ઝાલાવડમાં કપાસનાં ઉત્પાદનમાં 30 ટકા ઘટાડો જયરાજસિંહ રાઠોડ

સુરેન્દ્રનગર, તા. 14 મે
સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. જિલ્લાના ખેડૂતો અન્ય પાક કરતા કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં કરે છે. નર્મદાની વહેતી કેનાલનાં પાણીનો લાભ મળતા ખેડૂતો કપાસનું વધુ ઉત્પાદન પણ કરી શકે છે. 
સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 40 જેટલી જીનિંગ પ્રેસિંગ મિલ આવેલી છે. જે પૈકી આ સીઝનમાં માત્ર 18 જીનિંગ મિલ ચાલુ રહી હતી. હાલ માત્ર આઠ જીનિંગ મિલ ચાલુ છે.
ગત વર્ષે અપૂરતા વરસાદ અને આગોતરા વાવેતરને લીધે કપાસનાં ઉત્પાદનમાં 30 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. હાલ કપાસની નિકાસનો તબક્કો પૂરો થતાં આ સીઝન દરમિયાન જિલ્લામાંથી 75 હજાર ગાંસડીની નિકાસ થઈ છે. ઓક્ટોબરથી માર્ચ માસ દરમિયાન કપાસના ઉત્પાદનની સીઝનમાં જિલ્લાની 40 જેટલી જીનિંગ ફેક્ટરીમાં મોટાભાગે પરપ્રાંતીય અને જિલ્લા બહારના મજૂરો છૂટક મજૂરી દ્વારા આજીવિકા મેળવતા હોય છે. જો કપાસનાં ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ઘટાડો જોવા મળેલ છે પણ ગત વર્ષની સરખામણીમાં એક મણે રૂ.100થી રૂ.200નો સુધારો જોવા મળ્યો છે.
કપાસના ભાવ ઉંચકાવા સાથે રૂ.1150થી રૂ.1200એ સ્થિર રહ્યા છે. ચાલુ વર્ષે આ જિલ્લામાં 3.50 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું. બીટી કપાસના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો થતાં નિકાસમાં પણ ઘટાડો નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિયેટનામ, બાંગ્લાદેશ તેમજ અન્યત્ર 75,000 ગાંસડીની નિકાસ થયાનું જાણવા મળે છે. 
ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી વગેરે તાલુકામાં સ્થાનિક લોકલ મિલોને લીધે કપાસનો વપરાશ વધ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer