વિદર્ભના ખેડૂતોને રૂ અને સોયાબીનના વૈકલ્પિક પાકનો ઈંતજાર

વિદર્ભના ખેડૂતોને રૂ અને સોયાબીનના વૈકલ્પિક પાકનો ઈંતજાર
નિષ્ફળ ચોમાસું અને ભૂગર્ભનાં જળ ખૂટતાં ઓછાં પાણીની જરૂરિયાતવાળા વૈકલ્પિક પાક શોધવા અનિવાર્ય

મુંબઈ, તા. 23 એપ્રિલ
મહારાષ્ટ્રના વિદર્ભમાં બુલધાણા જિલ્લાના પોટા ગામના રામકૃષ્ણ પાટીલ ખૂટે પાસે 65 એકર જમીન છે. રામકૃષ્ણ અને તેના બે ભાઈઓ સાથે મળીને આ જમીન ખેડે છે. રાજ્યમાં સરેરાશ ખેડૂતદીઠ જમીન પાંચ એકર કરતાં પણ ઓછી છે, ત્યારે રામકૃષ્ણ 13 ગણી વધુ જમીન ધરાવે છે. આમ છતાં છેલ્લાં બે વર્ષથી વિદર્ભમાં પૂરતો વરસાદ થયો ન હોવાથી રૂનો પાક લેતા 50 વર્ષના રામકૃષ્ણ નિરાશ છે.
વિદર્ભનો વિસ્તાર સમગ્ર પૂર્વ મહારાષ્ટ્રને આવરી લે છે અને તેમાં 11 જિલ્લાઓ છે. છેલ્લાં 20 વર્ષથી આ વિસ્તાર દુકાળ અને ખેડૂતોની આત્મહત્યાને કારણે સમાચારોમાં સતત ચમકતો રહે છે. વર્ષ 2018માં જૂનની શરૂઆત સુધી વિદર્ભમાં કેટલેક અંશે સામાન્ય વરસાદ હતો, છતાં છઠ્ઠી અને સાતમી જૂને નાગપુર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં 265 મિલિમીટર વરસાદ પડયો. તે પછી એક અઠવાડિયું વિદર્ભના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો. પરંતુ ત્યારબાદ વરસાદ અચાનક ગાયબ થઈ ગયો અને સમગ્ર વિસ્તાર સૂકો ભઠ્ઠ થઈ ગયો. 
રાજ્ય સરકારે રાજ્યના 353 તાલુકામાંથી 180 તાલુકામાં દુકાળ જેવી સ્થિતિ જાહેર કરી. રાજ્યમાં નાનાં-મોટાં મળીને કુલ 3,200 બંધ (ડેમ) છે. 13મી એપ્રિલે જળસંચયની કુલ ક્ષમતામાંથી 25 ટકા ક્ષમતા સુધી પાણી હતાં. ગયા વર્ષે આ આંકડો આ જ સમયે 39 ટકા જેટલો એટલે કે થોડો વધુ સારો હતો.
રાજ્યભરમાં અત્યારે 3950 ટેન્કર્સ ઉપયોગમાં લેવાયાં છે. પરંતુ સદનસીબે વિદર્ભમાં પીવાના પાણીની સ્થિતિ ગયા વર્ષ કરતાં સારી છે. હાલમાં 1500 ટેન્કર્સ 1890 ગામડાંને પાણી પૂરું પાડે છે. ગયા વર્ષે 2000 ટેન્કર્સ કામે લગાડાયાં હતાં. 
રામકૃષ્ણ જણાવે છે કે વિદર્ભમાં હજુ પણ રૂ અને સોયાબિન જેવા પાણીની મોટા પાયે જરૂરિયાત હોય તેવા પાકો ઉગાડવામાં આવે છે અને તેના કોઈ વૈકલ્પિક પાક નથી. અકોલાની પંજાબરાવ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના અનેક કૃષિ વૈજ્ઞાનિકોમાં કૃષિ વિષયમાં ડોક્ટરેટ સ્કોલર્સની સંખ્યા પણ ઘણી મોટી છે અને પુસ્તકાલયોમાં પીએચડીના થિસિસના ખડકલા થયા છે. આમ છતાં કોઈએ પણ ઓછું પાણી જરૂરી હોય તેવા વૈકલ્પિક પાકો વિકસાવ્યા નથી.
ભૂતકાળમાં રૂ અને સોયાબિન સારું વળતર આપતા હોવાથી લોકો આ જ પાકો ઉગાડે છે. પરંતુ એક એકર જમીનમાં આશરે પાંચ ક્વિન્ટલ રૂનો પાક ઊતરે છે. આ માટે સરેરાશ વાવેતર ખર્ચ રૂા. 32,500 થાય છે. તેની સામે પ્રવર્તમાન બજાર ભાવ રૂા. 5000થી રૂા. 5500 પ્રતિ ક્વિન્ટલ છે. એટલે, ખેડૂતને એકરદીઠ રૂા. 25,000 વળતર મળે અને એકરદીઠ નુકસાન રૂા. 7000 થાય. આમ છતાં તેની પાસે અન્ય કોઈ પાકનો વિકલ્પ નથી. 
અકોલાના ખેડૂત રાજેશ રાજપૂતે જણાવ્યું કે અકોલા અને બુલધાણામાં ભૂગર્ભનાં પાણી લગભગ 1000 ફૂટે પહોંચ્યાં છે. આ પાણી અત્યંત ઊંડાં બોરવેલ ખોલીને જ મેળવી શકાય તેમ છે. આ ગંભીર સ્થિતિ માટે ભૂગર્ભનાં જળનો બેફામ વપરાશ અને નિષ્ફળ ચોમાસું જવાબદાર છે. એક તરફ સરકાર કહી રહી છે કે 210 ફૂટથી ઊંડાં પાણી માનવ વપરાશ માટે યોગ્ય નથી અને બીજી બાજુ જિલ્લા કલેક્ટરે 500 ફૂટથી ઊંડાં હોય તેવાં અનેક ખાનગી બોરવેલ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. આ બોરવેલ્સનાં પાણી બહાર ખેંચી કાઢીને તેમાંથી ટેન્કર્સ ભરાય છે. 
અકોલા શહેરમાં હજુ સુધી રેલ ટેન્કર્સની જરૂર નથી પડી, પરંતુ અનિયમિત સપ્લાયને કારણે ટૂંક સમયમાં જ ટેન્કરો મગાવવાં પડે તેવી સ્થિતિ સર્જાય એમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer