ઘઉં ભૂસી અને કપાસ ખોળમાં ઉછાળો, તુવેર ચુની મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 મે.
ઉનાળો શરૂ થતાં જ પશુઆહારમાં મોટો ઉછાળો આવ્યો છે. પાણીની અછતને લીધે લીલાચારાની તંગી સર્જાઈ છે, જેની અસર લીલા ચારાના અને પશુઆહારના ભાવ પર વરતાય છે.
આ વર્ષે સરકારે ઘઉંના ટેકાના ભાવ વધારી આપ્યા હોવાથી ઘઉં ભૂસાના ભાવ પર મોટી અસર થઈ છે. છેલ્લા 15 દિવસમાં ઘઉં ભૂસીમાં ક્વિન્ટલે રૂા. 100 જેટલો મોટો ઉછાળો આવ્યો છે. આગળ જતાં પણ ઘઉં ભૂસામાં ભાવ ઘટવાની શક્યતા જણાતી નથી.
આ સિઝનમાં તુવેરનો પાક ઓછો ઊતરવાથી તેની અસર તુવેરચુનીના ભાવ પર થઈ છે. ગરમીની સિઝનમાં વધુ પૌષ્ટિક એવી તુવેરચુની ખવડાવવાનો ચાલ વધુ હોવાથી એના ભાવમાં પણ છેલ્લા 15 દિવસમાં ક્વિન્ટલે રૂા. 100-200નો તીવ્ર ઉછાળો આવ્યો છે અને આગળ જતાં પણ તુવેરચુનીના ભાવ ઘટવામાં કોઈ એંધાણ જણાતાં નથી.
કપાસ ખોળમાં પણ આ વર્ષે માલની તીવ્ર ખેંચની અસર ભાવ પર જણાય છે. અન્ય પશુખાદ્યાનની જેમ કપાસખોળમાં પણ ક્વિન્ટલે રૂા. 300નો નોંધપાત્ર ભાવવધારો થયો છે. મુખ્ય ખાણદાણ ગણાતો લીલોચારો, ઘઉં ભૂસી, તુવેરચુની તથા કપાસ ખોળના ભાવમાં એકબાજુ ધરખમ વધારો થયો છે, જ્યારે બીજી તરફ ઉનાળાને કારણે દૂધનું ઉત્પાદન ઘટયું છે. ખાણદાણમાં થયેલા ભાવવધારા સામે દૂધના ભાવ ડેરીઓએ વધાર્યા નથી. તેથી પશુપાલકોને બેવડો માર પડી રહ્યો છે. આ બધા સંજોગોને કારણે બજારમાં દરેક પ્રકારના ખાણદાણની ઘરાકીમાં પણ ઘટાડો આવ્યો છે.
વલસાડ બજારમાં ઘઉં ભૂસીના પ્રતિ ક્વિન્ટલદીઠ એકંદર ભાવ ગત સપ્તાહે રૂા. 1775-1800 હતા. તે વધીને હવે રૂા. 1775-1900 થયા છે. તુવેર ચુની - ગજ્જરના ભાવ રૂા. 1800-1900, તુવેરચુની લાલ રૂા. 1700-1800, તુવેરચુની સફેદ રૂા. 2300-2400 (રૂા. 2000-2200), કપાસિયા ખોળ રૂા. 3100 (રૂા. 2850-3075) અને કપાસિયા મિક્સિંગ રૂા. 2500-2600 થયા છે. જે અગાઉના સપ્તાહે રૂા. 2500-2550 બોલાતા હતા.
મુંબઈ બજારમાં ખોળની વિવિધ જાતોના કિલોદીઠ જથ્થાબંધ ભાવ આ પ્રમાણે હતા. ઘઉં ભૂસી રૂા. 18-18.50, કપાસિયા ખોળ જૂની રૂા. 27.50-27.00 (રૂા. 25.50-26.00) કપાસિયા ખોળ નવો રૂા. 29.00-30.00 (28.50-29.00) આયાતીલાલ તુવેર ચુની રૂા. 20.50-2100, દેશી સફેદ તુવેર ચુની રૂા. 22.50-23.00, મકાઈ ચુની હલકી રૂા. 22.00-22.50, મકાઈ ચુની સારી રૂા. 23.50-24.00. મકાઈ ખોળમાં માલ નથી. મસુરચુની રૂા. 17.50-18.00, અડદચુની રૂા. 18.00-18.50, ચણાચુની રૂા. 21.50-22.00, જુવારચુની રૂા. 18.50-19.00, ઘઉં ચુનીમાં માલ નથી અને કોપરા ખોળ નવાના રૂા. 27.50-28.00 રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer