તેલીબિયાંના ભાવ આ સપ્તાહે ઘટવાની વકી

ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 23 એપ્રિલ
આ સપ્તાહે તેલીબિયાંમાં અનેકવિધ ચિંતાઓને કારણે ભાવ ઘટવાનો સંભવ છે. વેપારીઓ કહે છે કે ગત સપ્તાહના આરંભે ચીને સોયાબીનનાં કેટલાંક કન્સાઈમેન્ટ બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી ખરીદતાં બે દિવસના વેગીલા ઘટાડા પછી સોયાબીનને ટેક્નિકલ સપોર્ટ મળ્યો હતો. અમેરિકામાં સોયાબીન ઉગાડતા વિસ્તારમાં હવામાનની અનિશ્ચિતતા અને વિશ્વમાં સોયાબીનના સૌથી મોટા વપરાશકાર ચીનના અમેરિકા સાથેના વેપાર કરારના આશાવાદે સપ્તાહાંતે સુધારો જોવાયો હતો. સીબીઓટી સોયાબીન મે વાયદો ગુરુવારે 8.81 ડોલર પ્રતિ બુશેલ (27.218 કિલો) બંધ થતાં પહેલાં બુધવારે 8.78 ડોલરના 26 ડિસેમ્બરના તળિયાને સ્પર્શ્યો હતો. અલબત્ત ભાવ પર હજુ પણ નીચે જવાનું દબાણ છે. 
આ વર્ષે વેપારયુદ્ધ ઉપરાંત પણ ચીનની અનેક કારણથી અમેરિકન સોયાબીનની માગ નબળી રહેનાર છે. ચીનમાં ઓગસ્ટ મહિનાથી આફ્રિકન સ્વાઈન ફ્લુ લાગુ પડવાથી ડુક્કર ઉત્પાદનમાં આ વર્ષે 20થી 30 ટકાનો ઘટાડો નોંધાવાની શક્યતા વધી ગઈ છે. દક્ષિણ અમેરિકાથી આવતા સમાચારો કહે છે કે આ વર્ષે પાક વિક્રમી આવશે. આર્જેન્ટીનાનો સોયાબીન પાક ગતવર્ષની દુષ્કાળગ્રસ્ત મોસમ પછી 377.8 લાખ ટન સામે આ વર્ષે 559 લાખ ટન અંદાજવામાં આવ્યો છે. બ્રાઝિલ પણ ગતવર્ષના 1138 લાખ ટન સામે 1158 લાખ ટનનો પાક લઈને બજારમાં ઊતર્યું છે.  
અમેરિકન સેન્સસ બ્યૂરોનો ગત સપ્તાહનો અહેવાલ કહે છે કે ફેબ્રુઆરીમાં અમેરિકાની સોયાબીનની નિકાસ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ, 45.8 લાખ ટન થઇ હતી. તેમાંથી એકલા ચીનનો હિસ્સો 46 ટકા એટલે કે 21 લાખ ટન હતા. ફેબ્રુઆરી નિકાસનો આ આંકડો આમ તો સામાન્ય હતો, પણ પાછલા કેટલાક મહિનાઓની તુલનામાં તે ખૂબ મોટો હતો. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી 2018-19ની અમેરિકન સોયાબીન નિકાસ મોસમમાં ચીન ખાતે અત્યાર સુધીમાં માત્ર 14 ટકા જ નિકાસ થઇ શકી હતી, જે આગલા વર્ષે 65 ટકા હતી. 
સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં અમેરિકાથી ચીન ખાતેની સોયાબીન નિકાસ 85 ટકા ઘટી જવા છતાં ચીન 39.4 લાખ ટન સાથે તેનો સૌથી મોટો ગ્રાહક રહ્યો હતો. બીજા નંબરે મેક્સિકોમાં 25.2 લાખ ટન નિકાસ થઇ હતી. 4 એપ્રિલ સુધીમાં 2018-19ના અમેરિકન નિકાસ કમીટમેન્ટ 439 લાખ ટન થયાં હતાં, આનો અર્થ એ કે અમેરિકન કૃષિ મંત્રાલયના આખા વર્ષના 510 લાખ ટનના નિકાસ લક્ષ્યાંકથી આ નિકાસ પ્રથમ અર્ધવાર્ષિકમાં સોદા હજુ 71 લાખ ટન ઓછા છે. સામાન્ય રીતે ચીન અમેરિકા પાસેથી તેની વાર્ષિક માગના 91 ટકા સોયાબીન ખરીદે છે, જે અમેરિકાથી નિકાસ થતા કુલ સોયાબીનના બાવન ટકા જેટલું હોય છે.  પણ આ વર્ષની નિકાસ મોસમના પ્રથમ અર્ધવાર્ષિકમાં સાવ નબળી માગને લીધે, ચીને માત્ર 30 ટકા અથવા 129 લાખ ટન અમેરિકન સોયાબીનની આયાતના સોદા કર્યા હતા. ચીન અને અમેરિકા વચ્ચે હવે વેપાર યુદ્ધનો ઉકેલ લાવવા નવેસરથી વાટાઘાટો પ્રારંભાઇ છે. બન્ને દેશોની સઘન વાટાઘાટો પછી મેના આરંભે અથવા જૂનમાં નવા ટ્રેડ કરારો પર સહીસિક્કા થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer