ગુજરાતની જિનિંગ ફેક્ટરીઓને કપાસની ખેંચ

ગુજરાતની જિનિંગ ફેક્ટરીઓને કપાસની ખેંચ
અમદાવાદ, તા. 23 એપ્રિલ
રાજ્યનાં આશરે 800 જેટલા જિનિંગ અને પ્રેસિંગ એકમો કપાસના પુરવઠાની ભારે તંગી નડી રહી છે. આને કારણે મોટાં ભાગનાં કારખાનાં ફક્ત 25-30 ટકા ક્ષમતાએ ચાલી રહ્યાં છે.
ઓલ ગુજરાત સ્પિનર્સ એસોસિયેશનના પ્રમુખ સૌરિન પરીખે જણાવ્યું કે કપાસનો પાક પાછલા વર્ષ કરતાં 50 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિલો) જેટલો ઓછો ઊતર્યો છે. આને કારણે કપાસના ભાવ વધ્યા છે. કપાસનો પ્રતિ ખાંડી (355.5 કિલો) ભાવ કપાસા. 42,500થી વધીને આ મહિને કપાસા. 46,000 થયો છે. 
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ના ખજાનચી પદે પણ ફરજ બજાવી રહેલા પરીખે જણાવ્યું કે આ વર્ષે દેશમાં કપાસનું ઉત્પાદન અંદાજે 330-340 લાખ ગાંસડી થયું છે. 300 ગાંસડી બજારમાં આવી ચૂકી છે. એટલે, આવનારા દિવસોમાં ગુજરાતની જિનિંગ મિલો પાસે કપાસના માલની વધુ ખેંચ સર્જાશે.
રાજ્યની આશરે 800 જિનિંગ મિલોમાંથી લગભગ 200 મિલો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને બાકીની મિલો સરેરાશ 25 ટકા ક્ષમતાએ ચાલુ છે. કપાસના ઓછા ઉત્પાદન માટે સરકારને કે ખેડૂતોને દોષ દેવાય નહીં. કપાસનું ઉત્પાદન કરતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે પાકને ગંભીર ફટકો પડયો છે.
રાજકોટના સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિયેશનના સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર આનંદ નકુમે જણાવ્યું કે પાછલા વર્ષની સરખામણીએ કપાસનો પાક 45-50 ટકા ઘટયો છે. ગયા વર્ષે વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસની આવક લગભગ એક કરોડ ગાંસડી હતી. પરંતુ આ વર્ષે 50-55 લાખ ગાંસડીની આવકની ધારણા છે.
દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત અને મહારાષ્ટ્રમાં થાય છે. વળતર ઘટવાને કારણે કપાસના નિકાસભાવ ઊંચકાશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ગ્રાહકો સસ્તા માલને કારણે બ્રાઝિલ અને અન્ય દેશો તરફ વળી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer