સૌરાષ્ટ્રની સાત બેઠકો પર 53.87 ટકા મતદાન

બપોર બાદ ભારે ગરમીને લીધે મતદાનની ટકાવારી નીચે આવી

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 23 એપ્રિલ
સૌરાષ્ટ્રમાં કુલ સાત બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. 120 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને 1.19 લાખ મતદારોએ તમામ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કર્યું હતું. સાંજે છ વાગ્યા સુધીમાં મળતા આંકડાઓ પ્રમાણે સૌરાષ્ટ્રની સાતેય બેઠકો ઉપર કુલ સરેરાશ 53.87 ટકા મતદાન થયું હતું.
સૌરાષ્ટ્રની સાત બેઠકોમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધારે 58.03 ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં 51.48 ટકા હતું. એ સિવાય જૂનાગઢમાં 55.61 ટકા, પોરબંદરમાં 50.1 ટકા, સુરેન્દ્રનગરમાં 52.48 ટકા, ભાવનગરમાં 53.38 ટકા અને જામનગરમાં 54.14 ટકા મતદાન થયું હતું.
સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ સવારથી ઉત્સાહપૂર્વક મતદાન થયું હતું. સવારે મતદારોએ લાઇનો લગાવી હતી. જોકે બપોર પછી મતદાન ઘણું ધીમું પડી ગયું હતું. દિવસને અંતે સાંજે છ વાગ્યે ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે કુલ મતદાન 53.87  ટકા થયું હતું. 65 હજાર કરતાં વધારે લોકોનો ચૂંટણી સ્ટાફ ફરજ ઉપર હતો. એકંદરે શાંતિપૂર્વક મતદાન થયું હતું.
સૌરાષ્ટ્રની તમામ બેઠકો ઉપર ચૂંટણીપ્રચાર સાવ ફિક્કો રહ્યો હતો. રાજકીય નિવેદનો, સોશિયલ મીડિયામાં પ્રચારયુદ્ધ, આક્ષેપો, પ્રતિઆક્ષેપો વચ્ચે મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી.
2014 વખતે સૌરાષ્ટ્રની સાતેય બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો. આ વર્ષે ભાજપ અને કૉંગ્રેસે બેઠકો કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. બન્ને પક્ષોએ નવા ચહેરાઓને બદલે રિપિટ ઉમેદવારોને ટિકિટ આપીને બેઠકો કબજે કરવા ઝંપલાવ્યું હતું. રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં મોહન કુંડારિયાની સામે લલિત કગથરા જંગ લડી રહ્યા છે. 
પોરબંદરમાં ભાજપના રમેશ ધડૂક અને કૉંગ્રેસના લલિત વસોયા, સુરેન્દ્રનગરમાં ભાજપના મહેન્દ્ર મુંજપરા સામે સોમાભાઇ ગાંડાભાઇ, અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા સામે કૉંગ્રેસના પરેશ ધાનાણી, ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળ સામે કૉંગ્રેસના મનહરભાઇ પટેલ, જૂનાગઢમાં ભાજપના રાજેશભાઇ ચુડાસમા સામે કૉંગ્રેસના પૂંજાભાઇ વંશ અને જામનગરમાં ભાજપના પૂનમ માડમ સામે કૉંગ્રેસના મૂળુભાઇ કંડોરિયા ચૂંટણીજંગ ખેલાયો છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જેવી બેઠકો બન્ને પક્ષો માટે રસાકસીભરી બની રહેવાની છે. રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. છતાં આ વર્ષે શું સ્થિતિ થાય છે તે જાણવું રસપ્રદ બનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer