ગુજરાતમાં નાફેડ આજથી મગફળી વેચશે

ગુજરાતમાં નાફેડ આજથી મગફળી વેચશે
`વ્યાપાર'ના અહેવાલની સચોટ અસર : બુધ-ગુરુવારે વેચાણ સંભવ : સંસ્થા મગફળી વેચાણમાં ખાશે કરોડોની ખોટ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 23 એપ્રિલ
અગાઉ 30 એપ્રિલ સુધી મગફળી નહીં વેચવાની જાહેરાત કરી ચૂકેલી નાફેડ આખરે હવે વેચવા તૈયાર થઈ છે. ચૂંટણી માટે મંગળવારે મતદાન પૂર્ણ થઈ જાય એ પછી તા. 24 કે 25ના દિવસે વેચાણ શરૂ થશે, કારણ કે સંસ્થાએ નવી 12 હજાર ટન અને જૂની 3 હજાર ટન મગફળી વેચવા માટે વિવિધ ગોદામોની ઓફર વેપારીઓ માટે ખુલ્લી મૂકી છે. નાફેડ મગફળી નહીં વેચે તો નિકાસ સોદામાં મુશ્કેલી પડશે એવા વ્યાપારમાં પ્રસિદ્ધ થયેલા ધારદાર અહેવાલની સચોટ અસર થઇ છે. 
નાફેડ મગફળીનાં વેચાણમાં ધરખમ ખોટ પણ કરશે. નાફેડે ખેડૂતો પાસેથી એક મણદીઠ રૂા. 1000ના ભાવથી ખરીદેલી મગફળીનું બારદાન, ગોદામ ભાડું, ફ્યુમિગેશન, ખરીદનાર મંડળીનું કમિશન, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વગેરે મેળવીએ તો રૂા. 1110ની આસપાસ પડતર થઈ છે. નાફેડને નવી મગફળીનો ભાવ રૂા. 850થી ઊંચો મળવાની શક્યતા બહુ ઓછી છે. એ જોતા રૂા. 260ની ચોખ્ખી ખોટ દેખાય છે. પાંચ મહિનાથી સરકાર મારફત નાફેડે ખરીદીને ગોદામમાં સાચવી છે.
નાફેડ પાસે જૂની મગફળીનો આશરે 1.50 લાખ ટન અને નવી ચાલુ વર્ષની ખરીદીનો આશરે 4.5 લાખ ટનનો જથ્થો ગોદામોમાં પડેલો છે. નાફેડે એનઇએમએલ મારફતે વેચાણ કરવા સોમવારે ઓફર મૂકી છે. મંગળવારે મતદાન હોવાથી કોઇ બિડ ભરાઇ ન હતી. જોકે, આવતીકાલે વેચાણ થાય તેમ છે.
નાફેડની ઓફર પ્રમાણે 12 હજાર ટન જૂની મગફળી ઊંઝા, કંડલા, કલોલ, કડી તથા ગાંધીધામના ગોદામમાંથી વેચવા ઇચ્છે છે. નવી મગફળી ચોકી ખાતેના ગોદામથી આશરે 3000 ટનના જથ્થામાં સંસ્થા વેચવા માગે છે. 
નાફેડે ચાલુ વર્ષે રૂા. 1000ના ભાવથી મગફળીની ખરીદી કરી છે. વેપારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ખરીદીમાં 40 કિલોની ભરતીવાળા બારદાનની કિંમત રૂા. 80 થાય છે. મણે રૂા. 4.50 ગોદામ ભાડું પ્રતિ મણ ચૂકવાય છે. પાંચ મહિનાથી મગફળી ગોદામોમાં છે. એક ગૂણી (40 કિલો) મગફળીનું ફ્યુમિગેશન કરવાનો માસિક ખર્ચ રૂા. 10 થાય છે. ખરીદી વખતે મંડળી કે સંસ્થાનું કમિશન મણે રૂા. 40 ચૂકવાયું છે. ગોદામ સુધી મગફળી પહોંચાડવા મણે રૂા. 15નું ગાડીભાડું ચૂકવવામાં આવ્યું છે. આ બધા તોતિંગ ખર્ચ પછી પણ નાફેડને વેચવાની ઉતાવળ ન હોય એવી સ્થિતિ છે. મગફળી વેચાણમાં કરોડોની ખોટ થવાની છે. 
બીજી તરફ મગફળીની વધતી માગને લીધે નાફેડ જો નવી મગફળી વધારે પ્રમાણમાં વેચે તો તુરત વેચાય જવાની શક્યતા છે. સંસ્થાએ ઉતાવળ કરવાની આવશ્યકતા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer