કાશ્મીરમાં અમેરિકન બદામના વેપાર દ્વારા આતંકીઓને નાણાં

કાશ્મીરમાં અમેરિકન બદામના વેપાર દ્વારા આતંકીઓને નાણાં
નવી દિલ્હી, તા. 23 એપ્રિલ
જમ્મુ-કાશ્મીરની અંકુશરેખા પર પોષક મૂલ્યો માટે વિશ્વ પ્રસિદ્ધ એવી કૅલિફોર્નિયાની બદામના વેપારમાંથી મળેલા નફામાંથી આતંકવાદીઓને નાણાં પહોંચાડવામાં આવતાં હોવાનું જાણમાં આવ્યું છે.
ભારતે ગયા અઠવાડિયે અંકુશરેખા પરનાં બે સ્થળો પર બંને દેશો વચ્ચેનો વેપાર અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દીધો હતો. તેને એવી બાતમી મળી હતી કે આ સવલતનો ઉપયોગ ભારતમાં હથિયારો, કૅફી પદાર્થો અને બનાવટી નોટો ઘુસાડવામાં માટે થઈ રહ્યો છે.
કૅલિફોર્નિયાની બદામ અંકુશરેખા પરથી મોટા પાયે ભારતમાં લાવવામાં આવે છે, જેમાં પરિવહનના મોટા નેટવર્કનો ઉપયોગ થાય છે. પાકિસ્તાનના વેપારીઓ ઓછી કિંમતનું ઇનવોઇસ બનાવી બદામ અને અન્ય ચીજો ભારતમાં મોકલાવે છે. માલ મળી જાય એટલે જમ્મુ-કાશ્મીરના વેપારીઓ તેને સ્થાનિકમાં બજાર ભાવે વેચી નાખે છે. મૂળ કિંમત ઓછી લગાડવામાં આવી હોવાથી આ વેપારમાં તેમને સારો નફો મળે છે. એ વધારાનો નફો કાશ્મીરના વેપારીઓ ખીણમાંના આતંકવાદીઓ, અલગતાવાદીઓ અને દેશવિરોધી તત્ત્વોને પહોંચાડી દે છે. જેમાંથી એ લોકો પોતાની પ્રવૃત્તિઓ ચલાવી શકે.
સલામતી દળોના ધ્યાનમાં એ વાત પણ આવી છે કે અંકુશરેખા પારના વેપારમાં પ્રવૃત્ત કેટલીયે પેઢીઓ હિઝબુલ મુજાહીદ્દીન જેવી પ્રતિબંધિત સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા લોકો દ્વારા ચલાવવામાં આવે છે. ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયેલા કેટલાક લોકોએ ત્યાં વેપારી પેઢીઓ ખોલી છે. આ રીતે અનેક પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના કમજા હેઠળની પેઢીઓ તેમના સગાંવહાલાં દ્વારા ભારતમાં ચલાવાતી પેઢીઓ સાથે વેપાર કરે છે.
અંકુશરેખા પરના વેપારનો ઉપયોગ ભારતમાં કોકેન, બ્રાઉન સુગર અને હેરોઇન જેવા માદક પદાર્થો કાશ્મીર ખીણમાં ઘુસાડવા માટે પણ થાય છે. યુવા પેઢી પર આ પદાર્થોની માઠી અસર પડે છે અને ઘણા તેમના બંધાણી બની જાય છે. તાજેતરના અનેક દરોડામાં કાશ્મીર ખીણમાં વસતા વેપારી પાસેથી 66.5 કિલો હેરોઇન પકડાયું હતું. જે અંકુશરેખાની પેલે પારથી આવેલું હતું.
વખતો વખત કાશ્મીર ખીણમાં હથિયારો અને દારૂગોળો પૂરો પાડવા માટે પણ અંકુશરેખા પરના વેપારનો ઉપયોગ થાય છે. ઘણીવાર વેપારીઓ પાસેથી પિસ્તોલ, ગ્રેનેડ, શસ્ત્રોના પૂરજા અને દારૂગોળો પકડાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer