ટેક્નિકલ ટેક્સ્ટાઈલ ક્ષેત્રે રોકાણમાં 10 ગણો વધારો

પાંચ વર્ષમાં એકમોની સંખ્યા 17થી વધીને 181 સુધી પહોંચી

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 23 એપ્રિલ
રાજ્યમાં ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રનો વિકાસ બમણી ગતિએ થયો છે. આંકડાકીય માહિતીને આધારે  પાછલાં પાંચ વર્ષમાં રાજ્યમાં ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે થયેલાં રોકાણમાં દસ ગણો વધારો નોંધાયો છે. કાપડઉદ્યોગ માટે આ રોકાણ રેકર્ડબ્રેક કહી શકાય. 
2013-14ના અંત સુધીમાં રાજ્યમાં ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે રૂા. 156 કરોડનું રોકાણ થયું હતું. જે તે સમયે રાજ્યમાં ટેક્નિકલ ટેકસટાઈલના માત્ર 17 એકમો કાર્યરત હતાં. પાછલાં પાંચ વર્ષમાં રાજ્યમાં ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રમાં નોંધાયેલાં એકમોની સંખ્યા 17થી વધીને 181 સુધી પહોંચી છે. પાછલાં પાંચ વર્ષમાં આ ક્ષેત્રે રોકાણનો આંક વધીને રૂા. 1775 કરોડે પહોંચ્યો છે. 
રાજ્યમાં ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે મૂળ રોકાણ સરકારી આંકડાઓ કરતાં વધારે છે. નોંધવું કે, જે એકમોએ સરકારી યોજનાઓનો લાભ લીધો છે તેનાં જ નામ સરકારી ચોપડે રજિસ્ટર કરાયાં છે. સરકારની ક્રેડિટ લીંક સબસિડીની યોજનાનો સૌથી વધુ લાભ સાહસિકોએ લીધો છે. રાજ્યના ઔદ્યોગિક વિભાગના આધારભૂત વર્તૂળોના જણાવ્યા મુજબ જે સાહસિકોએ સરકારની યોજનાઓનો લાભ લીધો છે તેઓ પરંપરાગત ટેક્સટાઈલ યુનિટ ધરાવે છે. તેઓએ વિસ્તરણ કરી ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે રોકાણ કર્યું છે. 
સૌથી વધારે રોકાણ વર્ષ 2016-17માં રૂા. 475 કરોડનું રોકાણ થયું છે. સૌથી વધુ 51 એકમો અમદાવાદ અને સુરતમાં શરૂ થયા છે. વર્ષ 2018-19માં 32 નવા એકમો સાથે કુલ રૂા. 370 કરોડનું રોકાણ રાજ્યમાં નોંધાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer