ભાજપની નવી સરકાર વેપારીઓ માટે રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડની રચના કરશે

ભાજપની નવી સરકાર વેપારીઓ માટે રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડની રચના કરશે
રિટેલ વેપાર નીતિ જાહેર થશે, વેપારીઓને અકસ્માત વીમો અને પેન્શન યોજનાનો લાભ મળશે : વડા પ્રધાન
`ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ' પછીનું લક્ષ્ય છે `ઈઝ અૉફ લિવિંગ'
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 19 એપ્રિલ
ભાજપની નવી સરકાર 23મી મેએ રચાશે અને ત્યારે જ `રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ'ની રચના કરવામાં આવશે, જે વેપારીઓ અને સરકાર વચ્ચે સીધા સંવાદનો મંચ બનશે, એવી મહત્ત્વની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીંના તાલકટોરા સ્ટેડિયમમાં વેપારીઓની વિશાળ સભાને સંબોધતાં કરી હતી. વડા પ્રધાને વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે ફરી એકવાર એનડીએની સરકાર જ રચાશે અને ત્યારે રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડની રચના કરવા સાથે રિટેલ વેપાર નીતિ પણ ઘડાશે. જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓને રૂા. 10 લાખનો અકસ્માત વીમાનો લાભ અપાશે, વેપારીઓ માટે `વેપારી ક્રેડિટ કાર્ડ' અને પેન્શન યોજના લાવવાની પણ ઘોષણા વડા પ્રધાને કરી હતી.
નવી સરકાર રચાય ત્યારે વેપાર-ઉદ્યોગ મંત્રાલયને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવી વડા પ્રધાને ઉમેર્યું હતું કે નવી સરકાર સ્ટાર્ટઅપ સેકટરમાં રૂા. 30 લાખ કરોડનું રોકાણ કરશે. વર્ષ 2024 સુધીમાં 50 હજાર સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવશે, જે બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત બનાવશે.
વેપારીઓના સાથ-સહકાર થતા નૂતન ભારતનું નિર્માણ કરવું શક્ય નથી, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
કૉંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન એવી ગેરસમજ ફેલાવી હતી કે જે કાંઈ ખોટું થાય તે વેપારીઓના કારણે થાય છે, નફાખોરી કૉંગ્રેસે કરી અને દોષનો ટોપલો વેપારીઓના શિરે નાખી તેમને જાહેરમાં ગાળો ભાંડી. આજે પણ કૉંગ્રેસ વેપારીઓ અને બિઝનેસમૅનને ચોર કહી રહી છે.
મેં સત્તા ઉપર આવ્યા અગાઉ જાહેરાત કરી હતી કે હું સત્તા ઉપર આવીશ તો રોજ એક કાયદો રદ કરીશ. રાજકારણીઓની જમાતમાં હું એક અપવાદ છું જે કહું છું કે મેં વચન પ્રમાણે પાંચ વર્ષમાં 1500 કાયદા રદ કર્યા.
`ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ'માં ભારતે નામ કર્યું છે. હવે મારું લક્ષ્ય `ઈઝ અૉફ લિવિંગ' છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
ભાજપની સરકારે દેશના નાગરિકો ઉપર ભરોસો મૂકવાની ફરજ સરકારી યંત્રણાને પાડી છે, એમ જણાવી વડા પ્રધાને કહ્યું કે વેચાણવેરામાં ઓનલાઈન પ્રક્રિયાથી ઝંઝાળ ઘટી છે. `વન નેશન વન ટૅક્સ'થી વેપારીઓની મુશ્કેલી દૂર થઈ રહી છે. જીએસટી આવ્યા પછી વેપારમાં પારદર્શકતા આવી છે અને તેથી રજિસ્ટર્ડ વેપારીઓની સંખ્યા બમણી થઈ છે, રાજ્યોની મહેસૂલી આવક દોઢ ગણી વધી ગઈ છે, જીએસટી ઉપરના સૂચનોના આધારે દોઢથી બે મહિનામાં સુધારણા થઈ શકે છે. પહેલા એક બજેટથી બીજા બજેટ સુધી રાહ જોવી પડતી હતી.
વેપારી આલમ અર્થતંત્રની કરોડરજ્જુ છે. 98 ટકા ચીજો 18 ટકાથી નીચા દરમાં છે. રોજિંદી જરૂરની મોટા ભાગની ચીજો શૂન્ય ટૅક્સ સ્લેબ હેઠળ છે. ભારત ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં 65 અંક વધી 77 અંક ઉપર આવ્યું છે. અહીંથી હું ભારતને 50મા સ્થાન ઉપર મૂકવાનું લક્ષ્ય રાખ્યું છે. પોતાની સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓ વેપારીઓ સમક્ષ મૂકતા વડા પ્રધાને જણાવ્યું કે વેપારમાં સરકારી હસ્તક્ષેપ ઓછો કરવાનું અમારું લક્ષ્ય છે. માત્ર 59 મિનિટમાં રૂા. 1 કરોડની લોન એક કલાકથી ઓછા સમયમાં મળી શકે એવી પોર્ટલ અમે શરૂ કરી છે અને ઈન્સ્પેકટર રાજ ખતમ કર્યું છે.
એમએસએમઈ ક્ષેત્રને વ્યાજમાં રાહતથી લઈને નિકાસ સુધીની સહાય સરકાર આપે છે. આદર્શ એમએસએમઈ તૈયાર કરીશું. આવનારા પાંચ વર્ષમાં ટેક્નૉલૉજીના વિકાસનો ઉપયોગ આ ક્ષેત્ર માટે કરીશું, એમ તેમણે ઉમેર્યું હતું.
આવકવેરા વ્યવસાયમાં આમૂલ સુધારા પોતાની સરકાર કરી રહી છે. આઈટી એસેસમેન્ટની વ્યવસ્થામાં હવે અધિકારી કરદાતાનો સીધો સંપર્ક કરી શકશે નહીં, માત્ર કૉમ્પ્યુટર દ્વારા જ કામ થશે.
દેશ અને દેશવાસીઓની જિંદગી બદલવાના લક્ષ્ય સાથે મારી સરકાર કામ કરી રહી છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
દરરોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 70 હજાર મહિલાઓને મફત ગૅસ કનેકશન મળી રહ્યું છે. 50 હજારને વીજળી જોડાણ, દરરોજ બે લાખ જનધન ખાતાં ખૂલ્યાં છે. દરરોજ 11 હજાર ઘરો બંધાય છે. વેપારીઓ જેમ દુકાન વધાવી ગલ્લાની રોકડ ગણે છે, હિસાબ કરે છે તેવી રીતે હું દરરોજ મેં કરેલાં કામોનો હિસાબ કરું છું, એમ તેમણે જણાવ્યું હતું.
વેપારીઓની મહેનતથી હું ઘણો પ્રભાવિત છું એમ જણાવી વડા પ્રધાને કહ્યું કે વેપારીભાઈઓ 12-12 કલાક સુધી પોતાને દુકાનમાં `કેદ' કરી - વેપાર જ નહીં, પણ જનતાની સેવા કરે છે.
આ ચૂંટણી છે એટલે નથી કહેતો, પરંતુ મારું માનવું છે કે વ્યાપારી વર્ગ એક રીતે ખરા અર્થમાં મોસમના વિજ્ઞાની હોય છે, કારણ કે વેપારીઓને અગાઉથી બધી પરિસ્થિતિની જાણ થઈ જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer