રાજકોટના રાષ્ટ્રપ્રસિદ્ધ સોનાના અલંકાર બનાવવાના ઉદ્યોગને લાગી ઝાંખપ

રાજકોટના રાષ્ટ્રપ્રસિદ્ધ સોનાના અલંકાર બનાવવાના ઉદ્યોગને લાગી ઝાંખપ
કિંમતી ધાતુના ઊંચા ભાવ અને જીએસટીથી દાગીના બનાવવાનું કામકાજ 60 ટકા ઘટયું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.19 એપ્રિલ
હીરાના પૉલિશિંગમાં સુરતની માફક સુવર્ણ ઝવેરાતના નકશીકામમાં રાજકોટનું નામ ઝળહળી રહ્યું છે. સોનાના ઝવેરાતની કુલ માર્કેટમાં 45થી 50 ટકા જેટલો ફાળો રાજકોટ શહેરની બનાવટના ઝવેરાતનો છે. જોકે, છેલ્લાં કેટલાક સમયથી ઉદ્યોગનો ચળકાટ ઝંખવાયો છે. ઉત્પાદન 60 ટકા કરતા વધુ ઘટી જતા મુશ્કેલ પરિસ્થિતિ છે. મંદીએ એવો ભરડો લીધો છે કે બંગાળી કારીગરોના કસબથી આગળ ધપેલા રાજકોટના આ ઉદ્યોગમાંથી બંગાળી કારીગરોની સંખ્યામાં ધરખમ ગાબડું પડયું છે. કારીગરો વતન હિજરત કરી ગયા છે.
સોનાના દાગીના બનાવવાના હબ ગણાતા રાજકોટમાં બે-ત્રણ વર્ષ પહેલા મહિને લગભગ 200 કિલો સોનું દાગીના બનાવવા માટે વપરાતું હતું. વર્ષે આશરે 2400 કિલોના દાગીના બનતા હતા પરંતુ હવે મંદી છવાઇ ગઇ છે. મહિને માંડ 70-80 કિલો સોનાના દાગીના બનતા હોવાનું બંસી જ્વેલર્સના સંજયભાઇ ધકાણ અને પ્રવીણભાઇ વૈદ્ય કહે છે.
બન્ને ઝવેરીઓ રાજકોટમાં ઝવેરાતનો બીટુ બી શો કરવાના છે તેમણે અભ્યાસ બાદ એક મુલાકાતમાં કહ્યંy કે, રાજકોટનું નામ લાઇટ વેઇટ જ્વેલરી માટે વજનદાર છે. અહીંનું એન્ટિક વર્ક, કુંદન કળા, મીણા વર્ક, ડાયમંડ જડવાનું કામકાજ બેજોડ છે. માળા અને કાનના ઝુમકા પણ પ્રસિદ્ધ છે. સોનું વર્ષ પ્રતિવર્ષ મોંઘું થતું જાય છે એટલે રાજકોટના લાઇટવેઇટ દાગીનાની માગ સારી છે. છતાં હવે સોદા ઘટતા જાય છે. ઉત્પાદકો અને કારીગરો પાસે કામ ઓછું થઇ ગયું છે.
કામકાજ ઘટવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, સોનાનો ભાવ સખત વધી ગયો છે એટલે લોકો આવશ્યકતા હોય તો જ દાગીના ખરીદે છે. સોનું મોંઘું થવાનું કારણ 10 ટકા જેટલી ઊંચી જકાત છે. જીએસટી પણ સોનાને વધુ મોંઘું બનાવે છે. પરિણામે લોકો એનાથી દૂર થતા જાય છે. સરકારની નીતિ પણ ઝવેરાત ઉદ્યોગ માટે કરડાકીભરી છે એટલે ય મુશ્કેલી છે. હવે રોકડાં કરતા બિલમાં કામકાજ વધ્યા છે એટલે પણ સમસ્યા ગ્રાહક પક્ષે વધી છે. 2 લાખ કરતા વધારે મોંઘા દાગીના પર પાનકાર્ડનો નિયમ પણ નડી રહ્યો છે.
રાજકોટમાં એક સમયે એકાદ લાખ કારીગરો કામકાજ કરતા હતા. પરંતુ મજૂરી કામના અભાવે ધીરે ધીરે થતી હિજરત અને અન્ય ધંધા તરફ વળતા જતા કારીગરોની સંખ્યા ઘટીને 40-45 હજાર સુધી આવી ચૂકી છે. બંગાળી કારીગરો મોટાંપાયે વતન જતા રહ્યા છે. 30-35 હજાર બંગાળી કારીગરો હવે પરત આવવાના મૂડમાં નથી એવું ઝવેરીઓ કહે છે. રાજકોટમાં 300-400 જેટલા એવા ય કારીગરો છે જે સ્વરચિત ડિઝાઇનો બનાવીને સારું નામ કમાય રહ્યા છે પરંતુ તેમને પ્લેટફોર્મ મળતું નથી.
રાજકોટમાં ઝવેરાતનું ઘડતર હેન્ડમેડ હતું પણ હવે કેડ અને સીએનસી ટેકનૉલૉજી આવી ગઇ છે. લેસર કટિંગ ટેકનૉલૉજી પણ વપરાય છે. શહેરમાં આશરે સાડા ચારથી પાંચ હજાર યુનિટો નાના મોટાંપાયે સોના-ચાંદીના દાગીના બનાવે છે. એમાંથી આશરે 20-25 યુનિટો અત્યંત આધુનિક હોવાનું સંજયભાઇ ધકાણ કહે છે.
રાજકોટમાં સોનાના અલંકારો બનાવવાના ઉદ્યોગ તથા શો રૂમના ટર્નઓવરને કોર્પોરેટ ઝવેરીઓના આગમન પછી 20-25 ટકા જેટલો ફટકો પડયો હોવાનું પણ પ્રવીણભાઇએ સ્વીકાર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer