નિકલની તેજીમાં ખાંચરો સર્જાવાની નવી સંભાવના

નિકલની તેજીમાં ખાંચરો સર્જાવાની નવી સંભાવના
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 23 એપ્રિલ
નિકલના ભાવમાં જૂન, '18 પછી 25 ટકાનો પ્રમાણમાં મોટો સુધારો નોંધાયો હતો. વિશ્વના ફલક પર સ્ટેનલેસ સ્ટીલમાં નિકલનો મુખ્ય વપરાશ હવે ઘટી રહ્યો છે. ચીન સહિત અનેક દેશોએ શૂન્ય નિકલ ધરાવતું સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદન શરૂ કર્યું છે. તેની સામે હવે વૈશ્વિક પર્યાવરણની ચિંતાએ ઈલેક્ટ્રિક કાર અને વૈકલ્પિક ઉર્જાની પેનલ બેટરીમાં નિકલનો વપરાશ વાર્ષિક 15 ટકાના દરે વૃદ્ધિ પામવાની સંભાવના મુકાય છે. એલએમઈ ખાતે ઘટતા સ્ટોક અને ચીન-અમેરિકાની ટ્રેડ વાટાઘાટ સફળ થવાનાં એંધાણથી બિનલોહ ધાતુના ભાવ સુધરતાં નિકલનો ભાવ એલએમઈ ખાતે ઉછળીને ટન દીઠ 13,200 ડૉલર પાર કરી ગયો હતો, જે આજે 12,607 ડૉલરે બંધ હતો.
જોકે, રોઈટરના તાજેતરના અહેવાલ પ્રમાણે એલએમઈ ખાતે નોંધણીકૃત વેરહાઉસોમાંથી યુરોપના કેટલાક દેશોમાં નિકલનો જથ્થો `બજારની નજર બહાર' મોટા પ્રમાણમાં પગ કરી રહ્યો છે. જેથી બજારમાં નિકલનો પુરવઠો ઘટી ગયો છે. એલએમઈ ખાતે નિકલનો સ્ટોક 40 ટકા ઘટયો હતો.
યુરોપમાં નિકલનો વપરાશ ઘણો ઓછો છે, જેની સામે આટલા મોટા પ્રમાણમાં થતો સંગ્રહ શંકાસ્પદ ગણાય છે એમ મેકવેરીના એનલિસ્ટ વિવિન લ્યોડનું અનુમાન છે. યુરોપ ખાતેના વેરહાઉસમાં સાત મહિના દરમિયાન 39,358 ટન નિકલ મલેશિયાથી નિકાસ કરાયું હોવાનું જણાયું છે. જેની સામે નેધરલેન્ડ ખાતે પાછલા વર્ષે માત્ર 1167 ટન નિકાસ નોંધાઈ હતી. આ ઉપરાંત સિંગાપોર અને તાઈવાન ખાતેથી યુરોપમાં નિકલ મોકલાયાના અહેવાલથી જણાઈ આવે છે કે મોટા રોકાણકારો રોકડ નાણાંને બદલે નિકલનો સંગ્રહ કરી રહ્યા છે, એમ બીએમઓ કેપિટલ માર્કેટના કોલી હેમિલ્ટને જણાવ્યું છે. આ રોકાણકારો ગમે તે ઘડીએ નાણાં સોદાની પતાવટ માટે નિકલ બજારમાં ફૂંકી શકે છે. તેમના અનુમાન પ્રમાણે આ પ્રકારના રોકાણ માટે 4,65,000 ટન નિકલનો સંગ્રહ થયો હોઈ શકે છે, જે એલએમઈ વેરહાઉસના 2,35,019 ટનના જથ્થાથી લગભગ બમણો છે.
આ સંજોગો ધ્યાને લેતા નિકલમાં સડસડાટ તેજીમાં ગમે ત્યારે મોટો ખાંચરો આવી શકે છે. જેથી સ્થાનિક આયાતકારોએ નવા આયાત ઓર્ડરમાં સાવધાની રાખવી જરૂરી બનશે. નિકલમાં સ્થાનિક આયાતકારો 12,400નું નજીકનું ભાવ તળિયું ગણીને આયાત ગોઠવી રહ્યાનું બજાર સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે, બીએમઈના ભૂતપૂર્વ પ્રમુખ હેમંત પારેખની ગણતરી મુજબ નિકલનો ભાવ 13,200 ડૉલર ઉપર ચાલતા આગળ ઉપર 14,000 ડૉલરે પહોંચી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer