એક અઠવાડિયામાં ખાતરનું વેચાણ ફરી શરૂ કરવામાં આવશે જીએસએફસી

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 14 મે 
ગુજરાતભરમાં સરકારી ખાતરની બેગમાં ઓછું ખાતર મળવાના વિવાદમાં આખરે સરકારે જાહેરાત કરી છે કે જેમને ઓછું ખાતર મળ્યું છે તેમની ઘટ પૂરી દેવામાં આવશે અને ખાતરનું વેચાણ ફરીથી એક સપ્તાહમાં શરૂ કરી દેવામાં આવશે.  
જીએસએફસીના એમડી સુજીત ગુલાટીએ જણાવ્યું હતું કે `આ પ્રોડક્શન એરર છે એમાં કોઈ કૌભાંડ નથી. એવરેજ 300 ગ્રામની ઘટ ગણીને પણ  ચાલીએ તો બોરી દીઠ રૂા.10નું નુકસાન થાય છે. જોકે આ ઘટની પૂરતી કરી દેવામાં આવશે અને આ ઘટ કેમ આવી તેના ઉપર તપાસ કમિટી પણ બનાવવામાં આવી છે જે જીએનએફસીના એક નિવૃત અધિકારીના વડપણ હેઠળ થશે.' 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે `ખાતરની બેગ 12થી 14 મિનિટમાં  ભરાય છે. કુલ ઉત્પાદન પ્રમાણે ગણીએ તો રૂા. 16 લાખનો ફરક પડે છે, ઓટોમેટિક મશીનમાં ક્ષતિ હોય તો જ ઘટાડો જોવા મળે. અમે તમામ જગ્યાએ 100 ટકા ચાકિંગ કર્યું, જે થેલીઓમાં ખાતર ઓછું હશે તેમાં સ્ટરીલાઈઝ કરાશે અને ભરાશે. જે પણ ઓછા ખાતરની થેલી ખરીદાઇ છે તે બદલી આપવામાં આવશે.'
કોઈએ ગરબડ કરી છે કે નહીં તે માટે એક સ્વતંત્ર તપાસ સોંપાઈ છે. આ સપ્તાહની અંદર તપાસ થઈ જાય તેવી સૂચના આપી છે. આખા પ્રકરણમાં  માનવ ભૂલ અને મશીન ભૂલ બંને છે.'
 તપાસ બાદ જો કોઈની બેદરકારી સામે આવશે તો ઠપકાથી લઈને બરતરફી સુધીનાં પગલાં ભરાશે એમ ગુલાટીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બેગમાં ઓછા ખાતર આવવાનો મામલો આખા રાજ્યમાં ચગ્યો છે ત્યારે સરકાર છેક હવે જાગી છે અને જો કોઈ જવાબદાર હશે તો પગલાં લેવાની ખાતરી આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer