સ્ટીલ માટે લઘુતમ આયાતભાવનો વિચાર અભેરાઈ પર

સ્ટીલ માટે લઘુતમ આયાતભાવનો વિચાર અભેરાઈ પર
નવી દિલ્હી, 23 એપ્રિલ
ટીલના સ્થાનિક ભાવ વધી જવાથી તેને માટે લઘુતમ આયાત ભાવ ઠરાવવાનો વિચાર પોલાદ મંત્રાલયે પડતો મૂક્યો છે.
સ્ટીલ પ્રધાન બિરેન્દર સિંઘે કહ્યું હતું કે છેલ્લા ત્રણેક મહિનામાં સ્ટીલના ભાવમાં ટનદીઠ રૂા. 10,000 થી રૂા. 12,000 નો ઘટાડો થયો છે. એટલે ભાવ વધી જવાનો ડર નથી. સામાન્ય ગ્રાહકને એમ ન લાગવું જોઈએ કે તેને ખંખેરવામાં આવે છે.
સિંઘે કહ્યું કે સ્ટીલ ઉદ્યોગ છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં સર્જાયેલી મુશ્કેલીમાંથી બહાર આવી ગયો છે. ``આપણે સાચી રાહ પર છીએ એમ મને લાગે છે. ઉદ્યોગને સ્પર્ધાત્મક બનવા માટે કોઈ પ્રકારની મદદ જોઈતી હશે તો સરકાર તૈયાર છે.''
તેમણે કહ્યું કે ઉદ્યોગના એક નાના વર્તુળોએ લઘુતમ આયાત ભાવ ઠરાવવાની માગણી કરી છે. મને લાગે છે કે હાલતુરત એવું કંઈ કરવાની જરૂર નથી. અત્યારે કોઈ લઘુતમ આયાતભાવ નથી. તમે એમ કહી શકો કે આ દરખાસ્તને અભેરાઈ પર ચડાવી દેવાઇ છે.
સ્ટીલ ભાવમાં થયેલા વધારા અને સ્ટીલ કંપનીઓ પાસેના માલભરાવા વિશે ટાટા સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર ટીવી નરેન્દ્રને જણાવ્યું હતું કે નવેમ્બર-ડિસેમ્બરમાં સ્ટીલના વણવેચાયેલા સ્ટોકમાં વધારો થયો હતો. જાન્યુઆરીમાં પણ થોડો વધારો જોવાયો હતો, પરંતુ ત્યાર પછી સ્થિતિ બદલાઈ છે. સ્ટીલના આંતરરાષ્ટ્રીય ભાવમાં છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ટન દીઠ 50 ડોલરનો વધારો થયો છે. પરિણામે ભારતીય ઉત્પાદકોની નિકાસ વધી છે. તેને કારણે માલ ભરાવાની સમસ્યા હળવી થઈ છે.
સ્ટીલની સ્થાનિક માગ વધી રહી છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ સંઘર્ષ કરી રહેલો દેખાય છે, પરંતુ અન્ય ક્ષેત્રો વિકાસ પામી રહ્યાં છે. માળખાકીય પ્રોજેક્ટો પર મોટા પ્રમાણમાં ખર્ચ થઈ રહ્યો છે  અને ગ્રામીણ બજારો પણ વેગ પકડી રહી છે. તેથી સ્ટીલનો ઉપાડ એકંદરે વધી રહ્યો છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં હાલનો સમય શ્રેષ્ઠ નીવડશે એમ જણાય છે. ફ્રેબુઆરીમાં વણવેચાયેલો સ્ટોક ઘટયો હતો અને માર્ચમાં હજી એવાં ચિહ્નો છે, એમ નરેન્દ્રને કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer