વિનોદ કુમારે જણાવ્યું કે અમે શરૂઆતમાં દૈનિક ત્રણ ટન તેલ બનાવતા હતા, હવે રોજ 30-40 ટન શૅલ્સમાંથી 10 ટન તેલ ઉત્પાદન કરીએ છીએ. અમારું ધ્યેય 15 ટનની દૈનિક મહત્તમ ક્ષમતા હાંસલ કરવાનું છે. આ તેલની ભારત, જપાન અને ચીનને નિકાસ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer