ભારતીય ટેક્સ્ટાઈલ્સ ઉદ્યોગ અમેરિકાની જરૂરિયાત સંતોષવા સક્ષમ : આઈએસીસી

બન્ને દેશો વચ્ચે ભાગીદારી વધારવા મુંબઈમાં આજે પરિષદનું આયોજન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 એપ્રિલ
ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્રમાં ઉત્પાદનથી માંડીને દરેક પ્રકારની પ્રોડકટ્સમાં અમેરિકા ઉત્કૃષ્ટ ટેક્નૉલૉજી અને ઉચ્ચ કક્ષાનાં સંશોધનો સાથે અત્યંત મજબૂત સ્થાન ધરાવે છે. બીજી બાજુ ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગ ફાઈબર ટુ ફેબ્રિકના એડવાન્ટેજ સાથે પોતાની ઉચ્ચ કક્ષાની સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી વૈવિધ્યસભર ટેક્સ્ટાઈલ્સ પ્રોડકટસ આધુનિક ઉત્પાદન પ્રણાલિ મારફત વિશ્વ સ્તરે વિસ્તરણ કરી રહ્યો છે.
ટેક્સ્ટાઈલ ક્ષેત્રે ભારત અને અમેરિકા પરસ્પરની જરૂરિયાતની આપૂર્તિ કરી શકે એ માટે વેપારનું આપસી સહયોગ, ઈન્વેસ્ટમેન્ટ અને વિકાસની તક આપતી એક દિવસીય પરિષદનું આયોજન મુંબઈમાં આવતી કાલે બુધવારે તાજમહાલ હોટેલમાં કરવામાં આવ્યું હોવાનું ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની એક યાદીમાં જણાવ્યું હતું.
યુએસ કોન્સ્યુલેટ મુંબઈના વેપાર સેવા વિભાગના ઉપક્રમે ઈન્ડો અમેરિકન ચેમ્બર અૉફ કોમર્સ (આઈએસીસી) દ્વારા આયોજિત આ `અમેરિકા ફર્સ્ટ એન્ડ મેક ઈન ઈન્ડિયા: ટેક્સ્ટાઈલ્સમાં 100 અબજ ડૉલરના વેપારનો લક્ષ્યાંક' વિશે આયોજિત આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત રોકાણ દ્વારા પરસ્પરના વેપારને પ્રોત્સાહન, અત્યાધુનિક ઉત્પાદન વ્યવસ્થાનું વિસ્તરણ, પ્રોડકટસમાં વૈવિધ્યકરણ અને ભાગીદારી વધારવાનો રહ્યો છે એમ યાદીમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer