રૂની નિકાસ દસ વર્ષના તળિયે

રૂની નિકાસ દસ વર્ષના તળિયે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 19 એપ્રિલ 
ભારતમાંથી રૂની નિકાસ 2018-19માં દશકાની નીચલી સપાટીએ પહોંચી છે. ભારતીય રૂના આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવ તથા નબળાં ઉત્પાદનને લીધે ઉપલબ્ધિ પણ ઓછી રહેતા નિકાસને ફટકો પડયો છે. દેશની કુલ નિકાસ 47 લાખ ગાંસડી રહેશે તેવો અંદાજ તાજેતરમાં કોટન ઍસોસિયેશન દ્વારા આપવામાં આવ્યો છે. જિનર્સો અને વેપારીઓ પણ આ અંદાજની નજીક છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો ફાળો નિકાસમાં 45 ટકા જેટલો હોય છે. 
ગુજરાતમાં રૂનું ઉત્પાદન ગયા વર્ષના 95 લાખ ગાંસડીથી ઘટીને 70 લાખ ગાંસડી આસપાસ આવી ગયું છે. પરિણામે નિકાસ પણ ઓછી જ રહેશે. છેલ્લે 2009-10માં 35 લાખ ગાંસડીની સૌથી નબળી નિકાસ થઇ હતી. એ પછી આ વર્ષનો આંકડો 47 લાખ ગાંસડીએ અટકશે.
રૂ બજારનાં સૂત્રો કહે છે, ભારતીય રૂનો ભાવ રૂા. 46,500-47,000 સુધી બોલાય છે. પાછલા વર્ષ કરતાં પાંચ હજાર જેટલો ઊંચો ભાવ છે તે નિકાસમાં અવરોધ બની રહ્યો છે. સિઝનના આરંભે ભાવ રૂા. 42,000 આસપાસ હતા ત્યારે નિકાસના સોદા સારા થયા હતા. જોકે હવે પૂછપરછ નથી. નિકાસકારો કહે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં રૂનો ભાવ 90થી 92 સેન્ટ પ્રતિ પાઉન્ડ સુધી ફેબ્રુઆરી મહિનાથી ચાલી રહ્યો છે. એ સામે અમેરિકાનું રૂ 88-89 સેન્ટમાં મળે છે. પરિણામે આયાતકારો ભારત તરફ નજર કરતા નથી.
ડિસેમ્બર 2018 પહેલા ભારતીય રૂની નિકાસ સારી રહી હતી. ત્યારે 70થી 71 સેન્ટ પ્રતિ પાઉન્ડમાં આપણે સંકર રૂ ઓફર કરી શકતા હતા. જોકે ભાવ વધવાની સાથે હવે નિકાસ ઘટતી જાય છે. સારી ગુણવત્તાનું રૂ પણ ઓછું મળે છે.
સ્થાનિક બજારમાં રૂની આવક પણ અત્યંત ધીમી પડી ગઇ છે તે પણ નિકાસ આડે અવરોધ છે. નિકાસકારોને સારી ગુણવત્તાનો માલ મળતો નથી. દેશભરમાં માંડ 35થી 40 હજાર ગાંસડીની આવક થાય છે. ગયા વર્ષે આ સમયે 60-70 હજાર ગાંસડી આવી રહી હતી.
પાછલા વર્ષમાં દેશમાં રૂનું ઉત્પાદન 365 લાખ ગાંસડી રહ્યું હતું. એ સામે આ વર્ષે ઉત્પાદન 310થી 320 લાખ ગાંસડી વચ્ચે રહેવાના અંદાજ મુકાય રહ્યા છે. રૂના પાકનો અંદાજ પણ આ વર્ષે દશકાની તળિયાની સપાટીએ છે.રૂની નિકાસ
વર્ષ                      નિકાસ(લાખ ગાંસડી)
2011-12              127
2013-14              112
2012-13              98
2009-10              72
2015-16              72
2010-11              70
2017-18              69
2016-17              63
2018-19              47

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer