નમામિ ગંગે : કંપનીઓ ગંગાના જળમાર્ગે માલ મોકલે છે

નમામિ ગંગે : કંપનીઓ ગંગાના જળમાર્ગે માલ મોકલે છે
નવી દિલ્હી, તા.19 એપ્રિલ
ડાબર ઈન્ડિયા, ઈમામી એગ્રોટેક અને આઈએફએફસીઓ (ઈફકો) જેવી કંપનીઓએ વારાણસીની ગંગા નદીના નેશનલ વોટરવેઝ (એનડબ્લ્યુ-1)નો ઉપયોગ શરૂ કર્યો છે, એમ ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈડબ્લ્યુએઆઈ)ના અધિકારીએ કહ્યું હતું. 
આઈડબ્લ્યુએઆઈનો લક્ષ્ય વારાણસીના મલ્ટિ-મોડેલ ટર્મિનલ (એમએમટી)ના ઈન્ફ્રાસ્ટ્રકચરને વિસ્તારવાનો અને તેમાં વેપારી માલની હેરફેર વધારવાનો છે. અધિકારીએ કહ્યું કે, વારાણસીના એમએમટીમાં નોંધપાત્ર અવરજવર જોવા મળી છે. પેપ્સિકો, ડાબર, ઈફકો અને મર્સ્ક લાઈન કંપનીઓના કાર્ગો વધુ જોવા મળ્યા છે. મોટા ભાગની કંપનીઓ એનડબ્લ્યુ-1નો ઉપયોગ કરી રહ્યા છે. 
જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટ વારાણસીથી હાલ્દિયા વચ્ચે એનડબ્લ્યુ-1નો આર્થિક આંતરિક વળતર દર 21.40 ટકા છે, એમ ગણતરી કરતા જણાય છે. અધિકારીએ ઉમેર્યું કે, એનડબ્લ્યુ-1માં જહાજોની અવિરત અવર-જવરની ખાતરી માટે અને કાર્યક્ષમતા વધારવા માટે વૈશ્વિક બિડ પ્રક્રિયા કરવામાં આવશે અને વારાણસી ટર્મિનલનું સંચાલન ખાનગી કંપનીઓને આપવામાં આવશે. વિસ્તરણ માટે કોઈ પણ રોકાણ ખાનગી કંપની દ્વારા થશે, જેથી સરકાર ઉપર બોજો આવે નહીં. આ માટે ચાર વૈશ્વિક અગ્રણી કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) એપેરેઝલ કમિટિએ આરએફપીના અમલ માટે બિડ દસ્તાવેજોને મંજૂરી આપી છે. જોકે આ અધિકારીઓએ કંપનીઓનાં નામ જાહેર કર્યા નહોતાં. 
આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં જિયોનાથપુર સ્ટેશનને નવી રેલ લાઈન આપવામાં આવશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer