ગુજરાતમાં શાંતિપૂર્ણ 62 ટકા મતદાન

ગુજરાતમાં શાંતિપૂર્ણ 62 ટકા મતદાન
સૌથી વધુ મતદાન બારડોલીમાં 70 ટકા, સૌથી ઓછું અમરેલીમાં 54 ટકા 

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.23 એપ્રિલ
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો પર અંદાજે સરેરાશ 62  ટકા મતદાન (સાંજે સાત વાગ્યા સુધી) શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. 2014માં કુલ 63.36 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચ આખરી આંકડો જાહેર કરે ત્યારે મતદાન લગભગ પાછલી ચૂંટણી જેટલું કે તેની આસપાસ પહોંચે તેવી ધારણા છે. 
સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી  થયેલા મતદાન દરમિયાન રાજયમાં કોઇ અનિચ્છીય બનાવ બન્યો ન હતો. એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ચૂંટણીમાં કોઇ હિંસક બનાવો પણ નોંધાયા નથી. ઇવીએમ બગડવાની ફરિયાદો વ્યાપક હતી.  સૌથી વધુ મતદાન બારડોલી લોકસભા બેઠક પર 69.87 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી લોકસભા બેઠકમાં 53.75 ટકા થયું છે. 
 ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો ઉપર કુલ 51,851 મતદાન મથકો ઉપર રાજ્યના 4 લાખથી પણ  મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 371 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ કર્યા છે. ખાસ કરીને  ગાંધીનગરની હાઇપ્રોફાઇલ  બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, અમરેલી બેઠક પર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, આણંદ બેઠક પર પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી, બારડોલી બેઠક પર ડૉ. તુષાર ચૌધરી જેવા દિગ્ગજોનું ભાવિ પર સૌની મીટ રહેશે. આગામી તા.23 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે સાચું ચિત્ર સ્પષ્ટ થશે. 
ગુજરાતમાં સવારથી જ લોકેએ મતદાન માટે કતારો લગાવી દીધી હતી. પ્રથમ બે કલાકમાં જ 10 ટકા જેટલું મતદાન થઇ જવા પામ્યું હતું. જ્યારે બપોરે 12 વાગ્યા બાદ 43 ડિગ્રી ગરમીના કારણે મતદાન થોડું ધીમું પડયું ંહતું.  જો કે 3 વાગ્યા બાદ ગરમીને જાકારો આપીને મતદાતાઓ ઉત્સાહમાં આવી પોતાના મતનો ઉપયોગ કર્યો હતો જેના કારણે છેલ્લા કલાકોમાં મતદાનમાં વધારો થયો હતો. 
ગાંધીનગર લોકસભા બેઠક પર 61.18 ટકા, (આંકડા સાંજે છ વાગ્યા સુધીના) અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 55.51 ટકા, અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 55.12 ટકા, આણંદ લોકસભા બેઠક પર 61.72 ટકા, બનાસકાંઠા લોકસભા બેઠક પર 61.44 ટકા, બારડોલી લોકસભા બેઠક પર 68.99 ટકા, ભરૂચ લોકસભા બેઠક પર 65 ટકા, છોટાઉદેપુર લોકસભા બેઠક પર 64.12 ટકા, દાહોદ લોકસભા બેઠક પર 62.40 ટકા, ખેડા લોકસભા બેઠક પર 56.56 ટકા, મહેસાણા લોકસભા બેઠક પર 61.16 ટકા , નવસારી લોકસભા બેઠક પર 61.95 ટકા, પંચમહાલ લોકસભા બેઠક પર 56.84 ટકા, પાટણ લોકસભા બેઠક પર 57.76 ટકા, સાબરકાંઠા લોકસભા બેઠક પર 61.74 ટકા, સુરત લોકસભા બેઠક પર 60.68 ટકા, વડોદરા લોકસભા બેઠક પર 62.78 ટકા, વલસાડ લોકસભા બેઠક પર 68.53 ટકા અંદાજિત મતદાન થયું છે. 
રાજ્યમાં મતદાનમાં ચોંકાવનારો ટ્રેન્ડ જોવામાં આવ્યો છે. રાજ્યમાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં બંપર વોટિંગ થયું હોવાનું સમજાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાની આશા રાખીને બેઠો છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુ કૉંગ્રેસે પણ ઓછામાં ઓછી 12થી 15 બેઠકો પર જીતનો મદાર રાખ્યો છે. જો કે મતદાનના આંકડા જાહેર થતા સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં મતદાન થતા રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે. 
દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ ઇવીએમ ખોટકાયાની ફરિયાદો ઉઠી હતી. ચૂંટણી અધિકારીઓ તરફથી ખોટકાયેલા ઇવીએમને તાત્કાલિક ધોરણે બદલવામાં આવ્યા હતા. એ જ રીતે મતદાનની ગુપ્તતા ન જળવાય અને જે તે પક્ષના ઉમેદવારોને વોટ આપતા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેની સંખ્યાબંધ ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ થવા પામી છે. ઘણા મથકો પર તો ચૂંટણી પંચના ઉપલા અધિકારીઓ દ્વારા રિપોર્ટસની માગણી પણ કરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer