મતદાનના ત્રીજા તબક્કામાં લોકસભાની 115 બેઠકો માટે 61.31 ટકા મતદાન

પ. બંગાળમાં સૌથી વધુ 79 ટકા, સૌથી ઓછું 12.46 ટકા જમ્મુ-કાશ્મીરમાં મતદાન
નવી દિલ્હી, તા. 23 એપ્રિલ
લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 115 બેઠકો માટે થયેલા મતદાનની ટકાવારી સાંજના 5.30 વાગ્યા સુધીમાં 61.31 ટકા રહી હતી. જેમાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 79 ટકા થયું હતું. સૌથી ઓછું મતદાન જમ્મુ-કાશ્મીરના અનંતનાગ લોકસભા બેઠક માટે 12.46 ટકા રહ્યું હતું. ગુજરાત અને કેરળની તમામ બેઠકો માટે આજે મતદાન થયું હતું.
આજના મતદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણાપ્રધાન અરુણ જેટલી, ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને ભાજપપ્રમુખ અમિત શાહે ભાગ લીધો હતો. આજે ગુજરાતની 26, કેરળની 20, મહારાષ્ટ્રની 14, કર્ણાટકની 17, ઉત્તર પ્રદેશની 17, છત્તીસગઢની 7, ઓરિસાની 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, આસામની 4, ગોવાની 2, જમ્મુ-કાશ્મીર, દાદરા-નગરહવેલી, દમણ અને દીવ તેમ જ ત્રિપુરાની દરેકની એક-એક લોકસભા બેઠક માટે મતદાન થયું હતું.
તાજા આંકડા મુજબ આસામમાં 74.50 ટકા, બિહારમાં 54.95, છત્તીસગઢમાં 64.03, દાદરા-નગર હવેલીમાં 71.43, દમણ-દીવમાં 65.34, ગોવામાં 70.96, ગુજરાતમાં 58.81, જમ્મુ-કાશ્મીરમાં 12.46, કર્ણાટકમાં 60.87, કેરળમાં 68.62, મહારાષ્ટ્રમાં 55.05, ઓડિસામાં 57.84, ત્રિપુરામાં 71.13, ઉત્તર પ્રદેશમાં 56.36 અને પ. બંગાળમાં સૌથી વધુ 78.94 ટકા મતદાન થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer